Gujarat

બનાસકાંઠામાંથી લોકોને હેરાન કરતો નકલી પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) હજી પણ નકલીનો કારોબાર યથાવત પણે ચાલી રહ્યો છે. નકલી ધારાસભ્ય, નકલી પીએ, નકલી ઘી, નકલી આઇપીએસ અધિકારી, નકલી જીરું, બાદ હવે ફરી પાછો બનાસકાંઠાના વાવમાંથી નકલી પોલીસવાળો (Fake Police) ઝડપાયો છે.

  • લોકોને પોલીસનું કાર્ડ બતાવી પૈસા પડાવતો હતો, અશોક ચૌધરીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા

અંગે મળતી માહિતી મુજબ ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરી રહ્યો હોવાની હકીકત પોલીસના ધ્યાને આવી હતી. આથી ડીસા શહેરના દક્ષિણ પોલીસ મથકની ટીમે ખાનગી વોચ ગોઠવી તપાસ કરતા બનાસકાંઠાના વાવ તાલુકાના ટોભા ગામનો એક શખ્સ જેનું નામ અજય ચૌધરી છે, તે પોલીસની ઓળખાણ આપીને લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતો હોવાનો ધ્યાને આવતા આ નકલી પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ધરપકડ કરેલા નકલી કોન્સ્ટેબલ અશોક ચૌધરીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું, અને તે બતાવી લોકો પાસેથી પૈસા તથા સામાન પડાવતો હતો. પોલીસે આરોપી અશોક ચૌધરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. રિમાન્ડ દરમ્યાન હજુ પણ વધુ છેતરપીંડીની હકીકત બહાર આવે તેવી સંભાવના છે.

અગાઉ જુનાગઢ ફેમિલી કોર્ટનો ડ્રાઈવર નકલી DYSP બની ફાંકા ફોજદારી કરતો પકડાયો હતો

જુનાગઢ (Junagadh): નકલી ટોલનાકું, નકલી ધારાસભ્ય બાદ હવે રાજ્યમાંથી નકલી ડીવાયએસપી (Fake Dysp) ઝડપાયો છે. જુનાગઢમાંથી નકલી ડીવાયએસ પકડાયો છે. આરોપી મૂળ અમદાવાદનો અને હાલ વડોદરા રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચે વિનીત બંસીલાલ દવે (ઉં.વ. 37) નામના ઈસમને પકડ્યો છે. કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો આ આરોપી યુવાનોને પોલીસ ખાતામાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને છેતરતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ 17 જેટલાં યુવકો સાથે 2.11 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

Most Popular

To Top