Business

અંકલેશ્વરમાં ત્રિવેણી નદીના સંગમ સ્થાને આવેલા “ઉત્સવોનો આલી” એટલે ઉછાલી

અંકલેશ્વરથી રાજપીપળા ધોરી માર્ગ પર સાત કિલોમીટર દૂર અમરાવતી નદીના કિનારે ઉછાલી ગામ આવેલું છે. ત્રિવેણી નદીના કિનારે આવેલા અંકલેશ્વરના ઉછાલી ગામે નારેશ્વરના નાથ રંગ અવધૂત બાપજીના પરમ શિષ્ય પ.પૂ.નર્મદાનંદજીના દત્ત આશ્રમની પાવન આધ્યાત્મિકભૂમિના અવશ્ય દર્શન થાય એ વાસ્તવિકતા છે. અંદાજે ૧૫૦૦ જેટલી વસતી ધરાવતા ઉછાલી ગામમાં આજે આદિવાસી, કોળી પટેલ અને હરિજન સમાજના લોકો વસે છે. ઉછાલી ગામના લોકો ખેતી, પશુપાલન અને નોકરી ઉપર આધાર રાખે છે. એશિયાખંડની સૌથી મોટી અંકલેશ્વર જીઆઇડીસી અમરાવતી નદીના સામે પાર આવેલી હોવાથી ધીમે ધીમે નોકરીમાં ઉછાલીના લોકો વળગ્યા છે. ભૂતકાળમાં “ઉત્સવોનો આલી”ના નામ અપભ્રંશ થતાં આજે ઉછાલી તરીકે ઓળખ થઈ છે. ઉછાલી ગામની એકતા બેનમૂન છે. ઉછાલી ગ્રામ પંચાયત છેલ્લી ત્રણ ટર્મથી એકરાગે સમરસ બની રહી છે. ઉછાલીના લોકો ખડતલ અને મહેનતકશ હોવાથી ધીમે ધીમે વિકાસનાં કામો થતાં હોય છે. ઉછાલી ગામમાં હવે નવી પેઢી જાગૃત થતાં વિકાસ તરફ વેગ પકડી રહી છે. જેના કારણે ગામની તરાહમાં ભારે ફેરફાર આવી રહ્યાા છે.

આવતા વર્ષે ઉછાલીના દત્ત આશ્રમની સ્થાપનાનાં 50 વર્ષની ભવ્ય ઉજવણી થશે: પ્રમુખ નિલેશભાઈ પટેલ

દત્ત આશ્રમ ઉછાલી સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ રમેશભાઈ પટેલ અનુયાયીઓ માટે આવતીકાલ ફેસિલિટી ઊભી કરવાની તમન્ના વ્યક્ત કરતા કહે છે કે, પૂ.નર્મદાનંદજીની સાથે રહેવાનું બાળપણથી સાંનિધ્ય મળ્યું. બાપજીની ભક્તિ એટલી શક્તિ હતી. એમને મળવાથી પ્રભાવિત થતો હતો. ભલે તેમનો સ્વભાવ ક્રોધી હતો પણ એટલા જ પ્રેમાળ હતા. શ્રદ્ધાળુઓને આધી, વ્યાધી, ઉપાધીમાંથી મુક્ત કરતાં દૃશ્યો અમે જોયાં છે. ગુરુના આશીર્વાદથી અમારું જીવન આધ્યાત્મિક રીતે સમર્પિત થઇ ગયું. તેમની સાથે મારા પિતાએ અને બીજી વખતે મેં પોતે જૂનાગઢ ગીરનારની પદયાત્રા કરી હતી. પોતે પટેલનો દીકરો હોવાથી પૈસાની અગવડતા માટે ગુરુજીને કહેતો, એ વખતે ગુરુ મહારાજ નર્મદાનંદજીએ કહેતાં કે, દેવનું કામ દેવ પૂરું કરે. તારે ચિંતા કરવી નહીં. આજે અમે કોઈ ફંડ કે ફાળો અને તિજોરી પણ મૂકતા નથી. તેમ છતાં આજે તેમનાં વાક્યો સાચાં ઠરતાં હોય એમ તમામ કાર્યો થાય છે. ગુરુ મહારાજ પાસે મને પિતાતૂલ્યનો વારસો મળ્યો એવો વિશ્વાસ મળ્યો છે. આવતા વર્ષે તા.૭-૧૨-૨૦૨૨ના રોજ દત્ત આશ્રમ ઉછાલી પચાસ વર્ષ પૂરાં થતાં આધ્યાત્મિક રીતે ભવ્ય ઉજવણી કરીશું. જો કે, ગુરુ મહારાજ આજે પણ ન હોય તો પણ સૂક્ષ્મ સ્વરૂપે તેમની હાજરી અવશ્ય હોવાની અનુભૂતિથી જીવંત જગ્યા છે. આજે પણ દર રવિવારે ભજન અને સાંજે પ્રસાદી અનુયાયીઓને અપાય છે. દત્ત આશ્રમમાં નવી પેઢીને શિક્ષણ માટે નોટબુક, આજુબાજુનાં ગામની ૧૦૦ જેટલી નિરાધાર વિધાવાઓને સહાય, મેડિકલ કેમ્પ જેવી સુવિધા જરૂરિયાતમંદોને અપાય છે. આજે પણ નર્મદા પરિક્રમાવાસીઓ સહિત શ્રદ્ધાળુઓ દર વર્ષે લગભગ સવા લાખ લોકો દર્શને આવે છે.

