વડોદરા : કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટીની ગુલબાંગો ફૂંકતું વડોદરા મહાનગર પાલિકાના રેઢીયાળ તંત્રના પાપે નગરજનોને પારાવાર યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો છે. દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બની છે. છેલ્લા 6-6 મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી નહીં મળતા માંજલપુર અલવાનાકા પાસે આવેલા સાંઈનાથ નગરના રહીશોએ પાણીના બેડા,ઘડા,ડોલ સાથે દેખાવો કરી તંત્ર સામે ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
સ્માર્ટ સીટી વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ગત વર્ષે આઠ આઠ મહિનાઓ સુધી લોકોને દુષિત ,અને અપૂરતા પ્રેશરથી પાણી મળતા અનેક વિવાદોના વંટોળ ઘેરાયા હતા.આ સમસ્યા અંગે અનેક આવેદનપત્રો , ધરણા ,વિરોધ પ્રદર્શન સહિતના વિરોધાત્મક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.જે બાદ તંત્રએ ત્વરિત કામગીરી શરૂ કરાવી હતી.જોકે તે પછી પણ શહેરના દક્ષિણ વિસ્તારમાં ચાલુ વર્ષે પુનઃ પૂરતા પ્રેશરથી પાણી નહીં મળતી હોવાની બુમો ઉઠી છે.શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા પાસેના સાંઈનાથ નગરમાં છેલ્લા 3 મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી નહીં આવતા સ્થાનિક રહીશો તંત્રના પાપે હાલાકીનો ભોગ બનવા પામ્યા છે.
વારંવાર સ્થાનિક કાઉન્સિલર, વોર્ડ અધિકારી તેમજ સેવાસદનની પાણી પુરવઠા શાખાના અધિકારીઓને પણ રજુઆત કરવા છતાં આજદિન સુધીમાં પાણીની સમસ્યાનો નિવેડો નહીં આવતા ગુરુવારે સ્થાનિક રાહીશોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.વિસ્તારના રહીશોએ ખાલી વાસણો સાથે સેવાસદન વિરુદ્ધ ભારે સુત્રોચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું.સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. છેલ્લા 15 દિવસથી તો પાણી આવવાનું જ બંધ થઈ ગયું છે. મોટરથી પાણી ખેંચવા લોકો પ્રયત્ન કરવા છતાં પણ પાણી નથી આવી રહ્યું. અહીં લોકોને ટેન્કરો મારફતે પાણી લેવાની ફરજ પડી છે.તંત્ર દ્વારા વારેઘડીએ ખોદકામ કરીને જતા રહે છે.પરંતુ તેનો કોઈ સુધારો થતો નથી.
પાણીની જે સમસ્યા છે તેવીને તેવી જ રહી છે.અમારે લઢવુ ના પડે કેમકે પાણી અમારો હક્ક છે.અહીંના કોર્પોરેટરો ખોટા વાયદાઓ કર્યા હતા.ચૂંટણી ટાણે કે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે.પરંતુ આજે જે અમારા મતોથી ચૂંટાઈ આવ્યા તે પ્રતિનિધિઓ પણ અહીં ફરકતા નથી. ખોટા આસ્વાશન આપી રહ્યા છે.એસી કેબીનમાં બેસી રહેવા ટેવાયેલા સેવાસદનના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.જો સત્વરે પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.