ચીન: ચીનમાં (China) ફરી એકવાર કોરોનાના (Corona) કેસ વધતા ત્યાનું જીવન ચક્ર ફરી એકવાર થંભી ગયું છે. ચીનમાં કોરોનાના કેસ વધવાની અસર હવ રમતગમત પર પણ પડી રહી છે. ચીનના મોટાભાગના શહેરોમાં ફરી એકવાર લોકડાઉન (Lock Down) અને કડક પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે વધતા જતા કોરાનાના કેસના કારણે ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2022ને (Asian Games 2022) હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.
કોરોના મહામારી ફરી એકવાર તબાહી મચાવી રહ્યું છે. તેની અસર આ વર્ષે યોજાનારી એશિયન ગેમ્સ 2022 પર જોવા મળી રહી છે. આ વર્ષે ચીન (હેંગઝોઉ)માં યોજાનારી એશિયન ગેમ્સને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ચીની મીડિયા દ્વારા આ માહિતી સામે આવી છે.
આ એશિયન ગેમ્સ આ વર્ષે સપ્ટેમ્બરમાં ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાવાની હતી. ચીની મીડિયાના અહેવાલો અનુસાર, આ ગેમ્સને કોઈપણ કારણ આપ્યા વિના અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV)ના અહેવાલો અનુસાર, આ નિર્ણય શુક્રવારે જ લેવામાં આવ્યો છે.
સપ્ટેમ્બરમાં યોજાવાની હતી એશિયન ગેમ્સ
ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના ડિરેક્ટર જનરલે જાહેરાત કરી છે કે 19મી એશિયન ગેમ્સ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આ ગેમ્સ આ વર્ષે 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન હાંગઝોઉ શહેરમાં યોજાવાની હતી. હવે આ એશિયન ગેમ્સ ક્યારે યોજાશે, તેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ચીનની ઘણી ટૂર્નામેન્ટ પર કોરોનાની અસર
આ દિવસોમાં કોરોનાના નવા મોજાને કારણે ચીન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ચીનમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો કહેર ઝડપથી વધી રહ્યો છે. એશિયન ગેમ્સ સિવાય ચીનની ઘણી ટૂર્નામેન્ટ પર કોરોના મહામારીની અસર જોવા મળી છે. ગુરુવારે જ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ પણ એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
રમતો માટે સ્ટેડિયમની તૈયારી પૂર્ણ
હાંગઝોઉ ચીનના સૌથી મોટા શહેરોમાંના એક, શાંઘાઈ નજીક આવેલું છે. છેલ્લા એક સપ્તાહથી અહીં કોરોનાને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અહીં રહેતા લગભગ 25 મિલિયન લોકો તેમના ઘરોમાં કેદ છે. આયોજકોએ ગયા મહિને જ કહ્યું હતું કે 1.20 કરોડની વસ્તીવાળા હાંગઝોઉ શહેરમાં એશિયન ગેમ્સ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં યોજાનારી 56 રમતો માટે સ્ટેડિયમ સંપૂર્ણપણે તૈયાર છે. આ સ્ટેડિયમોમાં એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ યોજાવાની છે.