ઉછાલી ગામ એક તાલ અને એક સૂર હોવાથી સંપેલું ગામ

સરકારી યોજનાઓ થકી આજે ગામોની કાયાપલટ થઈ રહી છે. ત્યારે ઉછાલી ગામ પણ એ પ્રવાહ તરફ આગળ ધપવા ઝંખી રહ્યું છે. અંદાજે ૧૫૦૦ લોકોની વસતી ધરાવતા આ ગામમાં આજે ૨૦૦થી વધુ ઘર આવેલાં છે. ગામમાં વર્ષે દિવસે માંડ ૮થી ૧૦ લાખની ગ્રાન્ટ આવે છે. જેના કારણે ગ્રાન્ટના ભરોસે વિકાસ કરવામાં ભારે તકલીફ પડે છે. નાનકડા ગામમાં ગ્રાન્ટ પણ ઓછી મળે અને ખાસ કરીને ગામડાંના લોકોની ઉચ્ચ સ્તરે પહોંચ પણ ઓછી હતી. માંડ માંડ સુવિધાઓ ઊભી કરવા માટે તબક્કાવાર પ્રયાસ કરાતો હતો. જેટલી ગ્રાન્ટ કે અન્ય વસ્તુઓની રકમ મળે એટલે સુવિધા ઊભી કરવા માટે ગ્રામજનો તત્પર રહેતા હતા. તેમ છતાં પણ આધ્યાત્મિક સંસ્થા અને તેમના પ્રયાસોથી સુવિધાનાં કામો થતાં રહ્યાં છે. ઉછાલીના દત્ત આશ્રમના સહયોગથી અંકલેશ્વર-રાજપીપળા રોડની પાસે ગામના પ્રવેશ માટેના રસ્તામાં સ્વાગતમનો લાખોના ખર્ચે આહલાદક ગેટ બનાવાયો છે. કોઈપણ ગામમાં આગંતુક આવે એટલે ‘ભલે પધારો’નો ગેટ જોઇને આકર્ષિત થવાય એ વાસ્તવિકતા છે. હાલમાં અંકલેશ્વર-રાજપીપળાના મરામતનું કાર્ય ચાલતું હોવાથી દઢાલ પાસેના બ્રિજને કારણે ઉછાલી ગામે કાચા રોડથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અને તેમના પ્રયાસોથી ગામમાં અને દત્ત આશ્રમમાં ONGC તરફથી રૂ.૧૦ લાખની સોલાર સ્ટ્રીટ લાઈટ લગાવાઈ છે. જેના કારણે મધ રાત્રે સોલાર સ્ટ્રીટને કારણે આખું ગામ ઝગમગી ઊઠે છે. સોલાર સ્ટ્રીટ લાઈટથી કોઈ લાઈટ બિલ કે વપરાશ બિલ આવતું નથી. મધરાત્રે રોશનીનો ભરપૂર ફાયદો મળે છે. તેમજ UPL અને ઉછાલી ગ્રામ પંચાયતના સહયોગથી લગભગ ૨૨ વીઘાંમાં પાંચ હજાર ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે. અમરાવતી નદીના સામે કિનારે ઔદ્યોગિક વસાહતને લઈને પ્રકૃતિ અને પર્યાવરણ માટે વૃક્ષથી માનવ જીવનને પૂરતો ઓક્સિજન મળે એ માટે ગામને ધીમે ધીમે હરિયાળું બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મૂળ તો ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટને કારણે હવામાં પણ ક્યારેક ગેસ નીકળે છે. હવામાં પ્રદૂષણને કારણે માનવીના જીવન જોખમ ઊભા થાય છે. માનવીનું શરીર બગડે અને બીમારીમાં મોતના મુખમાં જવું પડે. માનવીય સ્વાસ્થ્ય માટે પૂરતો ઓક્સિજન મળે એ માટે વનીકરણ જ એકમાત્ર માર્ગ છે. એક માનવીને એક વૃક્ષ સમાનની જેમ આજે ઉછાલીમાં એક વ્યક્તિએ ત્રણ વૃક્ષ ઉછેર્યા છે. આજે ઉછાલી ગામના લોકોએ જાણે “વૃક્ષમ્ દેવો ભવ:” લાગણી ઉદભવવા માંડી હતી. આમ તો ખેતરના શેઢાની જમીન નિરર્થક પડી રહે છે. માત્ર ઘાસચારો ઊગે એ જ કામ લાગે છે. જો કે, ઉછાલી ગામના લોકોએ આવી શેઢાની જમીનનો નવતર ઉપયોગ કરવાનું નક્કી કર્યું. જે માટે ઉછાલીમાં ઘણી જગ્યાએ શેઢાની જમીન પર અલગ અલગ ઈમારતી કે ફળાઉ ઝાડ ઉછેરવા મળ્યાં હતાં. જેને કારણે આરોગ્યની દૃષ્ટિએ ઉછાલી ગામના લોકોને થતો ફાયદો અલગ છે. ઉછાલી ગામના સરપંચ નટવરભાઈ વસાવા કહે છે કે, ઉછાલી ગામ નાનકડું. પણ તમામ કોમ્યુનિટી એક છે. જેના કારણે ઘણા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામ એક થઈ ગામને સમરસ કરવાની ભાવના રાખે છે. ખાસ કરીને અમારા ગામમાં આધ્યાત્મિક દત્ત મંદિરને કારણે સુવિધાઓ મળતી રહે છે.

