છેવટે સત્તાવાર રીતે લગ્નગાળો પૂરો થયો. પહેલાં રોગચાળો અને પછી લગ્નગાળો એટલે માણસોની દોડાદોડ ચાલુ જ રહી. કોરોના જેવા રોગચાળામાં પહેલું મોજું ને બીજું મોજું—એવું બધું હોય. લગ્નગાળો તો આવ્યો એટલે આવ્યો. તેનું આવવાનું પણ નક્કી ને જવાનું પણ. બબ્બે વર્ષથી લગ્નગાળો આવ્યો નહોતો એટલે ઘણાને તેની ખોટ સાલતી હતી. ‘લાકડાના લાડુ’વાળી ઉપમા ફક્ત લગ્ન જ નહીં, લગ્નગાળા માટે પણ સાચી છે. તે આવે તો પણ કઠે ને ન આવે તો પણ મુશ્કેલી. કોરોના જેવા અનિવાર્ય સંજોગોને કારણે લગ્નગાળો ન આવે એટલે કેટકેટલાં કોડીલાં યુવકયુવતીઓને આખ્ખું એક વર્ષ પરણ્યા વિના બેસી રહેવું પડે?
કબૂલ કે પરણવાની વિધિ પોતે કંઈ ફૂલટાઇમ કામ નથી- એ તો પરણ્યા પછી શરૂ થાય છે- છતાં, પરણવાનું બાકી હોય એવું જણ સામાજિક લોકોને ‘નવરું’ જ લાગે કેમ કે, લગ્નના માર્કેટમાં એક વાર નામ આવી ગયા પછી તેની પર લાલ ટીકડી ન લાગે ત્યાં સુધી એ નામ ચોપડે બોલ્યા જ કરતું હોય છે. સગાંસ્નેહી, શુભેચ્છકોની પીન તેની પર ચોંટેલી રહે છે. પ્રયત્ન ચાલુ હોય, યોગ્ય પાત્ર ન મળતું હોય અને એવામાં રોગચાળો આવી જાય તો જાતકને કદાચ થોડી હાશ થાય. પણ ચોંટેલી પીનવાળાનું શું? તેમને તો નિરાશા થાય કેમ કે, ‘હજુ સુધી તારું કેમ ગોઠવાયું નથી?’ એ વિષય પર પહેલાં તે કેટલું લાંબું ખેંચી શકતાં હોય.
નિર્દોષ પૃચ્છાથી શરૂ થયેલું તેમનું ઠપકાની દરખાસ્ત જેવું વક્તવ્ય છેલ્લે આકરી ઊલટતપાસના તબક્કે પહોંચતું હોય અને ‘આખરે તારે જોઈએ છે કેવું?’ એવા હાસ્યાસ્પદ સવાલ પર આવીને તે અટકે. ઊલટતપાસ કરનારને લાગતું હોય કે આવો સવાલ પૂછીને તેણે માસ્ટર સ્ટ્રોક માર્યો છે પણ લગ્નેચ્છુક કંઈ તેને જેવું પાત્ર જોઈએ છે તેનો સ્કેચ પોલીસના ચિત્રકાર પાસે બનાવીને થોડો ફરતો હોય કે જેથી સ્કેચને મળતો ચહેરો આવ્યો નથી ને તરત હા પાડી નથી? પરંતુ આટલી સાદી વાત ઉત્સાહી સ્નેહીઓને સમજાતી નથી હોતી. કેટલાક કિસ્સામાં પરણનારને જેમ પૈણ ચડતું હોય છે તેમ પરણાવનારને તેનાથી પણ વધારે પૈણ ચડતું હોય છે. એવા ઉત્સાહીઓને ઓલવવાનું કામ અઘરું હોય છે. એમાંય વડીલ તરીકેની આમન્યા રાખીને એ કરવું પડે ત્યારે તો ખાસ. પણ રોગચાળામાં લગ્નગાળો આવ્યો જ નહીં એટલે જેમને પરણાવવાનું પૈણ ચડતું હતું એવા લોકો માટે મુશ્કેલ સ્થિતિ પેદા થઈ. તે ‘લગ્ન કેમ નથી થતું?’ તે વિશે કોઈ પણ પ્રકારના સંવાદનો આરંભ કરવા જાય કે તરત સામેથી જવાબ આવી જતો,‘આ જુઓને. કોરોનાએ કેવો દાટ વાળ્યો છે. એક તરફ આખી દુનિયાના માથે ખતરો તોળાતો હોય ત્યારે લગ્નનો વિચાર સુદ્ધાં શી રીતે આવે? અત્યારે તો જાન બચી, એટલે ભયોભયો. જાન કાઢવાનું પછી વિચારીશું’ અને ભૂલેચૂકે કોરોનાકાળમાં લગ્ન ગોઠવાઈ ગયા તો કહી શકાય, ‘તમે ક્યારના પૂછ પૂછ કરતા હતા ને? તે લ્યો, ગોઠવાઈ ગયું. પહેલાં તો થયું કે ચોતરફ કોરોનાનું સળગ્યું છે ને એમાં આપણે ક્યાં…પછી વિચાર આવ્યો કે વાઇરસ વાઇરસનું કામ કરે ને વર-વહુ એમનું. એમ બીને બેસી રહ્યે થોડો પાર આવે? એવું બીતા રહીએ તો લગન જ ન કરવાં જોઈએ.
