વાપી: ગુજરાતમાં વંદે ભારત (Vande India) એક્સપ્રેસની (Express) પશુઓ સાથેની અથડામણની આ સતત ત્રીજી ઘટના સામે આવી છે. વંદે ભારતે એક્સપ્રેસ ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે. અમદાવાદ બાદ હવે વલસાડ નજીક અતુલ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો હતો. વંદે ભારત ટ્રેનની ટક્કર ફરી ગાય સાથે થતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રેનના આગાળના ભાગને નુકસાન પહોંચ્યું છે. તેમજ ટ્રેનના એન્જિન નજીક નીચેના ભાગમાં પણ નુકસાન થયું છે. જો કે તમામ મુસાફરો સહીસલામત હોવાનું સામે આવ્યું છે.
- વંદે ભારત ટ્રેનનો વધુ એક અકસ્માત નડ્યો
- વલસાડના અતુલ સ્ટેશન નજીક ઘટના બની છે
- વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો
- ટ્રેનનો આગળનો ભાગ ફરી તૂટી ગયો છે
- ટ્રેનના એન્જિન નજીક નીચેના ભાગમાં પણ નુકસાન
મળતી માહિતી મુજબ વંદે ભારત એક્સપ્રેસ વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક ગાય હાઈસ્પીડ ટ્રેનની સામે આવી ગઈ હતી. ગાય ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. ગાયની ટક્કરથી ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. આ ઘટના સવારે 8.17 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના બાદ ટ્રેન લગભગ 26 મિનિટ સુધી અતુલ રેલવે સ્ટેશન પર ઉભી રહી હતી. અતુલ રેલ્વે સ્ટેશનથી 8.43 વાગ્યે ટ્રેન રવાના થઈ હતી. કહેવાય છે કે વંદે ભારત એક્સપ્રેસના કપલર કવરને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત બીસીયુ કવરને પણ નુકસાન થયું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ ક્રેશ થવાની આ પહેલી ઘટના નથી. વંદે ભારત એક્સપ્રેસ છેલ્લા કેટલાક દિવસોમાં બે વખત અકસ્માતનો ભોગ બની છે.
અકસ્માત બાદ વંદે ભારત એક્સપ્રેસની એક બોગી પણ અલગ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ વંદે ભારત એક્સપ્રેસમાં પાણીની પાઈપ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે જેના કારણે પાણી પુરવઠાને પણ અસર થઈ છે. અકસ્માતની 26 મિનિટ બાદ વંદે ભારત એક્સપ્રેસને રવાના કરવામાં આવી હતી. આ અકસ્માતમાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે.
મળતી માહિતી અનુસાર મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસનને અકસ્માત નડ્યો હતો. આ અગાઉ પણ બે વાર અકસ્માત સર્જાયો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં જે ટ્રેનને લીલીઝંડી આપી અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ કરાવી હતી તે હાઈફાઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને (VandeBharatExpressTrainAccident) 6 ઓક્ટોબરના રોજ અમદાવાદ નજીક અકસ્માત નડ્યો હતો. અમદાવાદ વટવા વચ્ચે ટ્રેક પર ભેંસ સાથે ટ્રેનની ટક્કર થઈ હતી. ત્યારે પણ અકસ્માતના લીધે ટ્રેનના એન્જિનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ચાર ભેંસ અથડાઈ હોવાના લીધે ટ્રેનને અટકાવી દેવી પડી હતી જેના લીધે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જો કે ડ્રાઈવરે શાર્ટ બ્રેક લગાવી દુર્ઘટના ટાળી હતી.
અમદાવાદમાં બનેલા અકસ્માતમાં વંદે ભારત ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું છે. ત્યાર બાદ બે દિવસ બાદ આણંદ રેલવે સ્ટેશન નજીક ફરી અકસ્માત સર્જાયો હતો. રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટના વડોદરા (Vadodara) ડિવિઝનના આણંદ નજીક બપોરે 3.44 વાગ્યે બની હતી. અહીં અચાનક એક ગાય આવી અને ટ્રેનની (Train) સામે ટકરાઈ ગઈ હતી. ટ્રેન ગાંધીનગરથી મુંબઈ જઈ રહી હતી. દુર્ઘટના બાદ ટ્રેનને લગભગ 10 મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી. આગળના કોચના આગળના ભાગમાં એટલે કે ડ્રાઈવર કોચમાં માત્ર એક નાનો ખાડો આવ્યો હતો.