સુરત : બેન્ક દ્વારા અવારનવાર ગ્રાહકોને ઓનલાઈન ચીટર્સથી સાવચેત રહેવા અપીલ કરવામાંઆવતી હોય છે ત્યારે જ્યારે કોઈ બેન્કની મહિલા ડેપ્યુટી મેનેજર જ ઓનલાઈન ચીટીંગનો ભોગ બને ત્યારે આશ્ચર્ય થાય છે. સુરતમાં આવી જ એક ઘટના બની છે. અહીં ખાનગી બેન્કની મહિલા ડેપ્યુટી મેનેજરે 10 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાના ચક્કરમાં 24 હજાર ગુમાવવાની નોબત આવી છે.
(Surat) એક્સીસ બેંકમાં (Axis Bank) ડેપ્યુટી મેનેજર (Deputy Manager) તરીકે નોકરી કરતી મહિલાને અજાણ્યા યુવકે નોકરી ડોટ કોમની (Nokri.com) ઓળખ આપીને વધારે પગારની લાલચ આપતી નોકરીની ઓફર (Offer) કરી હતી, બાદમાં આ મહિલા પાસે રૂા.10નું ટ્રાન્ઝેક્શન (transaction) કરાવીને રૂા. 24 હજાર પડાવી લેવામાં આવતા પોલીસ ફરિયાદ (Police Complaint) થઇ હતી.
- બમરોલી રોડ ડી-માર્ટ સામે રહેતા પ્રિતીબેન જેસડીયા પાંડેસરાની એક્સીસ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે
- મેસેજમાં આવેલી લીંક ઓપન કરતા 10નું પેમેન્ટ કરવાનું કહ્યું હતું તેથી પ્રિતીબેને લિંક ઓપન કરી એટીએમ કાર્ડની બધી વિગતો આપી
- થોડી વાર બાદ પ્રિતીબેનના એકાઉન્ટમાંથી તબક્કાવાર 24 હજાર ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરાના બમરોલી રોડ ડી-માર્ટ સામે રામેશ્વર હિલ્સ ખાતે રહેતા પ્રિતીબેન ચિરાગકુમાર જેસડીયા (ઉ.વ.૩૧) પાંડેસરાની એક્સીસ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની ઉપર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને નોકરી ડોટ કોમના કર્મચારીની ઓળખ આપીને વધારે પગારની જોબ ઓફર કરી હતી. આ દરમિયાન પ્રિતીબેનએ મેસેજમાં આવેલી લીંક ઓપન કરતા તેમાંથી રૂા. 10નું પેમેન્ટ કરવાનું કહ્યું હતું. પ્રિતીબેનએ એટીએમ કાર્ડ, એક્સપાયરી ડેટ તેમજ સીવીવી નંબરની માહિતી આપી હતી.
થોડીવાર બાદ પ્રીતિબેનના વેસુની એક્સીસ બેંકનું એકાઉન્ટ તેમજ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી બેંકના એકાઉન્ટમાંથી રૂા. 10-10 હજાર ટ્રાન્સફર થઇ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. આ બાબતે પ્રિતીબેનએ અજાણ્યાને ફોન કરીને રૂપિયા કપાઇ ગયાનું કહેતા અજાણ્યાએ રૂપિયા ટ્રાન્સફર થયાની વાતને સ્વીકારીને થોડી જ વારમાં તમામ રૂપિયા ટ્રાન્સફર કરુ છે તેમ જણાવ્યું હતું. થોડીવાર બાદ પ્રિતીબેનના ટેક્સટાઇલ માર્કેટની બ્રાન્ચમાંથી વધુ 4 હજાર કપાઇ ગયા હતા. બનાવ અંગે પ્રિતીબેનએ પોતાનું એકાઉન્ટ સ્ટોપ કરાવીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બેન્કમાં ડેપ્યુટી મેનેજર પદ પર ફરજ બજાવતી મહિલા ઓનલાઈન ચીટીંગનો ભોગ બની તે જાણી પોલીસ પણ હેરાન રહી ગઈ હતી.