Business

બાંગ્લાદેશની કૃષિક્રાંતિ અને તેને ઘરઘર સુધી પહોંચાડનારા શેખ સિરાજ

ચીન, ભારત પછી બાંગ્લાદેશ એશિયાનું નવું માર્કેટ બનીને ઉભર્યું છે. વિશ્વમાં જે ગણ્યાગાંઠ્યા દેશો વાસ્તવિક ‘GDP’ (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) 8 ઉપર લઈ જઈ શક્યા છે, તેમાં બાંગ્લાદેશ પણ એક છે. ઝડપથી પ્રગતિ કરી રહેલાં દેશોમાં બાંગ્લાદેશ વિશ્વમાં પાંચમા ક્રમે છે. આર્થિક પ્રગતિમાં આવાં નિર્ધારીત માપદંડોમાં બાંગ્લાદેશ ઉપરના પાયદાન પર આવી રહ્યું છે. અને બદલાયેલા બાંગ્લાદેશના આ ચિત્રની વાહવાહી આર્થિક નિષ્ણાતો પણ કરી રહ્યાં છે. બજાર આજે ફૂલીફાલી રહ્યાં છે અને તેમાં જે દેશ કશુંક વિશેષ કરવા માંગે છે તેઓને બજાર પૂરતું વળતરેય આપે છે. હાલમાં પચાસ વર્ષના થયેલાં બાંગ્લાદેશના કિસ્સામાં અનેક એવી કહાનીઓ લખાઈ જેના કારણે તેના વર્તમાનની વાત સુવર્ણ અક્ષરે લખાઈ છે.

બાંગ્લાદેશમાં ઉદ્યોગો વિકસ્યા તેમ ખેતીમાં પણ પરિવર્તન આવ્યું. બાંગ્લાદેશની 40% થી વધુ વસ્તી ખેતી પર અવલંબિત છે અને તેમાં આવેલા પરિવર્તનથી બેરોજગારી, ગરીબી અને અનાજની અછતની સમસ્યા દૂર થઈ છે. બાંગ્લાદેશનું આ પરિવર્તન સદનસીબે વિડિયોમાં ઉપલબ્ધ છે અને તે ડોક્યુમેન્ટશન કરનાર વ્યક્તિનું નામ છે શેખ સિરાજ. સામાન્ય કિસ્સામાં કોઈ પણ આવી ઘટના બને છે પછી તેના વિઝ્યુઅલ કે તસવીર ડોક્યુમેન્ટ માટે ખાંખાખોળા કરવા પડે છે. પરંતુ બાંગ્લાદેશની કૃષિક્રાંતિમાં આવું કરવું પડ્યું નથી. દાયકામાં જે કંઈ બદલાવ આવતા ગયા તેને શેખ સિરાજ ડોક્યુમેન્ટ કરીને પ્રકાશિત કરતા ગયા.

શેખ સિરાજ પત્રકાર છે અને તેઓ 1982થી કૃષિ આધારિત કાર્યક્રમ કરી રહ્યાં છે. સૌપ્રથમ તેમણે બાંગ્લાદેશ ટેલિવિઝન માટે ‘માતી ઓ માનુષ’ નામનો કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં તેમણે કૃષિ આધારિત પ્રશ્નોને વાચા આપી અને તેના ઉકેલ પણ નિષ્ણાતો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડ્યા. બાંગ્લાદેશમાં તેમના કાર્યક્રમ જાણીતાં બન્યા અને તેનાથી શિક્ષિત યુવાનો પણ ખેતી કરવા તરફ આકર્ષાયા. આવું બન્યું તેનું અગત્યનું કારણ શેખ સિરાજની પ્રસ્તુતિ હતી, બાકી તો કૃષિ આધારીત અનેક કાર્યક્રમો આપણે ત્યાં પણ આવતાં રહ્યાં છે. પરંતુ તેમાં સંવાદ કરીને, નિષ્ણાતોની મુલાકાત લઈને, પ્રશ્નોના વાજબી ઉત્તર વાળીને શેખ સિરાજ લોકો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત કરતા ગયા. પછીથી તેઓ અન્ય એક ખાનગી ચેનલ સાથે સંકળાયા અને ત્યારથી તેઓ ‘હૃદોયે માટી ઓ માનુષ’ નામનો કાર્યક્રમ કરી રહ્યાં છે. આ કાર્યક્રમને પણ અગાઉના કાર્યક્રમ જેવી લોકચાહના મળી છે.

