ગૌતમ બુધ્ધનો જન્મ ઈ.સ.પૂર્વે 563 માં થયો હતો. બુધ્ધીસ્ટ લોકો 8 મી એપ્રિલે તેમનો જન્મદિન ઉજવે છે. હમણાં જ વ.પ્ર. મોદી બુધ્ધની જન્મભૂમિ લુમ્બીની જઇ આવ્યા. બુધ્ધે આધ્યાત્મિક માર્ગ સાથે મહાન સામાજિક ક્રાંતિ કરી હતી. જ્ઞાતિ પ્રથા, પશુ પંખીઓને યજ્ઞમાં હોમવું વગેરે કુપ્રથાઓનો વિરોધ કર્યો હતો. સ્ત્રીમુક્તિ અને સ્ત્રી સન્માનનો વિચાર રજૂ કર્યો. દાદા ધર્માધિકારી કહેતા કે અપવાદરૂપ હિંસા જયારે નિયમરૂપ થઇ પડી એટલે બુધ્ધાવતાર થયો. એવું મનાય છે કે ભગવાન બુધ્ધ વિષ્ણુ ભગવાનનો નવમો અવતાર હતા. (કૃષ્ણ આઠમો અવતાર હતા.) બુધ્ધે ઈશ્વરના અસ્તિત્વ વિશે તથા આત્મા-પરમાત્મા વિશે કશું કહ્યું નથી. ઈશ્વરને બદલે પ્રેમ-કરુણા, અહિંસા તથા મૈત્રી પર વધુ ભાર મૂકયો. બુદ્ધના અંતિમ સમયનો એક પ્રસંગ છે. ભગવાન બુધ્ધ જયારે મરણપથારીએ સૂતા હતા ત્યારે તેમણે કોઇના રડવાનો અવાજ સાંભળ્યો. તેમણે પોતાના શિષ્ય આનંદને બોલાવીને પૂછયું કે આનંદ આ રડવાનો અવાજ કોનો છે?
અહીં કોણ રડી રહ્યું છે? આનંદે વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે પ્રભુ, ભદ્રક આપના અંતિમ દર્શન કરવા માંગે છે.આપને મળવા માંગે છે. બુધ્ધે કહ્યું કે ભદ્રકને મારી પાસે બોલાવો. બુધ્ધ પાસે આવતાં જ ભદ્રકે રડતાં રડતાં કહ્યું કે આપ નહિ હશો ત્યારે અમને જ્ઞાનનો પ્રકાશ કોણ દેખાડશે. બુધ્ધે કરુણાભરી નજરે ભદ્રક સામે જોયું અને કહ્યું કે ભદ્રક, પ્રકાશ તો તારી ભીતરમાં છે. પ્રકાશને કશે બહાર શોધવાની જરૂર નથી. મન, વાણી અને કર્મથી એકનિષ્ઠ થઇને જે સાધનામાં નિરંતર રત રહે છે તેનું અંત:કરણ આપોઆપ પ્રકાશિત થાય છે. તમારી મુક્તિ માટે તમારે જ મથવાનું છે. બુધ્ધનો એ જ સંદેશ છે કે દરેક વ્યક્તિ ખુદ પોતાનો દીપક બની શકે છે. આપો દીપો ભવ= પોતાનો પ્રકાશ પોતે જ બનો.
સુરત – કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.