ઇઝરાયલે વધુ એક ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા કરી છે. ઇરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર શુક્રવારે તેહરાનમાં એક એપાર્ટમેન્ટ પર ડ્રોન હુમલામાં વૈજ્ઞાનિક ઇસાર તબાતબાઈ-કમશેહ અને તેમની પત્નીનું મોત થયું હતું. બીજી તરફ ઇરાને ઇઝરાયલમાં પણ ભારે તબાહી મચાવી છે. ઇરાને દક્ષિણ ઇઝરાયલમાં બેરશેબા અને ઉત્તરમાં હાઇફા પર મિસાઇલો ચલાવી હતી જેનાથી ઓટ્ટોમન યુગની મસ્જિદને નુકસાન થયું હતું.
આજે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો 9મો દિવસ છે. ઇઝરાયલે 13 જૂનથી 11 ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ શનિવારે ઈરાની સેનાના 3 કમાન્ડર અને 4 સૈનિકોની હત્યા કરવાનો પણ દાવો કર્યો હતો.
યુએસ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તાઓ સમાચાર એજન્સી અનુસાર 13 જૂનથી ઈરાનમાં 657 લોકો માર્યા ગયા છે અને 2000 થી વધુ ઘાયલ થયા છે. જોકે ઈરાનના આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ આપી છે કે માત્ર 430 નાગરિકો માર્યા ગયા છે અને 3,500 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઇઝરાયલમાં 24 લોકો માર્યા ગયા છે જ્યારે 900 થી વધુ ઘાયલ થયા છે.
ગયા શુક્રવારે ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા હુમલાઓ પછી ખામેનીએ ઇસ્લામિક રિપબ્લિકને સુરક્ષિત રાખવા માટે ઘણા અસાધારણ પગલાં લીધા છે. જોકે આ સંઘર્ષ ફક્ત એક અઠવાડિયા જૂનો છે આ ઇઝરાયલી હુમલાઓને 1980 ના દાયકામાં ઇરાન-ઇરાક યુદ્ધ પછી ઇઝરાયલી હુમલાઓ સૌથી મોટો લશ્કરી હુમલો માનવામાં આવે છે. તેહરાન જે ઇરાનની રાજધાની છે આ હુમલાઓની અહીં સૌથી વધુ અસર જોવા મળી છે.
થોડા દિવસોમાં તેહરાનમાં ઇઝરાયલી હુમલાઓથી થયેલ નુકસાન સમગ્ર આઠ વર્ષના યુદ્ધમાં સદ્દામ હુસૈન દ્વારા થયેલા નુકસાન કરતાં વધુ હોવાનું કહેવાય છે. જો કે શરૂઆતમાં માત ખાયા બાદ ઇરાન હવે ઇઝરાયલનો બરાબર સામનો કરી રહ્યો છે અને દરરોજ બદલો લઈ રહ્યું છે. આ બદલો લેવાના હુમલાઓમાં એક હોસ્પિટલ, હાઇફા ઓઇલ રિફાઇનરી, ધાર્મિક સ્થળો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ઇઝરાયલમાં ઇરાનના ‘ક્લસ્ટર બોમ્બ’થી વિનાશ
19 જૂને ઇરાને એવો બોમ્બ ફેંક્યો કે ઇઝરાયલ યુદ્ધ અપરાધ માટે રડવા લાગ્યો. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) ના હોમ ફ્રન્ટ કમાન્ડ અનુસાર ઇરાને ઇઝરાયલી શહેર અઝોર પર 20 બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો. આમાંથી એક મિસાઇલમાં ક્લસ્ટર બોમ્બ હતા. તે જમીનથી 7 કિમી ઉપર હવામાં તૂટી પડ્યો તેમાંથી 20 નાના બોમ્બ નીકળ્યા અને લગભગ 8 કિમીની ત્રિજ્યામાં ફેલાઈ ગયા.
ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિડીઓન સારાના જણાવ્યા અનુસાર ઇરાને દક્ષિણ ઇઝરાયલમાં બેરશેબા અને ઉત્તરમાં હાઇફા પર મિસાઇલો ચલાવી હતી જેનાથી ઓટ્ટોમન યુગની મસ્જિદને નુકસાન થયું હતું. વિદેશ મંત્રાલયના એક વીડિયોમાં નજીકની એક બહુમાળી ઇમારતને ભારે નુકસાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ઇઝરાયલી ગૃહ મંત્રાલયની શાખા આવેલી છે.
તમને જણાવી દઈએ કે હાઈફા ઈઝરાયલનું બંદર શહેર છે. તે સૌથી વ્યસ્ત બંદર અને નૌકાદળ મથક છે. હાઈફામાં વિદેશ પ્રધાન ગિડીઓન સારાએ કહ્યું કે તેમને ઈરાનના ઈરાદાઓ પર ખૂબ જ શંકા છે.
તેમણે કહ્યું ઈરાનના રેકોર્ડ પરથી અમને ખબર છે કે તેઓ પ્રામાણિકપણે વાટાઘાટો કરી રહ્યા નથી. આ દરમિયાન ઇઝરાયલ તરફથી વળતો હુમલો પણ ચાલુ છે. ઇઝરાયલનો દાવો છે કે તેની વાયુસેનાએ રિવોલ્યુશનરી ગાર્ડના સેકન્ડ યુએવી બ્રિગેડના કમાન્ડર અમીનપુર ઝૌદાકી પર હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી. અમીનપુરે દક્ષિણપશ્ચિમ ઈરાનના આહવાઝ પ્રદેશમાંથી ઇઝરાયલી પ્રદેશ પર સેંકડો યુએવી હુમલા કર્યા હતા.
જણાવી દઈએ કે ભારતીય વિદ્યાર્થીઓ માટે ઇરાને પોતાની એર સ્પેસ ખોલી છે અને ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે. ઇરાનના મશહદથી બીજી ફ્લાઇટ શનિવારે સાંજે 4:30 વાગ્યે 310 ભારતીય નાગરિકો સાથે દિલ્હી પહોંચી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં 827 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.