સુરત(Surat) : રસ્તા પર લારી ગલ્લાના દબાણના લીધે ટ્રાફિક (Traffic) જામ થતો હોવાની મળતી અનેક ફરિયાદોના પગલે સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા વિવિધ ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે મંગળવારે પાલિકાના સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોનની ટીમ ડીંડોલી નવાગામને જોડતા રેલવે ઓવર બ્રિજની નીચેનું દબાણ દૂર કરવા પહોંચી હતી ત્યારે પાલિકાની ટીમ પર હુમલો થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સાઉથ ઇસ્ટ(લિંબાયત) ઝોન વિસ્તારમાં 7 નવેમ્બરના ના રોજ પ્રી.ટી.પી.સ્કીમ નં. 41(ડીંડોલી), ફા.પ્લોટ નં.113, 117 તથા 118 માં આવેલા પટેલનગર, રાધાસ્વામીનગર તથા બીલીયાનગર સોસાયટીને લાગુ 24.00 મીટર ટી.પી.રોડ, નવાગામ કે જે ડીંડોલી તથા નવાગામ ને જોડતા રેલ્વે ઓવર બ્રીજની નીચે આવેલી છે.
આ રોડ પર રેલ્વે ઓવર બ્રીજની નીચે ત્રિપાઠી હોસ્પિટલ ની સામે અંદાજીત 50 થી 60 જેટલા લારી, ગલ્લા, પાથરણા વાળા ઇસમો દ્વારા દબાણ કરવામાં હોવાની પાલિકાને ફરિયાદ મળી હતી, જેના પગલે ગઈ તા. 7 નવેમ્બરના રોજ સાઉથ ઇસ્ટ(લીંબાયત) ઝોન દ્વારા 2 મીની ટ્રક, ટેમ્પો દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જે દરમિયાન સત્યેન્દ્રનારાયણ નામના લારી રાખનાર ઇસમે પાલિકાના માર્શલ કર્મચારી જીતેન્દ્રભાઈ વી. પઢિયાર ઉપર લાકડાનાં ફટકા દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલામાં માર્શલના જમણા હાથમાં ઈજા થઈ હતી, જેથી તેઓને તાકીદના ધોરણે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્મીમેરના ફરજ પરના ડોક્ટર દ્વારા મેડિકલ તપાસ કરાતા માર્શલ કર્મચારી જીતેન્દ્રભાઈ વી. પઢિયારના જમણા હાથમાં ફ્રેકચર થયું હોવાનું બહાર આવ્યું હતું.
જેના પગલે માર્શલ દ્વારા ડિંડોલી પોલીસ મથક ખાતે હુમલાખોર સત્યેન્દ્રનારાયણ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે. સાઉથ ઇસ્ટ(લિંબાયત) ઝોનના મા.કાર્યપાલક ઇજનેરના નેતૃત્વ હેઠળ લિંબાયત ઝોનના 1 ડે.ઇજનેર, શહેર વિકાસ વિભાગના 5 જુની./આસી ઇજનેર, 4 સુપરવાઇઝર/ટેક.આસી. તેમજ 15 જેટલા બેલદારો તથા સિક્યુરીટી સ્ટાફ સાથે સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી હતી.