Business

ગૌતમ અદાણીની શેખ હસીના સાથે મુલાકાત: ઝારખંડમાં બનેલા પ્લાન્ટની વીજળી બાંગ્લાદેશને મળશે

બાંગ્લાદેશનાં PM શેખ હસીનાએ (PM Shaikh Hasina) અદાણી ગ્રુપના (Adani Group) ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) સાથે મુલાકાત કરી હતી. હસીના જોડે મુલાકાત કર્યા પછી ગૌતમ અદાણીએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો. જેની સાથે તેમણે લખ્યું હતું કે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાને મળવું સન્માનની વાત છે. અમે 16 ડિસેમ્બર 2022 વિજય દિવસ નિમિત્તે 1600 મેગા વોલ્ટના ગોડ્ડા પાવર પ્રોજેક્ટ અને બાંગ્લાદેશને સમર્પિત ટ્રાન્સમિશન લાઇનની કામગીરી માટે પ્રતિબદ્ધ છીએ.

આ મુલાકાતમાં ગૌતમ અદાણીએ બાંગ્લાદેશના પીએમને ડિસેમ્બર સુધી ગોડ્ડા પાવર પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સમિશન લાઇન (Transmission Line) પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. 2016માં આ પ્રોજેક્ટને લઈ કરાર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે ઝારખંડના ગોડ્ડામાં 1600 મેગા વોલ્ટનો થર્મલ પ્લાન્ટ લગાવ્યો છે. જે અંતર્ગત ઉત્પાદિત 1600 મેગા વોલ્ટ વીજળી વિશેષ ટ્રાન્સમિશન લાઈનથી સીધી બાંગ્લાદેશને મોકલવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા ટ્રાન્સમિશન લાઈન મારફત બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)ને વીજળી પહોંચાડવામાં આવશે. આ યોજનાની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પોતાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન કરી હતી.

જણાવી દઈએ કે ભારતમાં ચાર દિવસીય યાત્રા પર આવેલાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ સોમવારે નવી દિલ્હીમાં વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાતચીત કરી રાજનૈતિક બેઠકની શરૂઆત કરી હતી. શેખ હસીના મંગળવારે સવારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશી પીએમનું સ્વાગત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. શેખ હસીનાની ચાર દિવસીય ભારત મુલાકાતનો આ બીજો દિવસ હતો. આજે પીએમ મોદી સિવાય તેઓ ભારત સરકારના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું, ભારત અમારો મિત્ર છે. હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે તે મારા માટે ખુશીની વાત હોય છે.ખાસ કરીને કારણ કે આપણે આપણા મુક્તિ સંગ્રામ દરમિયાન ભારતના યોગદાનને હંમેશા યાદ કરીએ છીએ. અમારા મૈત્રીપૂર્ણ સંબંધો છે, અમે એકબીજાને સહકાર આપીએ છીએ.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના એકંદર વ્યૂહાત્મક સંબંધો વર્ષોથી ઝડપથી વિકસ્યા છે. ગયા વર્ષે માર્ચમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી અને પડોશી દેશની મુક્તિ સંગ્રામના 50 વર્ષ નિમિત્તે કાર્યક્રમોમાં હાજરી આપવા બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. ગાઢ સંબંધોના ભાગરૂપે, ભારતે બાંગ્લાદેશની મુક્તિ માટે 1971ના યુદ્ધની 50મી વર્ષગાંઠ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. બંને વડાપ્રધાન 2015થી અત્યાર સુધી 12 વખત મળ્યા છે. બાંગ્લાદેશ હવે દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને છેલ્લા પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર $9 બિલિયનથી વધીને $18 બિલિયન થઈ ગયો છે.

Most Popular

To Top