સુરત :(Surat) ગે-ચેટ (Gay Chat) નામની ચેટ એપ્લિકેશનથી (Application) મળવા માટે ભેગા થયેલા બે સમલૈગિંક ઉપર રાત્રીના બે વાગ્યે ચાર અજાણ્યા યુવકોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક સમલૈગિંક ભાગી ગયો હતો, જ્યારે બીજાને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
- ‘તમે અહીં કેમ બેઠા છો, આ તમારી જગ્યા છે’ કહીને બે સમલૈંગિંક ઉપર ચપ્પુથી હુમલો
- ગે-ચેટ નામની એપ્લિકેશનથી મળવા ભેગા થયેલા બે સમલૈંગિંગ ઉપર હુમલો થતા એક ડરીને ભાગી ગયો
- મારામારીમાં ઇજાગ્રસ્ત બીજાની રૂદ્રાક્ષની માળા તેમજ મોબાઇલ તૂટી જતા તેણે રાહદારીની મદદ લઇને માતાને બોલાવી
પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોર ચાર રસ્તા પાસે રહેતો કિરણ (નામ બદલ્યુ છે) બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કિરણ ગે છે અને તે મોબાઇલમાં ‘ગે-ચેટ’ નામની ચેટ એપ્લિકેશન મારફતે રાહુલ નામના ઇસમ સાથે ચેટીંગ કરી રહ્યો હતો. રાહુલે કિરણને ડભોલી નજીક મધુરમ પ્લાઝાની પાછળના ભાગે કિસ્મત કોલોની નજીક મળવા માટે બોલાવ્યો હતો. રાત્રીના બે વાગ્યાના અરસામાં કિરણ અને રાહુલ કિસ્મત કોલોની પાસે એક ખંડેર જેવા મકાનમાં વાત કરી રહ્યા હતા ત્યારે તેની પાસે ચાર અજાણ્યા ઇસમો આવ્યા હતા.
તેઓએ રાહુલ અને કિરણને કહ્યું કે, ‘તમે બંને અહીં કેમ બેઠા છો, આ તમારી જગ્યા છે’ કહીને ગાળો આપવા લાગ્યા હતા અને મારામારી થઇ હતી. આ મારામારીમાં એક ઇસમે કિરણને ચપ્પુ મારી દીધું હતુ અને ભાગી ગયો હતો, જ્યારે રાહુલ ભાગી ગયો હતો. ચાર પૈકી એકએ કિરણને માથામાં પણ ઇજા પહોંચાડી હતી. આ મારામારીમાં કિરણની સોનાની રૂદ્રાક્ષની માળા તેમજ ઓપો કંપનીનો મોબાઇલ પડી ગયો હતો. રાત્રીના સમયે જ કિરણે એક રાહદારીની મદદ લઇને તેની માતાને ફોન કર્યો હતો અને બોલાવ્યા હતા. રાત્રે જ કિરણની માતા તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
‘તેં અમારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કેમ આપી છે?’ કહી યુવક ઉપર ચપ્પુથી હુમલો
સુરત : પંડોળની ફટાકડાવાડી પાસે રહેતા અને મજૂરીકામ કરતા સનાતન દિનબંધુ શેટ્ટી (ઉં.વ.૪૦)ïની સાથે થોડા દિવસ પહેલાં મારામારી થઇ હતી. જેને લઇ સનાતને ચાર વ્યક્તિની સામે પોલીસ ફરિયાદ આપી હતી. આ ફરિયાદની અદાવત રાખી તેની પાસે નાસીર આઝાદ સઘવાની, અંસાર, સરફરાજ દિવાન અને અબીદ પંચર આવ્યા હતા. તેમણે સનાતનને ઢીકમુક્કીનો માર મારી કહ્યું કે, તેં અમારી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કેમ આપી છે? કહી સનાતનને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા. આ બનાવ અંગે સનાતને ચારેયની સામે બીજીવાર પોલીસ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.