Comments

મે મહિનો આવતાં જ આપણા વિકાસની વાતો પર પ્રશ્નાર્થ લાગી જાય છે

૧ મે એ ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ વખતે સાતમી મે એ લોકસભાની ચૂંટણીનું મતદાન હતું એટલે ગુજરાત દિવસની ઉજવણી ફિક્કી રહી. બાકી ઉત્સવનો માહોલ હોય. પણ આ મે મહિનો આવતાં જ ગુજરાતના અનેક  જિલ્લામાં પાણીની દારુણ સ્થિતિ અને તંત્રની લાચારી જોતાં જ આપણને એમ થાય કે હું હસું યા રોઉં. જયાં નર્મદા વહે છે ત્યાંની નજીકના ગામડામાં બહેનોએ દૂર પાણી ભરવા જવું પડે છે. ગુજરાતમાં પાણીની તંગી આજની નથી. કોંગ્રેસના શાસનમાં જે ન થયું તે ભાજપનાં ૨૫ વર્ષના શાસનમાં પણ ના થયું.

આ વર્ષ તો ચૂંટણીનું હતું, છતાં સરકારને જાણે કે નિરાંત હતી કે ગુજરાતમાં પાણીનો પ્રશ્ન વિકટ નથી અને હોય તો પણ એ વોટીંગમાં અસર કરવાનો નથી.  ગુજરાતના છ જિલ્લામાં છ મહિના પાણી નહિ આવે તોય લોકો બોલવાના નથી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા તો છેવાડાના  જિલ્લા છે, પણ રાજકોટ જેવા જિલ્લાઓમાં પાણીની તકલીફ છે. આ જળસંકટ આજનું નથી. ગયા વર્ષે પણ સરકારે ખેડૂતોને ઉનાળુ પાક ના લેવા વિનંતી કરી હતી. ગુજરાતની જીવાદોરી સમી નર્મદામાં પણ પાણી ખૂટ્યાં છે ત્યારે થાય કે ક્યાંક ને ક્યાંક આપણે જળવ્યવસ્થાપનમાં ઊણાં ઊતર્યાં છીએ.

ગુજરાતમાં માત્ર પીવાના પાણીની તંગી છે એવું નથી, ખેતી માટે પણ પાણી નથી. હા, ઉદ્યોગોએ બૂમો નથી પાડી એ આશ્ચર્યની વાત છે. કારણકે ઉદ્યોગોને  પણ પાણી ખૂબ જોઈએ છે.માટે એક શંકા એ પણ જાય કે વધારે પડતા ઔદ્યોગિકીકરણને કારણે તો આપણા તળનાં  નીર ઊંડાં નહિ ગયાં હોય ને?  આ ઉદ્યોગો વધારે પાણી ખેંચી જાય છે અને ખૂબ પાણી પ્રદૂષિત કરે છે તે તો આપણા જળસંકટ માટે જવાબદાર નહીં હોય ને? ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે જ્યારે અનેક મેસેજો ગુજરાત ગૌરવના જોયા ત્યારે થયું કે આપણે શહેરીજનોને આ ગ્રામ્ય પ્રજાની,પાયાની જરૂરિયાત માટે તરસતી પ્રજાની કેવી મશ્કરી કરીએ છીએ. આપણે કેવા ભ્રામક ખુશીના,જાતે જ પીઠ થાબડવાનાં કાર્યોમાં રત રહીએ છીએ.

 જો આપણે બધાં ખરેખર ગુજરાતી અને ગુજરાતનું હિત જોનારાં છીએ તો આપણને રાજકોટમાં ત્રણ દિવસે પાણી મેળવતાં લોકો કે બનાસકાંઠામાં કીલોમીટર દૂરથી થોડું પાણી ભરી આવતી સ્ત્રીઓની ચિંતા થાય છે? ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો  વખતે આપણે લખ્યું હતું કે આપણા શહેરી મતદારો માત્ર પોતાની જ હાલત વિષે વિચારે છે. આપણાં ગ્રામીણ મતદારો અને શહેરી મતદારો જુદા મુદ્દે વોટીંગ કરે છે અને ગુજરાતમાં કુલ વસ્તીના ૪૫ ટકા શહેરી વસ્તી છે.