સિંચાઈના પાણીની ભારે અગવડ

ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર નીતનવાં આયોજન કરે છે. ટેક્નોલોજીની મદદથી ખેડૂતો ખૂબ જ આગળ પણ વધી રહ્યા છે. જેને કારણે પાક ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ઘણીવાર પ્રતિકૂળ સંજોગોનો માર પણ ખેડૂતો ઝીલે છે. તેમ છતાં ધરતીનો જીવ ખેતીના વ્યવસાય સાથે વળગી રહ્યો છે. ઉછાલી ગામ ભલે અમરાવતી નદીના કિનારે આવેલું હોય, છતાં પણ સિંચાઈથી આજે પણ વંચિત છે. ગામમાં અંદાજે ૧૩૦ ખાતેદાર છે. પરંતુ ભારે પરિશ્રમ છતાં સિંચાઈની અગવડને કારણે હાલત કફોડી થઇ છે. સિંચાઈનું પાણી મેળવવા માટે હજુ નવનેજા પડે એમ છે. કમનસીબની બાબત એ છે કે ગામની બાજુમાં અમરાવતી નદી પસાર થાય છે. અને થોડે દૂર નર્મદા નદીનો પટ પસાર થતો હોય ત્યારે ઉછાલી ગામ સિંચાઈના પાણી વગર તરસ્યું રહેવા મજબૂર છે. માઈલો દૂર સૌરાષ્ટ્રમાં જો નર્મદા નદીનું પાણી પહોંચતું હોય ત્યારે નર્મદા નદી કિનારાના ઉછાલીને જ સિંચાઈના પાણી વગર વલખા મારવા પડે છે એ ખૂબ જ કમનસીબની વાત છે. ઉછાલીથી ત્રણ કિમી દૂર અવાદર ગામે કરજણ સિંચાઈનું પાણી આવે છે. જે બાબતે ખેડૂત રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં કરજણનું પાણી લાવવા સરવે પણ કરાઈ ગયો છે. પણ એક ટીપુંય પાણી આવતું નથી. ભલે અમે નદી કિનારે રહીએ, પણ સિંચાઈની ભારે અગવડ છે. પાણીના વાંકે પાક લેવામાં ભારે તકલીફો પડે છે. જો સિંચાઈ મળે તો ઉછાલી ગામનો સુવર્ણ દિવસ અવશ્ય આવી શકે એમ છે.