તમે જ કહેતા હતા ને?’ લગ્નગાળો ચેપી છે કે કેમ, એ સવાલ વિશે ચેપી રોગના વિશેષજ્ઞો અને સમાજશાસ્ત્રીઓ મળીને સંશોધન કરી શકે છે. આમ તો રોગચાળો અને લગ્નગાળો—એ બંને ઉચ્ચારની દૃષ્ટિએ ઘણા નજીકના અને એકબીજા સાથે અદલાબદલી કરવામાં વાંધો ન આવે એવા જણાય છે. ‘રોગગાળો’ અને ‘લગ્નચાળો’ કહીએ તો પણ ખાસ ફરક લાગતો નથી. તો એ બંનેમાં બીજું કોઈ સામ્ય ખરું? તેની તપાસ થવી જોઈએ. લગ્નગાળો આવે એટલે સમાજમાં નવા તરંગો પેદા થાય છે. ભાવિ વર કે વહુ કરતાં પણ વધારે કોડ અને ઉમંગ લગ્ન સાથે સંકળાયેલા વિવિધ વ્યાવસાયિકોમાં ફેલાય છે. એક વાર જુગાર રમવા ચડેલા માણસને કેટલે સુધી રમવું તેની ક્યાં સરત હોય છે? એટલે લગ્નપ્રસંગનું બજેટ ધીમે ધીમે કરતાં, ચ્યુઇંગ ગમની જેમ લંબાતું રહે છે અને છેવટે એક તબક્કે ઇચ્છવા છતાં તેમાં ઘટાડો કરવાનું-તેને કાપવાનું શક્ય બનતું નથી.
‘બિગ ફૅટ ઇન્ડિયન વેડિંગ’ તરીકે ઓળખાતાં, ફિલ્મી અસરથી ફાટફાટ થતાં લગ્નો કોઈ પરદેશી જુએ તો તેને ભારતના આર્થિક મહાસત્તા હોવા વિશે લગીરે શંકા ન રહે. અલબત્ત, હવે એવા પ્રસંગો વગર લગ્ને, ધુમાડાબંધ સરકારી કાર્યક્રમોમાં પણ જોવા મળે છે, જ્યાં લગ્ન તો કોઈનું નથી હોતું, પણ સંબંધિત સૌ વર્તે છે એવી રીતે, જાણે જાનમાં આવ્યા હોય. ભારતીય લગ્નગાળો નિશ્ચિત સમયગાળા દરમિયાન ખૂલે છે અને નક્કી થયેલી તિથિએ બંધ થઈ જાય છે. પરદેશોમાં આવી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધુ છે એવું કોઈ સ્વદેશાભિમાની સંસ્કૃતિપ્રેમીએ હજુ સુધી કેમ શોધ્યું નહીં હોય? હવે ભારતમાં પણ પાશ્ચાત્ય અસરોને કારણે, કમૂરતામાં લગ્નો થાય છે. તેનાથી અલાયદા લગ્નગાળાની આખી સંસ્કૃતિ પર ખતરો તોળાઈ રહ્યો છે પરંતુ પ્રેમ અને યુદ્ધની જેમ લગ્નમાં પણ બધું માફ હોય છે. વરપક્ષ-કન્યાપક્ષ રાજી, તો શિદને નડે ગોરજી?