સુરત: (Surat) 16 એપ્રિલના રોજ ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન-સુરત (Fogwa) દ્વારા વલથાણ-પુણા રોડ પર આવેલી આરબીએલ લોન્સમાં યોજવામાં આવ્યું છે. એજન્ડા વિના ફોગવાનું અધિવેશન યોજાતાં વિવર્સમાં (Weavers) નારાજગી જોવા મળી રહી છે. કારણ કે, અગાઉ જેટલી સામાન્ય સભાઓ થઈ એમાં એજન્ડાનાં (Agenda) કામો રજૂ થતાં હતાં. નવાઈની વાત એ છે કે, અધિવેશનની આમંત્રણ પત્રિકામાં વિપક્ષ આપ (AAP) કે કોંગ્રેસના (Congress) એકપણ આગેવાનનું નામ ન હોવાથી અધિવેશન કોંગ્રેસી ફોગવા પ્રમુખના ભાજપ (BJP) પ્રવેશ માટેનું હોવાની વિવર્સમાં ચર્ચાઓ ચાલી રહી છે.
અધિવેશનનું ઉદઘાટન કેન્દ્રનાં ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ (Darshna Jardosh) કરવાના છે. તથા આ અધિવેશનના મુખ્ય મહેમાન તરીકે સાંસદ અને ગુજરાત ભાજપના પ્રમુખ એવા સી.આર.પાટીલ (CR Patil) ઉપસ્થિત રહેવાના છે. શુક્રવારે વિવિંગ સોસાયટીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં ચર્ચા ઉપડી હતી કે, ફોગવા એ સુરતના વિવર્સ એવા વિવિંગ ઉદ્યોગનું બિનરાજકીય સંગઠન છે. પણ આમંત્રણ પત્રિકામાં ભાજપના ધારાસભ્યો અને આગેવાનોનાં નામ જોતાં આ ભાજપ પ્રેરિત અધિવેશન હોય અને કોઈ સત્તાલાલચુ, આયારામ ગયારામ જેવા આગેવાન ફોગવા અને વિવર્સની આડમાં આ અધિવેશનના નામે ભાજપમાં પ્રવેશી, પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગતા હોય એવું ફલિત થાય છે. એક વિવરે લખ્યું કે, આ કાર્યક્રમ ફોગવાના ભાજપમાં વિલીનીકરણ માટે ઊભો કરવામાં આવ્યો હોય એવું લાગે છે. આ કાર્યક્રમ માટે વિવિંગ સોસાયટીઓ પાસે ઉઘરાણાં થયાં હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
વિવર્સનો બળાપો, સેનવેટ આંદોલન વખતે પોલીસ અત્યાચાર કરવામાં કશું બાકી રાખ્યું ન હતું
ઘણાં વર્ષોથી ફોગવા વિવર્સના હિતમાં કોઈ મોટું આંદોલન 90ના દાયકાના સેનવેટ ડ્યૂટી આંદોલન પછી ઉપાડ્યું નથી. ભૂતકાળમાં કેન્દ્રની ભાજપ સરકાર અને સુરતના સાંસદ એવા ટેક્સટાઇલ મંત્રી સ્વ.કાશીરામ રાણા દ્વારા સેનવેટ લાગુ કરવામાં આવી હતી. ત્યારે વિવિંગ ઉદ્યોગના આંદોલનકારી વિવર્સ પર પોલીસ અત્યાચાર કરવામાં ભાજપ સરકારે કશું બાકી રાખ્યું ન હતું. એ પછી કેન્દ્રમાં મનમોહનસિંહના નેતૃત્વ હેઠળ 2004ના વર્ષમાં યુપીએની સરકાર બનતા જ એ સમયના ટેક્સટાઇલ મંત્રી શંકરસિંહ વાઘેલાએ ટેક્સટાઇલ ઉદ્યોગ પર લાગુ સેનવેટમાં 30 ટકા રાહત આપી એક જ હુકમથી પ્રશ્ન ઉકેલી દીધો હતો. ઔદ્યોગિક ગેસનો પ્રશ્ન હોય કે વીજળીનો, કેન્દ્રની તે વખતની સરકારોએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રાધાન્ય આપી કોઈ રાજકીય ભેદભાવ કે અડચણો ઊભી કરી નથી. ત્યારે ફોગવાના કહેવાતા રાજકીય અધિવેશનમાં કાપડ ઉદ્યોગને અન્યાય કરનારા એક જ સત્તાધારી, રાજકીય પક્ષને મહત્ત્વ આપવાની આ ચેષ્ટા વેપારિક અને સમજદારીપૂર્વકની નથી.
અધિવેશન ફોગવાનું છે કે ભાજપનું, ખર્ચ કોણ ભોગવશે?
સોશિયલ મીડિયા ગ્રુપમાં વિવર્સે કોમેન્ટ કરી છે કે, આ અધિવેશન વિવર્સ ભાઈઓ માટે છે કે ભાજપમાં એન્ટ્રી લેવા માટે એ બાબત સ્પષ્ટ થવી જોઈએ. બીજા વિવરે લખ્યું કે, વ્યક્તિગત રાજકીય લાભ માટે જો આ અધિવેશન યોજાતું હોય તો એનો ખર્ચ ભાજપ ભોગવશે કે ફોગવા?