અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં નકલી ( duplicate) રેમડેસિવીર ઇન્જેક્શન ( remdesivir injection) ના કૌભાંડમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 133 નકલી રેમડેસિવીર ઇન્જેક્શન તથા 21 લાખ રોકડા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી છે. આ કૌભાંડ એક હોટલના રૂમમાંથી ચલાવવામાં આવતું હતું.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે વ્યક્તિઓ રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજાર કરતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બારડની ટીમે તપાસ હાથ ધરી બે શખ્સોની ધરપકડ કરી, તેની પાસેથી 20 ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરાયો હતો.
પોલીસે આ બંને આરોપીઓની પૂછપરછ કરતાં ઇન્જેક્શનનો જથ્થો શહેરના પાલડી વિસ્તારમાં રહેતા રાજ વોરા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રાજ વોરાની પૂછપરછ કરતાં તેની પાસેથી દસ ઇન્જેક્શનો મળી આવ્યા હતા. તેની તપાસમાં શહેરની વસ્ત્રાપુર ખાતે આવેલી હોટલ હયાતમા નિલેશ જોશી અને અન્ય એક શખ્સ પાસેથી આ ઇંજેક્શન મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હોટલ હયાતમા તપાસ કરતા મુખ્ય સૂત્રધાર નિલેશ જોષી પાસેથી 21 લાખ રોકડા તથા 103 નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા.
આ સમગ્ર કૌભાંડ અંગે પૂછપરછ કરતા એવી હકીકત બહાર આવી હતી કે અન્ય ઇન્જેક્શનના બોક્સ ઉપર લેબલ હટાવીને રેમડેસિવીરનું લેબલ લગાવી, નકલી ઇન્જેક્શન તૈયાર કરીને વેચતા હતા. અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ નકલી રેમડેસિવીર ઇન્જેક્શન આ ગેંગ દ્વારા બજારમાં વેચવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ સમગ્ર નેટવર્કમાં નિશાંત પટેલ અને વિવેક નામના શખ્સ દ્વારા ઇન્જેક્શન વેચવામાં આવતા હતા. 20,000 થી લઇ 29,000 રૂપિયા સુધીમાં આ ઇન્જેક્શનો વેચવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ ફાર્માસ્યુટિકલ કંપની સાથે જોડાયેલા હતા. નિલશ જોષીએ જુદીજુદી હોસ્પિટલોમાં સ્ટાફ બ્રધર્સ તરીકે કામ કરેલું હોવાથી હોસ્પિટલોમાં તેને સીધી ઓળખાણ હતી. ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર કૌભાંડમાં 7 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે વિવેક ફરાર હોવાથી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં સંજીવની સાબિત થયેલા રેમડેસિવીર ઈન્જેકશનની ભારે અછત સર્જાઈ છે, પરિણામે તેના મોટા પ્રમાણમાં કાળા બજાર શરૂ થયા છે. પોલીસે આ કાળા બજાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદમાં ઝાયડસ કંપનીમાં કામ કરતા એક કર્મચારી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ત્રણે આરોપીઓ રેમડેસિવીર ઇન્જેક્શનનું રો -મટીરીયલ કાળા બજારમાં વેચતા હતા.
શહેરની એસ.ઓ.જી પોલીસની ટીમે રેમડેસિવીર ઇન્જેક્શન સાથે હાર્દિક વસાણી, મિલન સવસવીયા અને કેવલ દેવલ કસવાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલા ઇન્જેક્શન કાચની બાટલીમાં હતા. જેમાં સફેદ કલરનો પાવડર ભરેલો હતો. ઇન્જેક્શન બોક્સ ઉપર કોઈ મેન્યુફેક્ચરીંગ કંપની કે પ્રોડક્ટ બેન્ચનું નામ લખેલું ન હતું. ઝાયડસ કંપનીમાં કામ કરતા મિલન સવસવિયા રેમડેસિવીર ઇન્જેક્શન બનાવવાનું રો- મટીરીયલ ચોરી કરીને બહાર લાવતો હતો, અને તેના મિત્રો દ્વારા ઊંચા ભાવે બજારમાં વેચતાં હતા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વઘુ તપાસ હાધ છે.