ગાંધીનગર:રવિવારે હિંમતનગરમાં રામનવમીના તહેવાર નિમિત્તે નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કારણે હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા (Violence) ફાટી નિકળી હતી. આ હિંસાના ચોવીસ કલાક બાદ પણ માહોલ શાંત પડ્યો નથી જેના કારણે શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. તો બીજી તરફ શહેરમાં શાંતિ રહે તે માટે RAFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.
રવિવારે બનેલી હિંસાના પગલે પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. પોલીસ દ્વારા બે સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ લોકોના ટોળાંએ પોલીસ કર્મીઓ પર પણ પથ્થરમારો કર્યો હતા. જેના બદલામાં પોલીસે ટીયર ગેસ છોડી હિંસા રોકવાના પ્રયત્નો કર્યા હતા. આ હિંસામાં સાબરકાંઠાના એસપી સહિત 10 પોલીસ કર્મી ઘાયલ થયા હતા. તેમજ હિંતનગરમાં RAFની ટીમને તૈનાત કરવામાં આવી છે. RAFની ટીમ હસનનગર, જૂના બજાર ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહે છે.
રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થર મારો કરી હિંસા ફેલાવવાનાર સામે પોલીસે 700થી વધુ ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. હિંમતનગર A અને B ડિવઝન પોલીસ સ્ટેશનમાં આ ટોળાંઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે 39 લોકો સામે નામજોગ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસે 3 અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના છાપરિયા વિસ્તારમાં અશરફનગર કસબા વણઝારા વાસ અને ઈમામવાડામાં પથ્થરમારા સાથે તોડફોડ કરાઈ હતી. પોલીસે 700થી વધુ ટોળાં સામે ડેમેઝ ટુ પબ્લિક પ્રોપર્ટી એટલે કે સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ છે.
હિંમતનગરના DCP વિશાલ વાઘેલાએ કહ્યું કે શહેરમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. ઘટના અંગે તેમણે કહ્યું હતું કે શહેરમાં ગઈકાલે રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો અને શહેરમાં તોડફોડની ઘટના બની હતી. આ ઘટનામાં અલગ અલગલ FIR થયેલી છે. સાથે જ પ્રયત્નો કરી રહ્યા છે કે શાંતિ જળવાય રહે.
હિંમતનગરની હિંસાના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ DGP આશિષ ભાટિયા, IBના ચોગ અનુપમ ગેહલોત, લો એન્ડ ઓર્ડર ચીફ સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં બનાવ કેવી રીતે બન્યો, પોલીસનું બંદોબસ્ત કેવું હતું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. DGP આશિષ ભાટિયાએ કહ્યું હતું કે આ ઘટનાના પગલે રાયોટિંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉન્ડઅપ કર્યા છે.
તેમજ પોલીસની ફરતે વળેલા ટોળાને દૂર કરવા માટે પોલીસે ટિયરગેસનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે આ હુમલો અગાઉથી નકકી કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારી પણ ઘાયલ થયાં હતાં. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે..