ગુજરાતમાં દારૂબંધી હોય દક્ષિણ ગુજરાતના પીવાના શોખીનો છાશવારે સંઘપ્રદેશ દમણ, સેલવાસની મુલાકાત લેતા હોય છે. સુરતીઓને તો દમણ એટલે બીજા ઘર સમાન છે. પરંતુ જો સુરતીઓ આ વીકએન્ડ પર દમણ જવાનું પ્લાનિંગ કરતા હોય તો જરા થોભજો. સંઘપ્રદેશના તંત્રએ દમણમાં દારૂબંધી કરવાનો નિર્ણય લીધો છે. તંત્રના આ નિર્ણયના લીધે શોખીનોના મન કચવાયા છે, પરંતુ કશું કરી શકાય તેમ નથી.
વાત એમ છે કે સંઘપ્રદેશ, દાદરા નગર હવેલીમાં ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે, તેના લીધે આગામી એક અઠવાડિયા માટે તંત્ર દ્વારા દારૂબંધી લાદવામાં આવી છે. આવનારા છ દિવસ સુધી દમણ, સેલવાસમાં લિકરના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ રહેશે.
- પેટા ચૂંટણીઓને લઈ 15 ઓક્ટો. સાંજે 6 વાગ્યાથી દાનહ-દમણ-દીવમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે. જે 16 અને મતદાન દિવસ એટલે કે 17 ઓક્ટોબરની સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. જ્યારે પંચાયતની પેટા ચૂંટણીના મતગણતરીના દિવસે એટલે કે 20 ઓક્ટો. પણ પ્રદેશમાં દારૂબંધીનો અમલ કરવાનો રહેશે.
ટૈક્સેસન જોઈન્ટ સેક્રેટરી કરણજીતસિંહ વડોદરિયા દ્વારા એક જાહેરનામામાં જણાવાયું કે, દાનહનાં કૌંચા ગ્રામ પંચાયતના વોર્ડ નં.6 (8), ગલોંડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3 (11) અને દીવ જિલ્લા પંચાયતનાં વોર્ડ નં.6 ની પેટા ચૂંટણીઓને લઈ 15 ઓક્ટો. સાંજે 6 વાગ્યાથી દાનહ-દમણ-દીવમાં દારૂબંધી લાગુ કરવામાં આવી છે. જે 16 અને મતદાન દિવસ એટલે કે 17 ઓક્ટોબરની સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. જ્યારે પંચાયતની પેટા ચૂંટણીના મતગણતરીના દિવસે એટલે કે 20 ઓક્ટો. પણ પ્રદેશમાં દારૂબંધીનો અમલ કરવાનો રહેશે.
આ જ રીતે દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણીને જોતા 28 ઓક્ટો.નાં રોજ સાંજે 6 વાગ્યાથી દાનહ-દમણ-દીવમાં દારૂબંધી કરવામાં આવશે. જે 29 અને મતદાનના દિવસે 30 ઓક્ટો.ની સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. જ્યારે 2 નવે.નાં રોજ મતગણતરીના દિવસે પણ પ્રદેશમાં દારૂબંધીનો અમલ તમામ દારૂનું વેચાણ કરતા વેપારીઓએ કરવાનો રહેશે.