અશ્વિનકુમાર ઢેબરમાંથી પૂ.નર્મદાનંદજીની આધ્યાત્મિક જીવનયાત્રા

તા.૨૬-૧૧-૧૯૨૮નો એ દિવસ સુવર્ણ હતો. વાંસદાના રજવાડામાં અશ્વિનકુમાર કાંતિલાલ ઢેબરનો મામાને ત્યાં જન્મ થયો. એ સમયે વાંસદા રાજ્યમાં તેમના મામા દિવાન હતા. અને અશ્વિનકુમારનું બાળપણ માણસામાં વિત્યું. તેઓ બાર વર્ષના હતા ત્યારે જ તેમના પિતા વર્ષ-૧૯૪૦માં દેવલોક પામ્યા. પરિવારમાં આર્થિક સંકડામણને કારણે બાળપણમાં સ્થિતિ કફોડી બની ગઈ. ત્રણ વર્ષ વાંસદા મોસાળમાં વિત્યા. સન-૧૯૪૩માં રાજકોટ છોડીને તેમનું કુટુંબ મુંબઈ સ્થાયી થયું. નાનપણમાં અશ્વિનકુમાર તોફાની. મસ્તી, ઝઘડવું, મારપીટ અને ક્રિકેટના શોખમાં તેઓ રચ્યાપચ્યા રહેતા. ઘણીવાર અથડામણમાં બહુને ટીપ્યા અને અશ્વિનકુમાર પણ બહુ ટીપાયા. તેમની માતા અને ભાઈઓને પણ તેઓ ભૂંડા લાગતા.

આર્થિક સંકડામણ અને દોડધામની જિંદગીમાં કોઈ સદગુરુ ન મળ્યા. ઉંમર વધતાં અશ્વિનકુમારના જીવનમાં પરિવર્તિન આવવા માંડ્યું. શિક્ષણ સહિત સાહિત્યના વાંચનના વધતા શોખને કારણે ભૂતકાળનાં તોફાનોની ગેરસમજ અને તેના પ્રશ્ચાતાપ તરફ મનોમન વિતાવ્યા. અશ્વિનકુમાર ૧૮ વર્ષની વયે ઘર છોડીને હિમાલયની તળેટીમાં જતા રહ્યા. જો કે, વૈરાગ્ય મંદ થતાં ફરીવાર ઘરે પરત ફર્યા. આખરે શિક્ષકનું કાર્ય કરતાં B.A.LLBનો અભ્યાસ કરીને વકીલ થયા. એ વખતે આત્મકલ્યાણની ઉપાસના, આત્મદર્શનની ઝંખના એ તેમનું જીવન બન્યું. વકીલાત કરવાની ઈચ્છા ન રહી ને જિંદગીના દિવસો આત્મસાત કરવા માટે ધાર્મિક, નૈતિક-આધ્યાત્મિક સંસ્કારોના મળેલા વારસોના ફૂટેલા અંકુરો ઠીકઠાક ફાલતા હતા. શાસ્ત્રો અને સંતો કહે છે કે, શાશ્વત આનંદ તો આત્મદર્શનથી જ મળે. આત્મિક ઉચ્ચત્તમ આનંદ મેળવી લેવા માટે જ માનવદેહ છે.

ક્યારેક વારંવાર ગૂંચવાતા પ્રશ્નોને ઉકેલવામાં સમય અને શક્તિ સારી રીતે વપરાય જાય. મુશ્કેલીઓ સાથે તો અશ્વિનકુમારને મિત્રતા કરવી પડતી. સદગુરુની શોધને જાણે પૂર્ણવિરામ મૂકવાની તૈયારી સાથે મુંબઈથી નીકળી પડ્યા. તા.૩૧મી મે-૧૯૫૭ની સાલમાં ગુરુવારના દિવસે અસહ્ય ગરમી વચ્ચે નર્મદા કિનારે આવેલ તપોભૂમિ નારેશ્વર જાણે વૈદિક કાળનો આશ્રમ હતો. આ દિવ્ય શક્તિનો અભેદ ફુવારો, શુદ્ધિ, શાંતિ, સૌંદર્ય અને સ્વતંત્રતાનો સમન્વય હતો. વર્ષોથી ઝંખતો હતો એવા સંતના દર્શનની ઘડી આવી પડી. લીમડીની શીળી છાયામાં સંત રંગ અવધૂત બાપજી બેઠા હતા.” પરમાત્મા જેને પોતાની પાસે લેવા માંગે તેની લંગોટી પણ લઇ લે”, આ સૂચક શબ્દોએ ભાવિ જીવન ઉપર અસર કરી દીધું. સમર્થ સંત પાસેથી શીળી છાયા મળી ગઈ.

