વિશ્વગુરુ બનવા આપણે વાસ્તવમાં સજ્જ છીએ ખરા? – Gujaratmitra Daily Newspaper

Charchapatra

વિશ્વગુરુ બનવા આપણે વાસ્તવમાં સજ્જ છીએ ખરા?

 “આ સરકારની નીતિઓ બનાવટી છે” શીર્ષક હેઠળ ચર્ચાપત્ર વિભાગ, ગુ. મિ. તા.૫/૨/૧૩ માં પ્રગટ થયેલ ગુણવંત જોશી, નવસારીના ચર્ચાપત્રનો એક અંશ આ મુજબ છે: “જો આત્મનિર્ભર બનવું હશે તો તેનાં કારણો પ્રથમ શોધવાં રહ્યાં. આપણી દરેક બાબતે નિકાસ કરતાં આયાતનું પ્રમાણ વધી રહ્યું છે. પરિણામે આપણા રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે. અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે. મોંઘવારી માઝા મૂકી રહી છે. પ્રજા પીસાઈ રહી છે. સરકાર દેવું કરીને વિકાસનાં બણગાં ફૂંકી રહી છે. ગુણવંતભાઈની વાત બિલકુલ સાચી છે. દેશની સાંપ્રત પરિસ્થિતિ જોતાં તેના વિશ્વગુરુ બનવાના આસાર દૂર દૂર પણ ક્યાંય દેખાતા નથી. આ તો પ્રજાને ધરવામાં આવેલી ચગળવાની એક સુગર કેન્ડી માત્ર છે.

દેશે જો વિશ્વગુરુ બનવું હોય તો તેના રાજનેતાઓ તેમજ સરકારી અધિકારીઓ સાદાઈ, સાલસતા તેમજ કરકસરનું આચરણ કરનારા; તેનું વહીવટી માળખું (જે કોઇની પણ સાડા બારી વગર પોતે કાયદાનું પાલન કરનારું તેમજ પ્રજાને કરાવનારું તેમજ ભ્રષ્ટાચારમુક્ત હોય) ન્યાયિક પ્રક્રિયા, નાગરિક સુવિધાઓ, શિક્ષણનું સ્તર, આરોગ્ય સુવિધાઓ, આર્થિક આબાદી, રોજગારી અને નાગરિક જીવનનું સ્તર, વિ. આ બધાં વિશ્વ સ્તરનાં હોવાં જોઈએ; પ્રજામાં લોકશાહીને મજબૂતપણે ટકાવી રાખવાની જાગરૂક્તા, શ્રમનું મૂલ્ય અને તે પ્રત્યેનું સમર્પણ તેમજ ઓછામાં ઓછી ધાર્મિક રૂઢિગતતા જેવાં ગુણો હોવાં જોઈએ; સંચાર માધ્યમો નિડર અને નિષ્પક્ષ હોવાં જોઈએ. જો દેશ આ બધી બાબતોમાં ખરો ઊતરે તો જ તે વિશ્વગુરુ બનવાની હોડ બકી શકે. શું આપણે એ માટે સક્ષમ છીએ?!
નવસારી           – કમલેશ મોદી      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બારડોલીમાં શિવાજી સર્કલ પાસે ટ્રાફિક પોલીસ મૂકો
બારડોલી શિવાજી સર્કલ પાસે હાલ ખૂબ જ ટ્રાફિક રહે છે અને અવારનવાર જીવલેણ અકસ્માતો થાય છે. અસ્તાન ફાટક બંધ હોવાથી બધી એસ.ટી. બસો શિવાજી સર્કલથી આવ જા કરે છે. પાસે જ પેટ્રોલ પંપ હોવાથી વાહનોની ભીડ ખૂબ રહે છે તથા ખાણીપીણીની લારી પર આવતાં વાહનો ટ્રાફિકમાં અડચણરૂપ બને છે. શું આ બધું બારડોલી પોલીસને નથી દેખાતું ?
બારડોલી – જે.કે.પંડયા         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top