T-20 વર્લ્ડકપના (T-20 World Cup) 14 વર્ષના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયન (Australia) ટીમ પહેલીવાર વર્લ્ડકપની ટ્રોફી જીતી છે. રવિવારની રાત્રે ન્યૂઝીલેન્ડને (New Zealand) હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જીતની ખુશીમાં ભાન ભૂલ્યા હતા. માર્શે વિજયી ચોગ્ગો ફટકાર્યા બાદ મેદાન પર જ જશ્ન મનાવવાની શરૂઆત કરી દીધી હતી. ટ્રોફિ હાથમાં લીધા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વધુ ઘેલા બન્યા હતા. ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓએ દારૂ અને બિયર પી ને જીતની ખુશી મનાવી હતી. કેટલાંક ખેલાડીઓ તો ઉત્સાહમાં ભાન ભૂલી ગયા હતા અને જૂતામાં દારૂ-બિયર પીવા લાગ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમનો એક વીડિયો ICC દ્વારા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે આઠ વિકેટથી જીત નોંધાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેલાડીઓ આ જશ્નમાં એટલા મશગૂલ હતા કે તેઓ પોતાના જૂતામાં દારૂ પીવા લાગ્યા હતા. આ વિડીયોમાં મેથ્યુ વેડે પોતાના જૂતા ઉતાર્યા હતા, તેમાં આલ્કોહોલ રેડ્યો હતો અને તેને નીચે ઉતાર્યો હતો. આ પછી માર્કસ સ્ટોઇનિસે તેની પાસેથી જૂતું લીધું અને તેમાં વાઇન નાખીને પીધું.
આ T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને ટ્રોફી જીતવાના દાવેદારમાં સામેલ કરવામાં આવ્યું ન હતું. ઓસ્ટ્રેલિયન ટીમ આ ટ્રોફી જીતે તેવી કોઈને કલ્પના પણ નહોતી. વર્લ્ડકપ પહેલાં ટીમના ઓપનીંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેના ફોર્મને લઈને ચિંતા હતી. તમામ ટીકાકારોને જડબાતોડ જવાબ આપતા વોર્નરે ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવ્યા અને તેને મેન ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો.
ઓસ્ટ્રેલિયન ટીમ સુપર-12 રાઉન્ડમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી, પરંતુ બાકીની ચાર મેચ જીતીને ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી, જ્યાં તેનો સામનો પાકિસ્તાન સામે થયો હતો. પાકિસ્તાનને T20 વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવતું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે શાનદાર પ્રદર્શન કર્યું અને T20 વર્લ્ડ કપ 2021નું ટાઇટલ જીતવા માટે ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવી.
ICC દ્વારા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના ડ્રેસિંગ રૂમનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ઝાટકણી કાઢી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ગંદા લોકો ગણાવતા લોકોએ લખ્યું હતું કે, દારૂ પીને ગટરમાં પડતા લોકો જોયા છે પરંતુ આ ગંદા લોકો તો ગટરમાં દારૂ નાંખીને પી રહ્યાં છે. આવી અનેક કોમેન્ટ સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની જૂતામાં દારૂ પીવાની ગંદી હરકત બાદ કરવામાં આવી રહી છે.