તાજેતરમાં આપણી હિંદુ પ્રજા મોગલ શાસનનાં સ્મારકોને હિંદુ સ્મારકોમાં બદલવાનું કામ કરી રહી છે. મોગલ શાસકો જો ખરાબ જ હતા તો અકબરના દરબારમાં હિંદુ રાજા ટોડરમલ (મહેસુલ પ્રધાન), રાજા માનસિંહ (સેનાપતિ) અને બ્રાહ્મણ મહેશદાસ (બીરબલ) મંત્રી તરીકે મોખરાના સ્થાન કેમ શોભાવતા હતા? અકબરની પત્ની હિંદુ માનસિંહની બહેન જોધાબાઇ કેમ હતી? જોધાબાઇ સિવાય પણ અકબરની અન્ય છ રાણીઓ હિંદુ રાજપૂત રાજાઓની દીકરીઓ કેમ હતી? અકબરના પુત્ર સલીમ-જહાંગીરની પત્ની હિંદુ રાજા ભગવાનદાસની દીકરી માનબાઇ કેમ હતી? મુસલમાનો ખરાબ હતા તો રાણા પ્રતાપના સેનાપતિ તરીકે મુસલમાન હકીમ ખાન કેમ હતો? એની સામે અકબરનો સેનાપતિ હિંદુરાજા માનસિંહ કેમ હતો? ઇતિહાસ તો એમ કહે છે કે મોગલ બાદશાહોના દરબારમાં હિંદુ રાજા મહારાજા, બ્રાહ્મણો અને શેઠ શાહુકારોનું પ્રમાણ લગભગ 33 ટકાથી 45 ટકા સુધી કાયમ રહેતું. મુસલમાનો ખરાબ હતા તો રાજસ્થાનની રાણી કર્માવતીએ પોતાના રક્ષણ માટે મોગલ બાશાહ હુંમાયુને રાખડી મોકલી ભાઇ કેમ બનાવ્યો હતો? રાણી કર્માવતીને હિંદુ રાજાઓ પર નહીં ને મોગલ બાદશાહ ઉપર કેમ ઊંડો વિશ્વાસ હતો? મુસલમાનો ખરાબ હોય તો શિવાજીના લશ્કરમાં મુસલમાનો કેમ હતા? શિવાજીના બોડીગાર્ડ આરબ મુસલમાનો કેમ હતા? શિવાજીએ મુસલમાનો માટે મંદિરની બાજુમાં જ મસ્જિદ કેમ બાંધી આપી હતી?
કડોદ – એન. વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ટ્રાફિકના નિયમોનું પાલન
ટ્રાફિક અંગેના નિયમોમાં સતત પરિવર્તનો આવતા રહે છે તેનાં અમલના સમયગાળામાં અને દંડની રકમમાં પણ ફેરફાર થતા રહે છે. છતાં નિયમોનું પાલન કરનાર લોકો કરતાં એ નિયમોને તોડનાર પ્રજાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. નિયમો બનાવવા પાછળ વધતા એકસ્માતોને ધ્યાનમાં રાખી પ્રયત્ન એવોજ હોય છે કે લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પોતાનું જીવનને બચાવે. હાલમાં જ સાયરસ મિસ્ત્રીજીનું જે નિધન થયું ફોરવીલ ગાડીમાં પાછળની સીટ પર બેઠેલ વ્યકિતઓએ પણ સીટબેલ્ટ પહેરવાનો હોય છે પણ એનું પાલન કેટલું થાય છે ? ટ્રાફિક પોલિસ અને સી.સી.ટી.વી. કેમેરા પર ડ્રાઈવર અને બાજુની સીટ પર બેઠેલ વ્યકિતનાં જો સીટબેલ્ટ ન હોય તો દંડ કરે છે. પાછળની સીટ પર બેસનાર વ્યકિતઓના સીટબેલ્ટ કોણ તપાસે ? હવે સીટબેલ્ટનાં નિયમનું પાલન પણ કડકાઈથી થશે એવા પ્રયત્નોની તજવીજ આગળ વધી રહી છે, સાથે દંડ પણ લગાવાયો છે. સરકાર કદાચ દંડ વધારવામાં જ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ જુએ છે.
સુરત – ત્રિવેદી ભાવિશા પી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.