શિષ્યએ કશું કહેવાનું રહેતું નથી. સદગુરુના આદેશ-ઉપદેશને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવાનો રહે છે. અશ્વિનકુમારના અવગુણોને કાઢીને સાધના-ઉપાસના પર ધ્યાન કેન્દ્રીત કર્યું. તેમણે અઠ્ઠાવીસ વર્ષે સદગુરુ સાંપડ્યા. અવારનવાર ગુરુ પાસે દોડીને મનનો ભાર હળવો થતો. ધરમપુર ગામે અવધૂતજીના આશીર્વાદથી સંસ્કાર મળ્યાં. પુનાનિવાસી ગુળવણી મહારાજ પાસે “કુંડલિની યોગ” માટેની શક્તિપાત દીક્ષા મળી. પાંત્રીસ વર્ષે કુટુંબથી અલગ રહેવાનું થયું. અશ્વિનકુમારને છત્રીસ વર્ષે નર્મદા પરિક્રમા જવા માટે રંગ અવધૂત બાપજીએ સ્વહસ્તે પેંડાનો પ્રસાદ આપી એવી આજ્ઞા આપી કે, “તારા પર મારી કૃપા છે. પહેલા નર્મદાજીની પરિક્રમા કરી આવો”. તેમના માટે શુભ શુકન થયું. આત્મોન્નતિ માટે પદયાત્રાથી અનેક લાભો થાય છે. ધીરજ, હિંમત, દ્રઢતા, સાહસ, સહનશીલતા, નિર્ભયતા જેવા સદગુણો ખીલે છે. પરિક્રમાનો અર્થ પ્રદક્ષિણા કે ફેરા ફરવા તેવો થાય છે.

આવા ફેરા ફરતા ફરતા ભાવનાના સતત સ્મરણથી તદ્રુપતા આવે. પરિક્રમા એટલે જીવન-ધ્યેયમાં ભાવનામાં તદ્રુપતા-એકતાનો સમન્વય થાય. અમરકંટકથી સાગર-સંગમ સુધીના નર્મદા નદીમાં અનેકવિધ સ્વરૂપે દર્શન થાય છે. ‘નર્મ’ એટલે આનંદ અને “દા’ એટલે દેનારી. નર્મદા એટલે જીવનનો સાચો આનંદ દેનારી એવો વિદ્વાનોએ અર્થ કર્યો છે. અશ્વિનકુમાર માટે આશરે સ્વ વર્ષ નર્મદાનું માતૃવાત્સલ્ય માણવાનો સમય હતો. વિજયા દશમીથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરીને ત્રણ વર્ષ, ત્રણ મહિના અને તેર દિવસની કઠોર પણ આજ્ઞાકારી નર્મદા પરિક્રમા પૂરી કરી. પરિક્રમામાં વ્યસનમુક્ત, ડુંગળી, લસણ, રીંગણાં, મસુરની દાળ, માંસ ન ખવાય, બીભત્સ વાતો ન થાય, વિચાર-વાણી વર્તનમાં શુદ્ધિ, સંયમ, સદાચાર અને શિષ્ટાચારથી સાધન મળે એ તમામ વસ્તુ પાળી હતી. માં નર્મદાના કિનારે જેટલા “કંકર એટલા શંકર” ગણવામાં આવે છે.

