સુરત: કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં હિંસા ફાટી નીકળી છે. અહીં અભ્યાસ અર્થે ગયેલા વિદેશી સ્ટુડન્ટ્સ પર હુમલા થઈ રહ્યાં છે. હોસ્ટેલ, કોલેજોમાં ઘુસી વિદેશી વિદ્યાર્થીઓને માર મારવામાં આવી રહ્યો છે. ખાસ કરીને એશિયન મૂળના વિદ્યાર્થીઓ પર હુમલા થઈ રહ્યાં છે. બીજી તરફ બિશેક છોડવા માંગતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી કોઈ મદદ મળી રહી નથી. તેથી ભયના ઓથાર હેઠળ જીવવા વિદ્યાર્થીઓ મજબૂર થયા છે. તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સુરતની એક દીકરીએ વીડિયો મેસેજના માધ્યમથી ભારત અને ગુજરાત સરકાર પાસે હેલ્પ માંગી છે.
સુરતની વિદ્યાર્થિની રિયા લાઠિયાએ કિર્ગિસ્તાનની સ્થિતિ વર્ણવવા સાથે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા સરકારને અપીલ કરી છે. રિયાએ કહ્યું કે, હું બીજા વર્ષની મેડિકલની વિદ્યાર્થિની છું. અહીં હાલત એટલી ખરાબ છે કે અમે ઘરે પરત જઇ શકતા નથી. એરપોર્ટ પર જઇએ ત્યારે ત્યાંથી કાઢી મુકવામાં આવે છે. એવું કહે છે કે ઘરે જતા રહો અહીં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે.
વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું કે, ત્રણ દિવસ એરપોર્ટ પર બેઠા હતા અને પછી બહાનું આપવામાં આવ્યું કે તમે હોસ્ટેલમાં જતા રહો. અમારે અહીં નથી રહેવું. અમારે અમારા દેશ ભારત અમારા માતા પિતા પાસે જવું છે. સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ મળી રહ્યો નથી. અમને કોઈ અહીંથી બહાર કાઢો. અમે મેડિકલનું ભણવા આવ્યા અને ફસાઈ ગયા છે.
યુવતીઓના રેપ થઈ રહ્યાં છે, ગોળી મારવામાં આવે છે
રિયાએ કહ્યું, અહીં અમને એરપોર્ટ પર જવા દેવામાં આવતા નથી અને ફ્લેટમાં પણ રહેવા દેતા નથી. સ્થાનિકો રૂમનો દરવાજો ખખડાવીને ધમકી આપે છે કે બહાર નીકળો. યુવતીઓના રેપ થઇ રહ્યાં છે અને લોકોને ગોળી મારવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીંની પરિસ્થિતિ ખરાબ છે. તેલંગાણાના મંત્રીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે મફત ફ્લાઇટની વ્યવસ્થા કરી છે, તમે પણ અમને બહાર કાઢવા માટે આવી કોઇ વ્યવસ્થા કરો. અમે અનસેફ ફિલ કરી રહ્યાં છીએ.
કેમ થઈ રહ્યાં છે હુમલા?
થોડા દિવસો પહેલાં બિશેકમાં ચોરીની ઘટના બની હતી. આ ઘટના બાદ સ્ટુડન્ટ્સના જૂથ વચ્ચે મારપીટ થઈ હતી. મારામારીનો તે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. વીડિયોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, વિદેશી સ્ટુડન્ટ્સ આપણા દેશમાં આવી આપણા લોકોને મારે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક વિદ્યાર્થી ક્રોધે ભરાયા હતા અને વિદેશી સ્ટુડન્ટ્સ પર હુમલા કરવા માંડ્યા હતા. ખાસ કરીને અરેબિયન, ઇજિપ્શિયન, ઇન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ વધુ વણસી રહી છે. દિવસે ને દિવસે આ તોફાન વધુ ઉગ્ર બની રહ્યું છે.