હાલમાં શેખ સિરાજની પ્રોફાઈલ ‘BBC હિંદી’ શબ્દોમાં મૂકી આપી છે અને તેમાં બાંગ્લાદેશના કૃષિવિકાસ અને શેખ સિરાજની અનુભવની વાત કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં કૃષિને આધુનિક બનાવવાનો પ્રયાસ તેના જન્મ પહેલાં 1960ના અરસામાં કુમિલ્લા ગ્રામીણ વિકાસ અકાદમી દ્વારા કરવામાં આવ્યો હતો. તેના સંસ્થાપક અખ્તર હામિદ ખાન નામના વ્યક્તિ હતા. તેમણે જાપાનથી શ્રેષ્ઠ બિયારણ લાવી ખેતી કરવાની પહેલ કરી હતી. જોકે આ બિયારણ નાખતી વખતે સિંચાઈની વ્યવસ્થા જરૂરી હતી તેથી ટ્યૂબવેલ નાંખવાની શરૂઆત થઈ. શેખ સિરાજ કૃષિની આ પહેલ વિશે જણાવતાં કહે છે કે ગામડાંમાં જ્યારે ટ્યૂબવેલ નાખવામાં આવ્યા ત્યારે લોકો ભયના માર્યા તે જગ્યાએથી ભાગી ગયા. તેમનું માનવું હતું કે જમીનમાંથી પાણી કાઢવાનું અલ્લાહના નિયમોથી વિરુદ્ધ છે. ખેડૂતોના આવા વલણથી સમજી શકાય કે આરંભના સમયે ચિત્ર કેવું હશે.

આજે એવું નથી. કૃષિ માટે સમય બદલાઈ ચૂક્યો છે અને બાંગ્લાદેશી ખેડૂત નવીન ટેક્નોલોજીને આવકારી રહ્યા છે સાથે-સાથે તેવો આવકાર શેખ સિરાજને પણ મળે છે. બાકી જ્યારે તેમણે બાંગ્લાદેશના રાષ્ટ્રીય ટેલિવિઝન પર કૃષિ કાર્યક્રમ શરૂ કર્યો અને તેમને મોટા કેમેરા સાથે ગ્રામીણ વિસ્તારમાં જવાનું થતું ત્યારે ગામડાંનાં લોકો કેમેરાને જોઈને ડરી જતાં. તેમને લાગતું કે આ તોપ છે. માઇક્રોફોનને તેઓ બંદૂકની નળી સમજતાં હતાં. તે સમયે સામાજિક રીતે ગામડાઓ પછાત હતાં અને ગામડાંના લોકો એટલાં શરમાતા હતાં કે કેમેરા સામે તેઓ આવતાં જ નહોતાં. વિજ્ઞાન-ટેક્નોલોજીને આ રીતે જ્યારે પણ કોઈ નવા સમૂહમાં લઈ જવામાં આવે ત્યારે તે તરફ લોકો આવી જ પ્રતિક્રિયા દર્શાવે છે.

આ સ્થિતિમાં નિષ્ફળતા સ્વીકારીને ત્યાંથી નીકળી જવાનો માર્ગ સરળ હોય છે પણ જેઓ આ પડકારને ઝીલીને ત્યાં ટકે છે તેઓ કશું નવતર કરી જાણે છે. શેખ સિરાજ આ સ્થિતિમાં ટકી રહ્યા. ટકવાનું કારણ પણ બાંગ્લાદેશમાં આવેલાં કૃષિક્ષેત્રના ઝડપી પરિવર્તન હતા. આ પરિવર્તનોમાં મુખ્યત્વે વિજ્ઞાનીઓએ એક પછી એક ચોખાની નવી શ્રેષ્ઠ ઉપજ આપનારા બિયારણની શોધ કરી ઉપરાંત કૃષિમાં નવી રીતભાત આવી અને આ બદલાવને પરિચય કરાવવાનો પ્રયાસ સરકાર તરફથી થયો. કૃષિમાં આ બધું થઈ રહ્યું હતું તેમાં શેખ સિરાજની ભૂમિકા પણ અગત્યની બની. કારણ તે સમયે યુવાન શેખ સિરાજ બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચેનલમાં નવાસવા જોડાઈને કૃષિક્ષેત્રમાં રસ લઈ રહ્યા હતા. શેખ સિરાજનો પ્રથમ કાર્યક્રમ તો આજે ભૂલાઈ ચૂક્યો છે તેનું નામ હતું ‘આમાર દેશ’. આ કાર્યક્રમ પચાસ મિનિટનો પાક્ષિક કાર્યક્રમ હતો.

ત્યાર પછી તેમણે કાર્યક્રમનું નામ બદલીને ‘માટી ઓ માનુષ’ કર્યું. શેખ સિરાજ કહે છે કે તેમને લાગ્યું કે બાંગ્લાદેશના લોકોને મનોરંજક કાર્યક્રમના બદલે શિક્ષણ આપનારા અને ખેતીલાયક પ્રેરક કાર્યક્રમોની વધુ આવશ્યકતા છે. ખેડૂતોને નવાં બિયારણ, નવી ટેક્નોલોજી, નવું કૌશલ્ય જો યોગ્ય રીતે સમજાવી શકાય તો કૃષિક્ષેત્રે મોટું પરિવર્તન લાવી શકાય. શેખ શરૂઆતમાં પોતાના દેશના લોકોની જરૂરિયાત સમજ્યા અને તેના અનુરૂપ કાર્યક્રમો નિર્માણ કર્યા. આશ્ચર્ય થાય એવી બાબત એ છે કે શેખ સિરાજની આ નાનકડી સફર આજે બાંગ્લાદેશમાં ખૂણખૂણે કૃષિ જાણકારી પહોંચાડવાનો એક માત્ર વિકલ્પ બની ચૂક્યો છે અને તેની સાબિતી તો શેખ સિરાજને કાર્યક્રમના આરંભના સમય દરમિયાન જ મળી ચૂકી હતી. 1980ના દાયકામાં જ્યારે હજુ ટેલિવિઝન દરેક ઘરમાં પહોંચવાની વાર હતી ત્યારે લોકો દર શનિવારે સાંજે ગામડાંના બજારમાં અને સામુદાયિક કેન્દ્રોમાં ‘માટી ઓ માનુષ’ કાર્યક્રમ જોવા એકઠા થતા.

