National

મણિપુરમાં હિંસા રોકવા માટે ‘શૂટ એટ સાઈટ’ એકશનનો રાજ્યપાલ દ્વારા આદેશ

ઈમ્ફાલ: અનુસૂચિત જાતિ અંગેના કોર્ટના ચૂકાદા બાદ મણિપુરમાં હિંસા (Manipur Riots) ફાટી નીકળી છે. બુધવારે ભારે તોફાનો થયા બાદ અહીં ભારતીય સેનાએ (Indian Army) ફ્લેગ માર્ચ (Flag March) કરી છે અને આ સાથે જ હિંસાગ્રસ્ત 8 જિલ્લામાં કરફ્યુ (Curfew) લાદી દેવામાં આવ્યો છે. હાલત કાબૂમાં ન રહેતા રાજ્યપાલ દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો ચેતવણીઓ અને સમજાવટ છતાં પરિસ્થિતિ કાબૂમાં ન આવે તો ‘શૂટ એટ સાઈટ’ એક્શન લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારના કમિશનર(ગૃહ) દ્વારા હસ્તાક્ષર કરાયેલું જાહેરનામું ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની જોગવાઈઓ હેઠળ બહાર પાડવામાં આવ્યું છે.

અનુસૂચિત જનજાતિના દરજ્જા અંગે કોર્ટના આદેશને લઈને આદિવાસી જૂથોના વિરોધ વચ્ચે સેનાએ આજે ગુરુવારે ​​મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. ઈમ્ફાલ(Imfal), ચુરાચંદપુર અને કાંગપોકપીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ બુધવારે રાત્રે મણિપુરના આઠ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.  મણિપુરમાં હિંસાનો સામનો કરવા માટે સેના, આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. હિંસા પ્રભાવિત રાજ્યમાં તૈનાત માટે રેપિડ એક્શન ફોર્સના જવાનોને ખાસ એરફોર્સ એરક્રાફ્ટ દ્વારા મણિપુર મોકલવામાં આવ્યા છે.

મણિપુર સરકારે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો છે. વધતી હિંસાને ડામવા માટે સેના અને આસામ રાઈફલ્સને બોલાવવામાં આવી હતી. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે આજે સેના અને આસામ રાઈફલ્સ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. હિંસા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં લગભગ 4,000 લોકોને આર્મી કેમ્પ અને સરકારી ઓફિસ સંકુલમાં આશ્રય આપવામાં આવ્યો હતો.

આ અગાઉ અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં મેઇતેઇ સમુદાયનો સમાવેશ કરવાની માંગના વિરોધમાં વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા બોલાવવામાં આવેલી ‘આદિવાસી એકતા માર્ચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર (એટીએસયુએમ) એ કહ્યું કે મેઇતેઇ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાની માંગ વેગ પકડી રહી છે, જેના વિરોધમાં તેણે કૂચનું આહ્વાન કર્યું છે.

આ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિને જોતા બિન-આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબલ, જીરીબામ અને બિષ્ણુપુર જિલ્લાઓ અને આદિવાસી બહુલ ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજ્યભરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ તાત્કાલિક અસરથી પાંચ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે, પરંતુ બ્રોડબેન્ડ સેવાઓ કાર્યરત છે. આઠ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કર્ફ્યુ લાદવા અંગે અલગ-અલગ આદેશ જારી કરવામાં આવ્યા છે.

ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન એન. બિરેન સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ સાથે વાત કરી અને ત્યાં આદિવાસી આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસા વિશે પૂછપરછ કરી હતી. કેન્દ્ર મણિપુરની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ઉત્તરપૂર્વીય રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત માટે રેપિડ એક્શન ફોર્સ (RAF) ની ટીમો મોકલી છે. 

RAF એ તોફાનો જેવી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે એક કાર્યક્ષમ દળ છે. અધિકારીઓએ જણાવ્યું કે ગૃહમંત્રીએ મણિપુરના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ તેમને જમીનની સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી.

મણિપુર હિંસા પર બોક્સર મેરી કોમે કરી 
આ અપીલ બોક્સર મેરી કોમે કહ્યું કે મને મણિપુરની સ્થિતિ સારી નથી લાગી રહી, ગઈ રાતથી રાજ્યમાં વાતાવરણ ખૂબ જ ખરાબ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે વહેલી તકે કંઈક કરવું જોઈએ. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા જોઈએ. હું મારા રાજ્યને સળગતા બચાવવા અપીલ કરું છું 

Most Popular

To Top