SURAT

ડુમસના સાયલન્ટ ઝોનના બંગ્લા અને ફાર્મહાઉસમાંથી લાખોની એન્ટીક આઈટમ્સ ચોરાઈ

સુરતઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે આવેલા સાયલન્ટ ઝોનમાં શહેરના સમૃદ્ધ પરિવારોના બંગ્લો અને ફાર્મ હાઉસ આવેલા છે. અહીં સામાન્ય રીતે કોઈ ચોરી લૂંટફાટ થતી નથી, પરંતુ તાજેતરમાં સાયલન્ટ ઝોનના એક બંગ્લો અને ફાર્મ હાઉસમાં ચોરી થઈ હતી. ચોરટાઓ મૂર્તિઓ સહિતની એન્ટીક ચીજવસ્તુઓ અહીંથી ચોરી ગયા હતા. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગણતરીના દિવસોમાં ચોર ઈસમોને ચોરાયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

સુરતના ડુમસ એરપોર્ટ પાસેના સાયલન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગ્લોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ, કેમેરા સહિત 2.70 લાખના સામાનની ચોરી થઈ હતી. આ મામલામાં ડુમસ પોલીસે ચોરીના બે ગુનાઓ દાખલ કરી સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે તપાસ કરી ચોર ઈસમોને ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિટીલાઇટ પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસેની આફ્રિકાવાલાનો પોતાની માલિકીનો ડુમસ રોડ પર સાયલન્સ ઝોનમાં સેટેલાઇટ બંગ્લોઝ આવેલો છે. આ બંગલામાંથી ગઈ 22મી તારીખે રાત્રિના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ અને કોલેપ્સિબેલ ગ્રીલ કોઈ સા‌ધન વડે તોડી કબાટમાંથી બે મૂર્તિઓ 90 હજાર, પિત્તળ અને તાંબાના વાસણો 25 હજાર, કેમેરો લેન્સ સહિત 2.15 લાખની ચોરી થઈ હતી.

તપાસમાં એવી હકિકત બહાર આવી હતી કે 4 ચોરટાઓએ ચોરી કરી છે. આ ચોર ઈસમોએ અહીં બીજા ફાર્મહાઉસમાં પણ ચોરી કરી હતી. સાયલન્ટ ઝોનમાં જે.આર.વિલા ફાર્મહાઉસમાંથી ચોર ઈસમો ટ્રોલી બેગમાંથી ઈમીટેશન જવેલરી, ઘડિયાળ, તેલનો ડબ્બો, નળ સહિતનો સામાન મળી 55500ની ચોરી કરી હતી.

આ અંગે મેનેજર હિમાશું લક્કડએ ડુમસ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. જેમાં 150થી વધુ કેમેરાના આધારે શૌકત ઉર્ફે શંકર દિલાવરભાઇ રાઠોડ, તેજસ પપ્પુભાઇ રાઠોડ સુનિલ શંકરભાઇ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે.

Most Popular

To Top