SURAT

બાપ્પાને કોઈ નખરાં નહીંઃ સુરતમાં ભક્તોએ રિક્ષામાં, લારીમાં બેસાડી વટભેર આપી વિદાય

સુરતઃ તળ સુરતમાં ગણેશ વિસર્જનનો ટ્રેન્ડ બદલાયો,ઘણા ગણેશ આયોજકોએ મળસ્કેથી જ મોટી પ્રતિમાઓનું વિસર્જન કર્યું, વર્ષો પહેલાં આનંદ ચૌદશના બીજા દિવસે સવાર સુધી ગણેશ વિસર્જન થતું હતું. આનંદ ચૌદશનો સુરજ ઉગે તે પહેલાં જ ચાર વાગ્યાથી શહેરના અનેક ગણેશ આયોજકોએ વિસર્જન યાત્રા કાઢી, મળસ્કે પણ અનેક ગણેશજી સાથે ઢોલ-નગારાનો નાદ સંભળાયો હતો. ગરમીથી બચવા માટે ભક્તોએ ટ્રેન્ડ બદલ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શહેરના નાનપુરા, સૈયદપુરા, હરિપુરા, ગલેમંડી, મહિધરપુરા, સિનેમા રોડની ગલીઓનાં ઘણા ગણેશ ભક્તોએ મળસ્કે બાપ્પાના વિસર્જનની પુજા શરુ કરી દીધી હતી. સવારે 5 વાગ્યાની આસપાસ તો આ મોટી પ્રતિમાઓ મક્કાઈ બ્રિજ, અડાજણ ગુજરાત ગેસ સર્કલ થઈ હજીરા તરફ જવા માટે નિકળી ગઈ હતી.

કોટ વિસ્તારમાં મળસ્કે જ નીકળી વિસર્જન યાત્રા
સુરત શહેરમાં વર્ષોમાં પહેલીવાર આ વખતે મધ્ય રાત્રિથી જ બાપ્પાની વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી. શહેરના ભાગળ રોડ, રાજમાર્ગ સહિતની કોટ વિસ્તારની ગલીઓમાંથી ઢોલ નગારાના નાદ સાથે બાપ્પાની યાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી. ઊંચી પ્રતિમાઓને ડુમસ અને હજીરાના દરિયા કાંઠે વિસર્જન માટે લઈ જવાની હોય ગણેશ મંડળોએ મધ્ય રાત્રિએ જ નીકળવાનું નક્કી કર્યું હતું.

ટ્રાફિક કે અન્ય કોઈ પણ અડચણ વિના યાત્રાને ઉત્સાહ પૂર્વક ભક્તો લઈ જતા નજરે પડ્યા હતા. રાત્રે બે વાગ્યાથી શહેરના કોટ વિસ્તારમાં બાપ્પાની વિદાય યાત્રા નીકળવાની શરૂ થઈ ગઈ હતી. સવારના 4 વાગ્યાના સુમારે ભાગળ ચાર રસ્તા, નાનપુરા જેવા વિસ્તારોમાં ભક્તોની ભીડ નજરે પડવા લાગી હતી.

રિક્ષામાં યાત્રા નીકળતા વિસર્જન પ્રક્રિયા ઝડપી બની
બાપ્પાની વિદાય યાત્રામાં તેમની સવારી પણ અનોખી હોય છે. કોઈક પોતાની આલિશાન કારમાં બાપ્પાને લઈ જાય તો કોઈક રિક્ષામાં. વળી, મોટી પ્રતિમાઓ ટ્રક, ટેમ્પો અને હાથલારીમાં પણ લઈ જતા જોવા મળે છે. બાપ્પાને પણ કોઈ નખરા નહીં. ભક્તો ભાવપૂર્વક જેમ લઈ જાય તેમ બાપ્પા વિદાય લેવા તૈયાર જ રહે. વિસર્જન માટે આજે રાજમાર્ગથી ચોકબજાર ડક્કા ઓવારે કુત્રિમ તળાવ સુધી જવા ઓટો રિક્ષાનો ઉપયોગ કરાયો. પોલીસે કિલ્લાનાં મેદાન સુધી રીક્ષા જવા દીધી હતી. રિક્ષાના ઉપયોગથી વિસર્જન સરળ અને ઝડપી બન્યું હતું.

Most Popular

To Top