Charchapatra

બેન્કના અધિકારીઓ મહત્ત્વનાં સૂચનો મૌખિક નહીં લેખિત સ્વરૂપે આપે

આજના તા.૦૫ ૦૨ ૨૦૨૩ના આપના દૈનિકમાં પ્રસિધ્ધ થયેલ શહેરની એક સહકારી બેન્કના વહીવટ અંગે થયેલ ૨૩ શખ્સો સામે ફોજદારી ગુનો દાખલ કરવાના નામદાર કોર્ટના હુકમના સમાચાર વાંચી આ લખવા પ્રેરાયો છું. રાષ્ટ્રિયકૃત, ખાનગી, કે સહકારી તમામ બેન્કોમાં એક રીતરસમ એવી ચાલી આવે છે કે પદાધિકારીઓ, ઉચ્ચ પદાધિકારીઓ કે ડિરેક્ટરો શાખાના મેનેજરને કે શાખા મેનેજર શાખાના અધિકારીને કોઈ ફલાણા ફલાણા ગ્રાહકને કોઈ ચોક્કસ આર્થિક સગવડ કરી આપવા બેન્કના સામાન્ય અને સ્વીકાર્ય નિયમો નેવે મૂકીને સૂચના આપતા હોય છે, જ્યારે કંઈક ખોટું થાય, ત્યારે જે તે અધિકારી જેણે તે કાર્ય કર્યું હોય તે ભેરવાય મૌખિક સૂચના આપનાર પદાધિકારી, ઉચ્ચ પદાધિકારી કે ડિરેક્ટરો ક્યારેય પણ એ કાર્ય પોતાની સૂચના મુજબ થયું હતું તેવી ભડવીરતા બતાવતા નથી.

પરિણામે જે અધિકારીએ એ વ્યવહારના ચેકો, કે કોઈ અન્ય ડોક્યુમેન્ટો પર સહી કરી હોય તેને માથે માછલા ધોવાય છે. આ એક પ્રકારનું અધિકારીઓ કે મેનેજરોનું અક્ષમ્ય શોષણ છે અને ગુનો છે. આથી બેન્કના તમામ અધિકારીઓ, મેનેજરોને નમ્ર સૂચન છે કે જ્યારે પણ કોઈ મૌખિક સૂચનાઓનું પાલન કરવું પડે તો જે તે લાગતાવળગતા અધિકારીએ તેની જે ઉપરી અધિકારીને, જેમણે સૂચના આપી હોય તેમને તેમના નામ અને હોદ્દાજોગ એક કન્ફરમેટીવ પત્ર તે જ દિવસે લખી દેવો. જેમાં એ ઉપરીએ ક્યા ગ્રાહક માટે શું સૂચના આપી હતી, કેવી રીતે આપી હતી, અને ક્યારે કેટલા વાગે આપી હતી તેની સંપૂર્ણ વિગત આપી જણાવવું કે મુજબ 66 આપની મૌખિક્ સુચના મેં ફલાણા ફલાણા ગ્રાહકશ્રીને નીચે પ્રમાણે આર્થિક સગવડ આપી છે અને આ સગવડ ફ્ક્ત આપની સૂચનાનું પાલન કરવા જ આપી છે.
સુરત              – રાજેન્દ્ર કર્ણિક    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જેટલી સગવડ તેટલી અગવડ
ઇ બાકઇની બેટરીની કિંમત લગભગ બાઇકની અર્ધી કિંમત જેટલી હોય છે. ક્રુડ ઓઈલના ભડકે બળતા ભાવની આ મજબુરી છે. જરૂરિયાત સંશોધનની માતા છે. ઇ સિગારેટ ડ્રગ્સ જાણે હવામાં ઊડતા હોય એવો અનુભવ થાય છે પણ છેવટે તો તે ઉડાન હોસ્પિટલના દ્વાર ખટખટાવે છે. ઇન્ટરનેટ દ્વારા મોબાઇલની હદ બહારનો ઉપયોગ સગીર સંતાનો જાણે નશાખોર ન થઇ ગયા હોય શારીરિક હલન ચલનના અભાવે બાળક માનસિક અને શારીરિક રીતે પાંગળો થતો જાય છે. સપ્લીમેન્ટરી દવા (ફુડ)ની આડઅસર દેખાવા માંડી છે. યાદશકિત ઓછી થવા માંડી છે. નાકા પર જવા માટે વ્હીકલની આદત છુટતી નથી. અતિ આધુનિકતા શાપમાં પલટાઇ રહી છે.
સુરત              – અનિલ શાહ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top