ગાંધીનગર, સુરત: પોતાની શારીરિક કમજોરી છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં (Yoga) મહારથ મેળવી ‘ધ રબર ગર્લ’નું (The Rubber Girl) બિરૂદ પ્રાપ્ત એવી સુરતની (Surat) દિકરી અન્વી ઝાંઝરૂકિયાને (Anvi Zanzarukia) ‘રાષ્ટ્રીય બાલિકા દિન’ અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-ર૦રર (National Children’s Award-2022) એનાયત કર્યો હતો.
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયને દેશભરમાંથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે ૬૦૦ બાળકો તરફથી અરજીઓ મળી હતી. જેમાં વર્ષ-૨૦૨૨ માટે ૨૯ બાળકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં ગુજરાતની એકમાત્ર અને સુરતની દીકરી અન્વીએ આ એવોર્ડ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ દીકરીને ‘બ્લોક ચેઈન ટેકનોલોજી’ દ્વારા એવોર્ડ તથા રૂા. એક લાખની ધનરાશિ એનાયત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પાંચથી અઢાર વર્ષની વયના બાળકોને ખેલ, સમાજ સેવા, શિક્ષણ, કલા સંસ્કૃતિ, વિરતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત બાળકોને આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્વીને અભિનંદન પાઠવ્યા, 26મી જાન્યુઆરીએ રાજકીય સન્માન કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની આ દિવ્યાંગ દિકરીને રાષ્ટ્રીય બાલ પુરસ્કારનું સન્માન મેળવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. સુરત અને ગુજરાતનું ગૌરવ વધારનારી આ દિકરીને આગામી પ્રજાસત્તાક દિવસ ર૬મી જાન્યુઆરી ૨૦૨૨ એ ગીર સોમનાથ જિલ્લામાં યોજાનારા રાજ્યકક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. મુખ્યમંત્રી પટેલે અન્વીની આ સિદ્ધિઓની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે અન્વી એવા દિવ્યાંગો માટે રોલ મોડેલ છે જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે. રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ર૦રર વિજેતા આ દિકરી અન્વી વિજયભાઇ ઝાંઝરૂકિયાએ ગુજરાત અને સુરતનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર વધાર્યુ છે તે માટે પણ પટેલે તેને અભિનંદન પાઠવ્યા હતા.
૭૫% બૌદ્ધિક દિવ્યાંગતા છતાં અન્વીએ યોગમાં અનેક મેડલ, એવોર્ડ મેળવ્યા
આ દિકરી અન્વી જન્મ થયો ત્યારથી અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારી સામે ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલ તેને માઇટ્રલ વાલ્વ લિકેજ છે. ૨૧ ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે. તે ૭૫% બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે છતાં ૧૧ વર્ષની ઉંમરે યોગ શીખવાનું શરૂ કરી યોગના પરિણામે તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
અન્વીએ ત્રણ વર્ષમાં 42 યોગ સ્પર્ધામાં ભાગ લઈ 51 મેડલ જીત્યા
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અન્વી ધીમી શીખનાર- સ્લો લર્નિંગ બાળા છે. તેમ છતાં અન્વીએ અનેક શારીરિક સમસ્યાઓ અને મર્યાદાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. કુલ ૪૨ યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, અને ૫૧ જેટલા મેડલો મેળવ્યા છે. અન્વી ૧૧ર કરતાં પણ વધુ આસનો કરી શકે છે. એટલું જ નહિ, અન્વીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર બે લાખથી વધુ લાઇક પણ મેળવી છે. ૧૩ વર્ષની અન્વી ઝાંઝરૂકિયાને યોગાસનમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ તા.૩ ડિસે.૨૦૨૧ ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી’માં નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.