Sports

‘સાચવજો’, સર જાડેજાના કમબેકથી ઓસ્ટ્રેલિયન મીડિયા ગભરાયું, ટીમને આપી દીધી સલાહ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અત્યારે ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે T20 સિરીઝ રમી રહ્યું છે પરંતુ ક્રિકેટના ચાહકોની નજર આગામી મહિને શરૂ થનારી ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ (INDvsAustralia Test Series) પર છે. ફેબ્રુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવી રહ્યું છે. અહીં 9 ફેબ્રુઆરીથી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચ રમાશે. શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ ગભરાઈ ગઈ હોવાના સમાચાર સાંપડ્યા છે. ઓસ્ટ્રેલિયાના મીડિયામાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વિશે જે અહેવાલ છપાયા છે તે દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ ગભરાઈ ગઈ છે.

લાંબા સમયથી ઈજાના લીધે ટીમ ઈન્ડિયામાંથી બહાર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝથી ટીમમાં પરત ફરી રહ્યો છે. ટેસ્ટ સિરીઝમાં પસંદગી પહેલાં ભારતીય સિલેક્ટરોએ રવિન્દ્ર જાડેજાને રણજી ટ્રોફીમાં મેચ રમી ફિટનેસ પુરવાર કરવાની શરત મુકી હતી. રવિન્દ્ર જાડેજાએ તે ચેલેન્જ ઉપાડી લીધી હતી અને સૌરાષ્ટ્ર ટીમની કેપ્ટનશીપ કરવા તે રણજી ટ્રોફીમાં રમવા મેદાનમાં ઉતર્યો હતો. જાડેજા મેદાનમાં ઉતર્યો અને તેણે સાબિત કરી દીધું કે વિશ્વ ક્રિકેટ તેને સર જાડેજા કેમ કહે છે?

રવિન્દ્ર જાડેજાએ રણજી મેચમાં 8 વિકેટ લીધી
તામિલનાડુ સામેની રણજી ટ્રોફી મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાનો ક્લાસ દેખાડ્યો હતો. જાડેજાએ અહીં કુલ 8 વિકેટ ખેરવી હતી. મેચની બીજી ઈનિંગમાં તમિલનાડુના મિડલ ઓર્ડરને રવિન્દ્ર જાડેજાએ સંપૂર્ણ તહસનહસ કરી નાંખ્યો હતો. જાડેજાએ માત્ર 17 ઓવર ફેંકીને 7 વિકેટ ઝડપી હતી. આ મેચની બે ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 41 ઓવર ફેંકી કુલ 8 વિકેટ ઝડપી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ માટે ફીટ હોવાનો મેસેજ સિલેક્ટરોને આપી દીધો હતો.

રણજીમાં જાડેજાના શાનદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયા ગભરાયું
સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેના જૂના રંગમાં પરત ફરતાં ઓસ્ટ્રેલિયન ટીમ ધાકમાં આવી ગઈ છે. કારણ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રવિન્દ્ર જાડેજાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. રવિન્દ્ર જાડેજાના રણજી મેચમાં શાનદાર પ્રદર્શન પર ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ રવિન્દ્ર જાડેજાના કમબેકને ઓસ્ટ્રેલિયન ટીમ માટે એક મોટો પડકાર ગણાવ્યો છે. મીડિયાએ ટીમ ઓસ્ટ્રેલિયાને સાવચેત રહેવા સલાહ આપી.

સર જાડેજાનો ઓસ્ટ્રેલિયા સામે મજબૂત રેકોર્ડ
2017 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં (Border Gavaskar Trophy) રવિન્દ્ર જાડેજાએ 25 વિકેટ લીધી હતી અને બે અડધી સદી ફટકારી ઓસ્ટ્રેલિયાની ટીમને હચમચાવી મુકી હતી. હવે આ શ્રેણી ફરી આવી રહી છે અને રવિન્દ્ર જાડેજા પાંચ મહિનાના બ્રેક બાદ તરોતાજા થઈને કમબેક કરી રહ્યો છે, તેથી તે પોતાના કમબેકને યાદગાર બનાવવા માંગશે. રવીન્દ્ર જાડેજાના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો તે છેલ્લા કેટલાક સમયથી બેટ્સમેન તરીકે પણ રંગમાં જોવા મળ્યો છે. રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી 60 ટેસ્ટ મેચમાં 2523 રન બનાવ્યા છે, સાથે જ 242 વિકેટ પણ લીધી છે. રવિન્દ્ર જાડેજાના નામે 3 ટેસ્ટ સદી છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 12 મેચમાં 63 વિકેટ ઝડપી છે, જ્યારે 387 રન પણ બનાવ્યા છે.

Most Popular

To Top