અહીં ફ્લેટના ત્રીજા માળે બાથરૂમમાં પાણી આવે છે અને મકાન વેચનારા બિલ્ડરો જાહેરાત કરે છે ૨૪ કલાક પાણી મળશે અને આ બિલ્ડરો બોર બનાવી પાણી ખેંચી લે છે. આ કુદરતી સંપત્તિ કોઈ પણ લૂંટી લે છે અને આ સગવડ ભોગવનારા ક્યારેય પેલાં તરસ્યાં લોકો અને સુક્કા ખેતરોની તકલીફ સમજી શકતા નથી કે ના એમની તકલીફ દૂર કરવા સરકાર પર દબાણ બનાવે છે અને વાત માત્ર પાણીની નથી.

કોઈ પણ સરકારનું મૂલ્યાંકન કેવી રીતે કરાય? તો કે એ સરકારી તંત્ર દ્વારા અપાતી જાહેર સેવાઓનું મૂલ્યાંકન કરો, એની હાલત તપાસો અને ગુજરાતના સરકારી દવાખાનાની હાલત તપાસો,ગુજરાતની જાહેર પરિવહન સેવાની હાલત તપાસો.ગુજરાતની સરકારી શાળામાં જાવ ને તમારી જાતને પૂછો કે તમે અહીં તમારા બાળકને ભણાવશો? અને શહેરોના ટ્રાફિકનો અનુભવ કરો. કાયદો અને વ્યવસ્થા તપાસો. આપણે રોજ સવાર પડે ને આપણી હાલતને કોંગ્રેસના શાસન સાથે સરખાવીએ છીએ અને ગુજરાતને બિહાર અને ઉત્તર પ્રદેશ સાથે સરખાવીએ છીએ. આપણે આ બંધ કરવું જોઈએ.

આપણે કોંગ્રસ કે યુપી બિહાર સાથે લેવા દેવા નથી. આપણે આપણી રોજિંદી જરૂરિયાતો સાથે લેવા દેવા છે અને આપણે જયારે બુલેટ ટ્રેન કે મેટ્રો ટ્રેનના લાખો કરોડો રૂપિયા વાપરવા બેઠા હોઈએ, દુનિયામાં આપણા રાજ્યને મોડેલ સ્ટેટ કહેતા હોઈએ ત્યારે આ મોડેલ સ્ટેટ આ વિકાસનો અનુભવ ગુજરાતના છેલ્લા માણસને પણ થવો જોઈએ. અર્થશાસ્ત્રમાં કહેવાયું છે કે સાધનો મર્યાદિત છે અને જરૂરિયાતો અમર્યાદિત એટલે બુદ્ધિશાળી માણસ એ છે, જે પોતાની જરૂરિયાતોનો ક્રમ નક્કી કરે.

દુનિયાના જે દેશોમાં બુલેટ ટ્રેન છે ત્યાં બીજી બાજુ પીવાના પાણી માટે મહિનાઓ સુધી વલખાં મારતાં લોકો નથી. પ્રાથમિક શિક્ષણના અભાવે રખડતાં બાળકો નથી. હોસ્પિટલોમાં સગવડના અભાવે રખડતાં દર્દીઓ નથી. એ દેશોમાં પાયાની જરૂરિયાતો પત્યા પછી  આધુનિકીકરણ થયું છે. આપણે જો ગુજરાતી છીએ અને ગુજરાતી હોવાનું આપણને ગૌરવ હોય તો આપણા જ ભાઈઓ તરસ્યા હોવાનું આપણને દુ:ખ પણ હોવું જોઈએ. મે મહિનો માત્ર ગરમીનો મહિનો નથી. એ તરસ અને પાણીની તંગીનો પણ મહિનો છે. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top