નારેશ્વર ખાતે આવ્યા બાદ રંગ અવધૂત બાપજીએ અશ્વિનકુમાર ઢેબરનું નામ “નર્મદાનંદ” રાખી દીક્ષા આપી. સદગુરુ રંગ અવધૂત બાપજી દેહવિલય થઇ ગયા બાદ પણ તેમના શબ્દો “I am with you heart and soul” અર્થાત “સર્વ રીતે હું તારી સાથે જ છું એવાં આશીર્વાદ પરમ શિષ્ય નર્મદાનંદજીને મળતાં રહ્યાં. તેમની સાધના નિમિત્તે કોઈક યોગ્ય નિવાસ-સ્થાનની પસંદગી માટે મનોમન વિચારતા હતા. એ વેળા દીવા ગામના નાથાલાલ ગુજ્જરને સદગુરુ રંગ અવધૂત બાપજીનાં સ્વપ્નદર્શન કરીને નર્મદાનંદજીએ દર્શન આપ્યાં. નર્મદાનંદજીએ નાથાલાલને કહ્યું કે, અનેક સ્થળો જોયાં પણ ક્યારેય ચિત્ત ઠર્યું નથી.

આખરે સજોદના મંગુભાઈ ભટ્ટ અને ભાલોદના દેવેન્દ્રભાઈ પંડ્યા અંકલેશ્વરથી પાંચેક માઈલ દૂર ત્રિવેણી નદીના સંગમ સ્થાને તદ્દન પછાત વિસ્તાર ઉછાલી ગામે પ્રાચીન જીર્ણ હનુમાનજીના મંદિરે ગયા. જ્યાં નર્મદાનંદજીએ પગ મૂકતા આત્મ અવાજ ઊઠ્યો કે, “આ જ સ્થળે તું બેસી જા.” લગભગ ૨૯ ગુંઠા જમીન રૂ.૨૫૦માં વેચાતી લીધી. તા.૬-૧૨-૧૯૭૨ના રોજ દત્તજયંતીના દિવસે ઉછાલીમાં દત્ત આશ્રમ સ્થાપ્યો. એ વખતે નાનકડી કુટિરમાં વસવાટ કરીને ભજન અને દર્શન આપતા. બાકીની જમીન માટે ઉછાલીના એ સમયે પોલીસ પટેલ રમણભાઈ છગનભાઈ પટેલે અદલા-બદલીમાં આપી. ફરીવાર નર્મદાનંદજીને સદગુરુએ સ્વપ્નમાં દર્શન આપ્યાં. નવસારીથી જમિયતભાઈ અધ્વર્યુ સદગુરુનાં પાદુકા આપી ગયાં. નર્મદાનંદજીએ દત્ત આશ્રમમાં ગૂંચવાયેલા લોકોને રસ્તો મળે અને દત્ત પરંપરાને આગળ વધારી.

નર્મદાનંદજીએ બાળ અવસ્થાથી બ્રહ્મચારી રહીને ક્યારેય પૈસાને સ્પર્શ ન કર્યો. નર્મદાનંદજીએ સદગુરુ રંગ અવધૂત બાપજીનું અક્ષરશ: પાલન કર્યું. તા.૧૦-૧૦-૨૦૧૫ના રોજ નર્મદાનંદજીએ આખરે રંગશરણ થઇ ગયા. નર્મદાનંદજીએ બતાવેલી તારીખ, સમય અને સ્થળે જ બ્રહ્મલીન થઇ ગયા. બ્રહ્મલીન થયા બાદ ઉછાલી આશ્રમમાં જ અગ્નિદાહ અપાયો હતો. નર્મદાનંદજી બ્રહ્મલીન થયા બાદ એ જ દિવસે તેમના પરમ આજ્ઞાકારી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધાતવા ગામના નિલેશભાઈ પટેલ સહિતના અનુયાયીઓએ દત્ત આશ્રમ ઉછાલી ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવી દીધું. ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ પટેલના સહયોગથી દત્ત આશ્રમની આજે આજે ૧૪ ગુંઠા જમીનમાં દત્ત મંદિર, શાંતિકુટિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, ગણેશ મંદિર, નર્મદા માતા, અંબે માતા, હનુમાનજી મંદિર, નર્મદા સમાધિ, કાર્યાલય, અદ્યતન ભોજનાલય, રહેવા માટે ૨૬ રૂમ, આશ્રમ સુધીનો અદ્યતન આરસીસી રોડ, ૪૬ સીસીટીવી કેમેરા, ભાવિક ભક્તોને લાવવા લઇ જવા માટે ઈ-રિક્ષાની વ્યવસ્થા, સોલાર સિસ્ટમથી વીજ કનેક્શન, ગૌશાળા નિર્માણ કરાઈ છે. તેમજ આ સંસ્થાને ૯ વીઘાં એગ્રીકલ્ચર જમીન બે પરમ ભક્તોએ દાનમાં આપી છે.

