પલસાણા: કડોદરા (Kadodara) GIDC પોલીસમથક વિસ્તારના ચલથાણ (Chalthan) ગામની સીમમાં રેલવે ક્રોસિંગ બ્રિજ પાસે આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટરને (Assistant Dyeing Master) છાતીમાં ચપ્પુના (Knife) ઘા કરી અજાણ્યા શખ્સોએ તેની હત્યા (Murder) કરી નાંખતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે મૃતકની પત્નીએ કડોદરા GIDC પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- તાતીથૈયાની શ્રીરામ ડાઇંગ એન્ડ પ્રિટિંગ મિલના આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટરની હત્યા
- ચલથાણ રેલવે ક્રોસિંગ બ્રિજ પાસે અજાણ્યાએ ચપ્પુ મારી પતાવી દીધો
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના દરભંગાના ડલહાર ગામે અને હાલ પલસાણાના ચલથાણ ગામના ગાયત્રીનગરમાં રહેતો પ્રમોદ રામલલિત ચૌધરી (ઉં.વ.35) છેલ્લા એક વર્ષથી તાતીથૈયા ગામે આવેલી શ્રીરામ ડાઇંગ એન્ડ પ્રિટિંગ મિલમાં આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટર તરીકે નોકરી કરતો હતો. તેનાં લગ્ન-2007માં સીમાદેવી સાથે થયાં હતાં. તેમને કોઈ સંતાન ન હતું. 12મી જૂનના રોજ રાત્રિના સાડા 11 વાગ્યાની આસપાસ પ્રમોદના મિત્ર રાકેશ રાયે સીમાદેવીને ફોન કરી જણાવ્યું કે, પ્રમોદને કોઈએ ચપ્પુ મારી દીધું છે અને લોહીલુહાણ હાલતમાં તાતીથૈયાથી ચલથાણ જવાના રોડ પર રેલવે ક્રોસિંગ બ્રિજ પાસે પડ્યો છે. આથી સીમા દેવીએ તેમના પાડોશીઓ રામનારાયણ દસ ઉર્ફે ડોક્ટરજી તેમજ સુનીલભાઈને ત્યાં મોકલ્યા હતા. સ્થળ પર જોતાં પ્રમોદને છાતીના ભાગે ત્રણ ચપ્પુના ઘા વાગેલા હોવાથી લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપી હતી. મૃતકની પત્ની સીમાદેવીએ ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સિવાણમાં શાકભાજી સમારવા બાબતે ઝઘડો થતાં મહિલાનો આપઘાત
દેલાડ: મૂળ યુપીના હાથરસના રાજકુમાર ખ્યાલીરામ કુસ્વાહ (ઉં.વ.23)નાં લગ્ન પાંચ વર્ષ પહેલાં સાધના સાથે થયાં હતાં. હાલ રાજકુમાર ફેક્ટરીમાં મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને સિવાણ-ભારૂંડી રોડ પર આવેલી વિનાયક ટેક્સટાઈલના પ્લોટ નં.45થી 48 મુંઝાણી ટેક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની ફેક્ટરીના રૂમમાં પતિ-પત્ની રહેતાં હતાં. બંને વચ્ચે શાકભાજી સમારવા બાબતે સામાન્ય બોલાચાલી થતાં સાધનાને માઠું લાગી આવતાં ગુમસુમ રહેતી હતી. તા.12/6/2022ના રોજ સાંજે ફેક્ટરીના રૂમમાં સાધનાએ બારીના સળિયા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. રાજકુમારે સાયણ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ માટે સાયણ સીએચસીમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.