શેખ સિરાજ છેલ્લા ચાર દાયકાથી આ કાર્ય કરે છે અને તેથી તેઓ બાંગ્લાદેશના ખેડૂતોને સારી રીતે સમજી ચૂક્યા છે અને તે અનુભવને બયાન કરતાં કહે છે : “આજનો ખેડૂત અને ત્રીસ વર્ષ પહેલાંના ખેડૂતમાં જમીન-આસમાનનું અંતર છે. તે વખતે  કૃષિ પ્રચાર અધિકારી કામ કરતા હતા અથવા તો ટેલિવિઝન પર પ્રસ્તુતકર્તા જે કંઈ કહેતા, ખેડૂતો તેને આસાનીથી માનતા નહોતા. તેઓ વિચારતા કે અમે કૃષિ વિશે જે કંઈ માહિતી આપી રહ્યા છીએ તેનાથી પાક સારો ન આવે તો? તેઓ સરળતાથી આ માહિતીથી પ્રેરિત નહોતા થતાં, તેઓ નવી ટેકનિક પણ સ્વીકારતા નહોતા.” આ વિશે એક ઉદાહરણ આપતાં તેઓ કહે છે : “જ્યારે હું એંસીના દાયકામાં વધુ ઉપજ આપનારા અનાજ વિશે જણાવતો તો ખેડૂતો એવું કહેતા કે અમે આ રબર જેવાં ચોખાને ખાઈશું નહીં. ત્યારે જે શોધ થઈ હતી તે પ્રમાણે એટલાં સારા ચોખા નહોતા. પકવેલા ચોખા રબર જેવા લાગતા અને તે ચોખા જો થાળીમાં ઉપરથી નાંખવામાં આવે તો તે રબરની જેમ નીચે પડતા હતા.” આ સ્થિતિમાં માર્ગ એક જ હતો કે વધુ ને વધુ નિષ્ણાતોને અને અનુભવને ખેડૂતો સામે લાવવો. શેખ સિરાજે તે કરે રાખ્યું અને આમ ધીરે ધીરે તેમની શાખ બનતી ગઈ.

બાંગ્લાદેશ વિવિધતાભર્યો દેશ છે. શેખ સિરાજનો કાર્યક્રમ જ્યારે વધુ લોકચાહના મેળવતો ગયો ત્યારે તેમણે કાર્યક્રમના કેટલાક માપદંડ નક્કી કર્યા. તેમાં સૌ પ્રથમ મુદ્દો ભાષાનો આવ્યો. શેખ સિરાજ કહે છે કે, જ્યાં ગામડાંમાં શેખ સિરાજના કાર્યક્રમ જોવાતા ત્યાં બધે તેમની ભાષા સમજી શકતા નહોતા. અને ઘણી વાર ખેડૂતો કાર્યક્રમોમાં આવે તો તેઓ યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકતા નહોતા. આ માટે તેમણે ભાષા નિર્ધારિત કરી જેથી ખેડૂતો તેમની વાત સરળતાથી સમજી શકે. શેખ સિરાજે તેમની મૂળ ભાષામાં બદલાવ કર્યો અને લોકો સાથે તેમની જ બોલીમાં વાતચીત કરવાની શરૂ કરી. અનાજ અને અન્ય ખાદ્ય ઉત્પાદકમાં બાંગ્લાદેશ આજે સ્વનિર્ભર બની ચૂક્યું છે. હવે અનેક પ્રકારના પાક બાંગ્લાદેશમાં થઈ રહ્યા છે. મત્સ્યપાલન ક્ષેત્રે ક્રાંતિ આવી છે. બાંગ્લાદેશ હવે આ મામલે વિશ્વમાં ચોથા ક્રમાંકે છે. ગામેગામે ગાયોના ફાર્મ છે. પોલ્ટ્રી ફાર્મ છે. બાંગ્લાદેશનું કૃષિ ચિત્ર જોઈએ તો આ મહાન ક્રાંતિ છે અને તે ક્રાંતિને સૌ સુધી પહોંચાડનારા શેખ સિરાજ અને તેમની ટીમ છે.

Most Popular

To Top