અંકલેશ્વર: (Ankleshwar) ગુજરાતમાં રેલવેમાં (Train ) અકસ્માતે (Accident) જીવ ગુમાવવા સહિત આપઘાત (Suicide) અને ચાલુ ટ્રેને પડી જવાની ઘટનાઓમાં વધારો થતો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રેલવે પોલીસમથકે આ પ્રકારની ઘટનાઓ અંગે નોંધાતા આંકડાઓમાં કોરોના કાળના લોકડાઉન બાદથી ઉછાળો આવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે.
આ સમયગાળામાં જ ૬૫ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા
માત્ર ભરૂચ જિલ્લાની હદ વિસ્તારની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશનથી લઇ પાનોલી રેલવે સ્ટેશનની હદ વિસ્તારમાં જ ટ્રેનમાંથી પડી જવા અથવા ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરવું, ટ્રેનની અડફેટે આવી મોત નીપજવું સહિતની ઘટનામાં ચાલુ વર્ષે જાન્યુઆરી-૨૦૨૨થી લઇ ૨૩ સપ્ટેબર-૨૦૨૨ સુધીના સમયગાળામાં જ ૬૫ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધ થઈ છે.જેમાં કેટલાય બનાવોમાં મૃતકના વાલીવારસ મળ્યા છે તો કેટલાય બિન વારસી લોકો હોવાનું સામે આવ્યું છે.ભરૂચ જિલ્લામાં રેલવેની હદમાં ચાલુ વર્ષે થયેલ ટ્રેન અકસ્માતની ઘટનાઓમાં મૃતકોની વધતી જતી સંખ્યા ખૂબ જ ગંભીર ગણી શકાય તેમ છે. રેલવે વિભાગમાં થઈ રહેલા આ પ્રકારના અકસ્માતમાં રોજના કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે રેલવેમાં મુસાફરી દરમિયાન કાળજી રાખવી ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે.
અલવાના અકસ્માતોને રોકવા જરૂરી: 1 જ મહિનામાં પાંચમો બનાવ
અંકલેશ્વર : હાંસોટથી ત્રણ કિલોમીટરના અંતરે સુરત જવાના રસ્તા ઉપર અલવા ગામ નજીક એક મહિનામાં અકસ્માતનો પાંચમો બનાવ બન્યો છે. અગાઉં આ જ મહીનામાં ચાર ફોર વ્હીલર ગાડીઓ શિર્ષાસન કરતી હોય તે રીતે પલ્ટી ખાઈ ગઈ હતી અને ગુરૂવારે રાત્રે અજાણ્યા વાહન ચાલકે સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરના બે ભાગ થઈ ગયા હતા જો કે સદનસીબે જાન હાનિ થઇ ન હતી. અલવા ગામના ડેપ્યૂટી સરપંચ મનીષ પટેલે જણાવ્યું હતું, કે અમે પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે મળી પી. ડબ્લ્યુ ડી. અને તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી જેમ બને તેમ વેળાસર આ અકસ્માતોને રોકવા જરૂરી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.