પ.પૂ.નર્મદાનંદજીના સત્સંગથી નવી પેઢી વ્યસનમુક્ત

વ્યસનમુક્તિ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. જેનાં સારાં પરિણોમાં પણ મળી રહ્યાં છે. જે આદર્શ પરિવાર બનાવે છે. વાત કરીએ ઉછાલી ગામની તો, અહીંની નવી પેઢી આધ્યાત્મિક રીતે જોડાયેલી છે. એક સમયે અહીં વ્યસન દૂષણ બની ગયું હતું. ભૂતકાળમાં ઉછાલી ગામ અમરાવતી નદી કિનારે ઠેર ઠેર દારૂના પીઠા માટે પ્રચલિત હતું. જેના કારણે યુવા વર્ગ વ્યસનના માર્ગે વળી ગયો હતો. આ દૂષણોથી કુટુંબકબીલામાં ભારે અધોગતિ સર્જાઈ હતી. પરંતુ ૪૯ વર્ષ પહેલાં પ.પૂ.નર્મદાનંદજીએ ઉછાલી ગામમાં દત્ત આશ્રમની ધૂણી ધખાવી હતી. જેનાં સારાં પરિણામ મળ્યાં છે. ધીરે ધીરે યુવાનો સત્સંગ તરફ વળ્યા અને વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો હતો. તેમના વખતમાં લગભગ ૨૦થી ૨૫ જેટલાં માસૂમ બાળકો સાથે અતુટ નાતો હોવાથી શિક્ષણ અને સત્સંગ આપવાની તમન્ના ધીમે ધીમે પૂરી થઇ હતી.

ઉછાલી ગ્રામ પંચાયતની ટીમ

સરપંચ:- નટવરભાઈ ચીમનભાઈ વસાવા

ઉપ સરપંચ:- રમણભાઈ ઝીણાભાઈ વસાવા

સભ્ય:- નીલેશભાઈ હીરાભાઈ પટેલ

સભ્ય:- પ્રતિક્ષાબેન ભાવેશભાઈ પટેલ

સભ્ય:- સીતાબેન પુનાભાઈ વસાવા

સભ્ય:- હરેશભાઈ છગનભાઈ પરમાર

સભ્ય:- ચંપાબેન ગણપતભાઈ વસાવા

સભ્ય:- ગ્રીષ્માબેન જયેશભાઈ વસાવા

સભ્ય:- ગણેશભાઈ રવજીભાઈ વસાવા

તલાટી કમ મંત્રી:- જયેશભાઈ ખેંગારભાઈ વાઘેલા

ઉછાલીમાં ખેતી અને પશુપાલન લોકો માટે આજીવિકા

ઉછાલી ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધડેરી આવેલી છે. ઉછાલી ગામ આમ તો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ખેતીમાં કપાસ, ડાંગર અને શાકભાજીનો પાક લે છે. ઉછાલીના લોકો ભારે મહેનતુ. શિક્ષણ ન મળે તો ખેતીના વ્યવસાયમાં જોડાઈ જતા હતા. ખેતીમાં પરિશ્રમ એટલી હદે કરતા કે કોઈપણ પાક પેદા કરતા હતા. ઉછાલીની નવી પેઢી પણ મહેનતકશ. ખેતીમાંથી નવી પેઢી તમામ ખર્ચાઓ અને પ્રસંગોપાતના અન્ય ખર્ચા રળી લે છે. દિનપ્રતિદિન તમામ ખર્ચાને પહોંચી વળવા માટે ખેતી એકમાત્ર સાધન બની થયું છે. સાથે પશુપાલનમાંથી નાની-મોટી આવકથી પરિવારના ખર્ચા નીકળી રહે છે.

