આણંદ : તારાપુરના દુગારી ગામે રહેતા ખેડૂતના ખેતરમાં ચરવા આવેલા બે પશુના મોતના પગલે પશુપાલકો ઉશ્કેરાયા હતા અને ખેડૂતે જાણી જોઇ ઝેરી પદાર્થ નાંખ્યો હોવાની શંકા કરી તેના ઘરે પહોંચી ટોળાએ તોડફોડ કરી ધમકી આપી હતી. દુગારી ગામમાં રહેતા હિતેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ પરમાર અને તેમના પિતરાઇ મહેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઈ જટુભાઇએ ચાલુ સીઝનમાં ખેતરમાં વર્મી કમ્પોઝ ખાતર નાંખ્યું હતું. તેઓ રવિવારના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે ઘરે પૈસાનો હિસાબ કરતા હતા તે વખતે ગામના કેટલાક શખસ અપશબ્દ બોલતા આવ્યાં હતાં અને કહેતા હતા કે, ટીનાએ ખેતરમાં ઝેરી દવા નાંખી છે, જેના કારણે અમારા પશુ બિમાર પડી ગયાં છે.
ટીનાને બહાર કાઢો, અમારે તેને જીવતો છોડવો નથી. ઝાપા આગળ આવી તપાસ કરતાં સહદેવ ભીમા ભરવાડ, કનુ બબા ભરવાડ, સાદુડ બબા ભરવાડ, ધીરૂ કનુ ભરવાડ, વાઘા સાદુડ ભરવાડ, દશરથ બચુ ભરવાડ, મહેશ બચુ ભરવાડ, કાશી ભીસખા ભરવાડ અને ભીમા બબા ભરવાડ તથા બીજા ત્રીસેક જેટલા ભરવાડ સમાજના શખસો હાથમાં લાકડી લઇ આવ્યાં હતાં અને ઝાપે ટીનાભાઈના ઘર સુધી પહોંચી ગયાં હતાં અને તોડફોડ શરૂ કરી દીધી હતી. એસીનો પંખો, દિવાલ, બારણે લાકડીઓ મારી નુકશાન કર્યું હતું. આ ઉપરાંત હિસાબના પૈસામાંથી રૂ.32,600 પણ જોવા મળ્યાં નહતાં. આ અંગે તારાપુર પોલીસે નવ જેટલા ઓળખાયેલા અને અન્ય ત્રીસ વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં પશુપાલક સુરેશ ભીમાભાઈ ભરવાડે વળતરી ફરિયાદમાં જણાવ્યું હતું કે, દુગારી ગામે રહેતા મહેન્દ્ર ઉર્ફે ટીના જટુ પરમારે ખેતર નજીકથી ભુરાબાવળ તરફ જવાનો રસ્તે પસાર થાય છે. અહીંથી પશુ ચરાવવા નિકળતી સમયે મહેન્દ્ર ઉશ્કેરાતો હતો અને અહીંથી પશુ લઇ નિકળશો તો દવા નાંખીશ તેવી ધમકી પણ આપતો હતો. દરમિયાન 7મીના રોજ ભુરા બાવળ સીમ વિસ્તારમાં પશુ ચરાવવા ગયા તે સમયે ટીનાના ખેતર નજીક ચરતા પશુ થોડીવારમાં બિમાર પડવા લાગ્યાં હતાં. આથી, તાત્કાલિક તેમને ઘરે લઇ ગયા હતા. જ્યાં ડોક્ટર પાસે તપાસ કરાવતા ઝેરની અસર હોવાનું જણાવ્યું હતું. જેમાં બે પશુના મોત પણ નિપજ્યાં હતાં. આથી, ટીનાને ઠપકો આપવા જતાં તેણે ફોરેટ પાવડર નાંખ્યો હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન તેના પરિવારના ગોપાલ રસીક લાકડી લઇ આવ્યાં હતાં અને આ બન્ને શખસે ધમકાવ્યાં હતાં. આ અંગે તારાપુર પોલીસે મહેન્દ્ર ઉર્ફે ટીના જટુ પરમાર અને ગોપાલ રસીક પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.