SURAT

‘તું કેમ મને છક્કો કહીને ચીડવે છે?’, કહીને કાપોદ્રામાં 15 વર્ષના છોકરા પર ચાકુથી હુમલો

સુરત(Surat) : ‘તું મને કેમ છક્કો કહીને બોલાવે છે?’, ‘મને કેમ ચીડવે છે?’, એવું કહીને મહોલ્લામાં રહેતા યુવકે 15 વર્ષના છોકરા પર ચાકુથી જીવલેણ હુમલો (Attack) કર્યાની ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની છે. આ હુમલામાં 15 વર્ષીય કિશોરના ગળા પર ડાબી તરફ ચીરો પડી જતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત (Injured) કિશોરને સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ફરિયાદ (Complaint) મળતા કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર ખાતેના કિરતાપુર ગામના વતની અને સુરતમાં કાપોદ્રાના ન્યૂ શક્તિનગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય બબલુ મૂલચંદ સોનકર કાપોદ્રાના વિશાલનગરમાં શાકભાજી વેચવાનું કામ કરે છે. તેઓ અહીં પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની રમણબેન અને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. ચાર પુત્ર પૈકી બીજા નંબરનો 15 વર્ષનો દીકરો લક્ષ્મણ ચીકનની દુકાનમાં કામ કરે છે. સોમવારે તા. 15મી ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યાના સુમારે બબલુનો 15 વર્ષનો દીકરો લક્ષ્મણ સોનકર તેના પિતરાઈ ભાઈ ખરપત્તુ સોનકર સાથે મીનીબજાર ખાતે જમવાનું ટિફીન આપવા ગયો હતો.

દરમિયાન લગભગ બપોરના અઢી વાગ્યાના સુમારે ફરિયાદીના ઘરની પાસે આવેલી ચીકન ઝટકા નામની દુકાન પાસે લોકોની બૂમાબૂમ થતાં ફરિયાદી તેની પત્ની સાથે ત્યાં ગયો હતો ત્યારે જોયું કે તેમના દીકરા લક્ષ્મણને ડાબી બાજુના ગળાના ભાગે લોહી નીકળતું હતું. ફરિયાદીએ પૂછતા તેમના દીકરા લક્ષ્મણે કહ્યું કે તે ટિફીન આપી ઘરે આવતો હતો ત્યારે ચીકન ઝટકા દુકાન પાસે તેનો મિત્ર લકી સીંગ રાજપુત મળ્યો હતો. તેથી લક્ષ્મણ અને લકીસીંગ ન્યૂ શિવમ સોસાયટીની બહાર આવેલા શિવમ પાનના ગલ્લા પર વિમલ લેવા ઉભા રહ્યાં હતાં.

બંને મિત્રો એકબીજા સાથે મજાક કરી રહ્યાં હતાં ત્યારે તેમની સોસાયટીમાં રહેતો કમલેશ મહેશ પટેલ ત્યાં ધસી ગયો હતો અને તું મને કેમ છક્કો કહીને બોલાવે છે? મને કેમ ચીડવે છે? એમ કહી ઉશ્કેરાઈ જઈ ચાકુ જેવા તિક્ષ્ણ હથિયારથી લક્ષ્મણના ગળા પર હુમલો કરી દીધો હતો. ગળાની ડાબી તરફ ઘા વાગતા તેને લોહી નીકળવા માંડ્યું હતું. આથી તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના ગળા પર ટાંકા લેવામાં આવ્યા હતા. કમલેશ મહેશ પટેલે ખોટો વહેમ રાખી મારા દીકરા પર જીવલેણ હુમલો કર્યો છે. હુમલો કર્યા બાદ કમલેશ પટેલ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો છે. કાપોદ્રા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top