ધો.૧થી ૮ પ્રાથમિક શાળામાં ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી મોબાઈલ સ્કૂલ લર્નિંગ ટીમ દર મહિને વિઝિટે આવે છે

સમાજ જીવનનું અગત્યનું પાસું શિક્ષણ છે. ઉછાલી ગામમાં હવે શિક્ષણનું સ્તર વધવા માંડ્યું છે. ધો-૧થી ૮ની પ્રાથમિક શાળામાં ૬૯ વિધાર્થી અભ્યાસ કરે છે. આચાર્ય તરીકે ૫૨ વર્ષીય ઊર્મિબહેન પરસોત્તમભાઈ પટેલ ફરજ બજાવે છે. તેમની સાથે અન્ય બે જણાનો સ્ટાફ છે. શાળામાં અભ્યાસ કરતાં માસૂમ બાળકોને નવું જાણવાની ઘણી તમન્ના હોય છે. જે માટે સાયન્સ ફેર, ચિત્રકામ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સહિતની પ્રવૃત્તિમાં બાળકો ભાગ લે છે. અને આ પ્રાથમિક શાળામાં ગટ્ટુ વિદ્યાલયની મોબાઈલ વાન દર મહિનામાં એક દિવસ તેમના ક્રિએટિવ સ્ટાફ સાથે આવીને બાળકોને ભાર વગરનું ભણતર આપવાનું કાર્ય કરતી હતી. હવે અંકલેશ્વરની જેબી કેમિકલ અગત્સ્ય MSL(મોબાઈલ સ્કૂલ લર્નિંગ) હેઠળ ઉછાલી જેવા ગામડાને સાયન્સ એજ્યુકેશન અભ્યાસ કરાવે છે. જેના કારણે બાળકોમાં ધગશ વધતી જાય છે. જો કે, ધો-૧થી ૮માં માત્ર ત્રણ જણાનો સ્ટાફ હોવાથી અછત વર્તાઈ રહી છે. આથી બાળકોનું શિક્ષણ ન રૂંધાય એ માટે પૂરતો સ્ટાફ ખૂબ આવશ્યક છે.

ઉછાલીમાં સાક્ષરતાનો દર ૭૨ ટકા

ઉછાલી ગામનું નામ કઈ રીતે પડ્યું એ વિષય માટે લોકવાયકા છે કે ઉછાલી ગામ માટે એમ કહેવાતું હતું કે “ઉત્સવોનો આલી”. માટે આ જગ્યા પંકાયેલી હતી. ધીમે ધીમે આ શબ્દો અપભ્રંશ થતાં આજે ઉછાલી તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ઉછાલી ગામમાં ૬૫ ટકા આદિવાસી સમાજ, બાદમાં કોળી પટેલ અને હરિજન સમાજ વસે છે. ઉછાલીમાં સાક્ષરતાનો દર ૭૨ ટકા છે. પહેલાના જમાનામાં તમામ વર્ગ માટે તો શિક્ષણનું પ્રમાણ તદ્દન ઓછું હતું. માંડ માંડ ૮મું ધોરણ બાદ યુવાનો ખેતીના કામે લાગી જાય. હવે ધીરે ધીરે શિક્ષણના પ્રમાણમાં વધારો થયો છે. આજે ઉછાલીમાં ધો.૧થી ૮ની પ્રાથમિક શાળા ઉછાલી ગામમાં આવેલી છે.

કુદરતી સંપદા અને આધ્યાત્મ માર્ગે જતું ઉછાલી ગામ

રૂડું અને રૂપાળું એટલે ગામડું કહેવાય. ઉછાલી ગામથી પસાર થતી અમરાવતી નદી એટલા માટે ત્રિવેણી સંગમ છે કે, આ નદીમાં કુંભણ અને વાઘી નદીનો સંગમ થાય છે. ગામડાંમાં કુદરતી સંપદા, સુવિધાઓ, આધ્યાત્મિક માર્ગ, ગામમાં સંપ જેવા વિષયો હોય તો ગામડું હરિયાળું બને એ વાસ્તવિકતા છે. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં કેટલાક વિષયો જોડાયેલા છે. ભૂતકાળમાં ઉછાલી ગામનું ઉદભવ સ્થાન કેવી રીતે થયું એ વિષયને ખંખોળવાના પ્રયાસ થતા હતા. અમરાવતી નદીના કિનારે આવેલા ઉછાલી ગામના ભૂતકાળ પર નજર નાંખીએ તો પહેલા સોની સમાજની વસતી વધારે હતી. સોનીની વસ્તુને કારણે ઉછાલી ગામ મોટું હતું. ઉછાલીના પીઢ રમણભાઈ છગનભાઈ પટેલ કહે છે કે, પહેલાં ઉછાલીમાં સૌથી વધારે વસતી કોળી પટેલની હતી. પરંતુ આજે આદિવાસી સમાજની વસતી સૌથી વધારે છે.

Most Popular

To Top