બીજા તબક્કામાં તા.5મી ડિસે.ના રોજ મતદાન થવાનું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠકની ચૂંટણી રાજકીય વર્તુળોમાં રસપ્રદ બની જવા પામી છે. અહીં છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસની ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ગયા બાદ હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. જયારે કોંગ્રેસમાંથી પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના લોકપ્રિય નેતા સ્વ. અમરસિંહ ચૌધરીના પુત્ર તથા પૂર્વ કેબિનેટ મંત્રી તુષાર ચૌધરી પણ મેદાનમાં છે. જયારે આપમાંથી બીપીનચંન્દ્ર ગામેતી પણ મેદાનમાં છે. ખેડબ્રહ્મા બેઠક પર એકંદરે કુલ 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેના પગલે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં 11 લાખ જેટલા મતદારો નોંધાયેલા છે. જે પૈકી ખેડબ્રહ્યા બેઠક પર 326 જેટલા મતદાન મથક આવેલા છે. જયારે કુલ 2.82 લાખ જેટલા મતદાર અહીં નોંધાયેલા છે. જેમાં 1.44 લાખ પુરૂષ મતદારો તથા 1.38 લાખ મહિલા મતદારો નોંધાયેલા છે. ખેડબ્રહ્મા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ખાસ કરીને 2007, 2012 તથા 2017 એમ ત્રણેય ચૂંટણી વખતે કોંગીના અશ્વિન કોટવાલનો વિજય થયો છે. જો કે, આ વખતે અશ્વિન કોટવાલ કોંગ્રેસને રામ રામ કહીને હવે ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે ભાજપે અશ્વિન કોટલવાલને પાર્ટીની ટિકીટ આપી દીધી છે. 2007માં કોંગીના અશ્વિન કોટવાલનો 22,000 મતો , 2012માં 50,000 તથા 2017માં 11000 મતોથી વિજય થયો હતો. 1995, 1998 તથા 2002માં અમરસિંહ ચૌધરીનો વિજય થયો હતો.
જ્ઞાતિનાં સમીકરણો
સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વિધાનસભાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો છે. બે ટર્મને બાદ કરતા અહીં કોંગ્રેસ જ સત્તા પર આવ્યું છે. બેઠક પર આદિવાસી ઉપરાંત ઠાકોર, પાટીદાર અને ક્ષત્રિય મતો પણ મહત્વપૂર્ણ છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીંયા હાલમાં કોંગ્રેસનો દબદબો છે. બે ટર્મને છોડી દઈએ તો માત્ર કોંગ્રેસ જ સત્તા પર રહી છે. આ સીટ પર આદિવાસીઓ સિવાય ઠાકોર, પાટીદાર અને ક્ષત્રિય મતદારો પણ મહત્વના છે. કોંગ્રેસ પોતાની આ સીટને બચાવવા માટે ઘણી મહેનત કરી રહી છે. તો ભાજપ પણ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પક્ષપલટો ભાજપને ફળશે કે નહીં ?
છેલ્લી ત્રણ ચૂંટણી સાથે હેટ્રિક મેળવનાર અશ્વિન કોટવાલ હવે પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. બીજી તરફ પક્ષ પલટાને કારણે આદિવાસી સમર્થકો હવે કોટવાલની સાથે ભાજપને મત આપે તો ભાજપને લાભ થાય. તેમ છે. આ બેઠક પર આદિવાસી મતદારો પ્રભુત્વ ધરાવે છે. અશ્વિન કોટવાલના ભાજપમાં આવવાથી પૂર્વી ગુજરાતની કેટલીક સીટો પર બીજેપીને ફાયદો થઈ શકે છે.