આણંદ : આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો ત્રાસ વધી ગયો છે. આ શખસો દિવસભર વાહનો પર બેસી રહી એકલ દોકલ વિદ્યાર્થિની કે યુવતીની છેડતી કરતાં હોય છે. ઘણી વખત આ મુદ્દે મારામારી પણ થાય છે. પરંતુ બસ સ્ટેન્ડ નધણીયાતું બની ગયું હોય તેવું ભાસી રહ્યું છે. આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડમાં દિવસભર વિદ્યાર્થીઓની અવર જવર રહેતી હોય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા આવતા હોય છે. જેના કારણે યુવા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીના ટોળાં જોવા મળતાં હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવું બસ સ્ટેન્ડ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે.
હજુ થોડા સમય પહેલા પાકીટ મારી, ચીલ ઝડપના બનાવો સામાન્ય બની ગયાં હતાં. આ મુદ્દે હજુ પોલીસ કશુ કરી શકી નથી. પરંતુ હવે વિદ્યાર્થિનીઓને રંજાડતા તત્વો બેકાબુ બન્યાં છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ માલેતુજારો પોતાની કાર સહિત ખાનગી વાહનોમાં આવે છે. બસ સ્ટેન્ડમાં જ તેનું વાહન પાર્ક કરી પોતાની દાદાગીરી શરૂ કરી દે છે. આ ઉપરાંત આ ટોળકીના મોટા ભાગના સભ્યો ટુવ્હીલર પર દિવસભર બેસી નજીકથી પસાર થતી યુવતી કે વિદ્યાર્થિની છેડતી કરવાની તક શોધતા હોય છે. આ અંગે ઘણી વખત વિદ્યાર્થિનીઓ ડેપોના કંટ્રોલ રૂમમાં ફરિયાદ પણ કરે છે. પરંતુ એસટીના કર્મચારી આ મુદ્દો પોલીસનો હોવાનું કહી વાત ઉડાડી દે છે. તેની પણ ચિંતાનો વિષય છે કે અહીં ચિલઝડપ, પાકીટમારી સહિતના બનાવો બનવા છતાં શહેર પોલીસ ડોક્યું કરવા પણ આવતી નથી. જ્યારે વિદ્યાર્થિનીઓ માટે સી ટીમ અસામાજીક તત્વોને પદાર્થ પાઠ ભણાવે તેવી પણ માંગ ઉઠી છે.
અપડાઉન કરતાં મુસાફરોના વાહન મુકવા માટે રૂ.દસ વસુલવામાં આવે
આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડમાંથી વડોદરા અને અમદાવાદ બસની અવર જવર રહેતી હોય છે. આથી, શહેરના કેટલાક મુસાફરો રોજગારી અર્થે વડોદરા અને અમદાવાદ જવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે. તેઓ પોતાના ટુ વ્હીલર બસ સ્ટેન્ડમાં જ પાર્ક કરે છે. પરંતુ આ ટુ વ્હીલરને સાચવવા માટે તેમની પાસેથી રૂ.દસ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રકમ કોના ખિસ્સામાં જાય છે ? તે તપાસનો વિષય બન્યો છે.
યુવકો વચ્ચે વારંવાર થતી મારામારીથી મુસાફરોમાં ફફડાટ
આણંદના નવા બસ સ્ટેન્ડમાં ટોળે વળતાં અસામાજીક તત્વો ઘણી વખત યુવતીઓની છેડતી કરતાં હોય છે. આ સમયે તેની સાથેનો વ્યક્તિ વિરોધ કરે તો તેને જાહેરમાં જ માર મારવામાં આવે છે. જેના કાણે અન્ય મુસાફરોમાં પણ સતત ફફડાટની લાગણી ફેલાય છે. આથી, પોલીસે અહીં લાંબા સમય સુધી બેસી રહેતા અસામાજીક તત્વો સામે પગલાં ભરે તેવી માગ ઉઠી છે.