અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં (School) નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ-૮માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે લંપટ આચાર્યએ અડપલાં કર્યા હોવાની હીન ઘટના પ્રકાશમાં આવી હતી. ગભરાયેલી બાળકી આચાર્યથી (Principal) પોતાને છોડાવી ઓફિસની બહાર ભાગી આવી હતી. જે બાદ તે શાળાએ જવા જ માંગતી ન હતી જેને લઈને સમગ્ર મામલો સામે આવ્યો હતો.
- અંકલેશ્વરની સરકારી શાળામાં વિદ્યાર્થિનીને સફાઈ માટે બોલાવી લંપટ આચાર્યએ અડપલાં કર્યાં
- ‘હવે પછી આવી હીન હરકત નહીં કરું’નું માફીપત્ર લખી આપતાં આચાર્ય પોલીસ ફરિયાદથી બચ્યા
અંકલેશ્વર તાલુકાના એક ગામની આદિવાસી ૧૩ વર્ષની દીકરી છેલ્લા બે દિવસથી શાળાએ જતી ન હતી. સ્કૂલે નહીં જવા તે ઘરે એક યા બીજું બહાનું બતાવી દેતી હતી. આખરે માતાએ દીકરીને પૂછ્યું હતું કે,‘કેમ બેટા સ્કૂલે નથી જવું? કંઈ થયું છે’ ત્યારે તેણીએ આખરે રડતાં રડતાં માતાને શાળામાં તેની સાથે ઘટેલી ઘટના કહેતાં માતા પણ સ્તબ્ધ બની ગઈ હતી. સરકારી શાળાના આચાર્યએ જ ધોરણ-૮માં અભ્યાસ કરતી બાળકીની છેડતી કરી હતી. ચાલુ શાળાએ ઓફિસની સાફસફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી અડપલાં કર્યાં હતાં.
ગભરાયેલી બાળકી આચાર્યથી પોતાને છોડાવી ઓફિસની બહાર ભાગી આવી હતી. જે બાદ તે શાળાએ જવા જ માંગતી ન હતી. બે દિવસ શાળાએ નહીં જતાં માતા-પિતાએ બાળકીની પૂછપરછ કરતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. રિવારજનોએ તાત્કાલિક પોલીસમથકે દોડી જઈ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, લંપટ આચાર્ય હવે તેના આ શિક્ષણ જગતને લાંછન લગાવનાર કરતૂત, પોલીસ ફરિયાદ થતાં પોતાની શાખના ધજાગરા અને નોકરીમાં પણ લટકતી તલવારને લઈ હાથ જોડતા દોડતો થઈ ગયો હતો.
ગામનો સરપંચ પણ વચ્ચે પડતાં આચાર્યએ પોતે બદલી કરાવી બીજે જતા રહેવાની અને માફીપત્ર લખી આપવાની કાકલૂદી ચાલુ કરી દીધી હતી. હવે પછી આવી હીન હરકત નહીં કરુંનું માફીપત્ર લખી આપતાં આ બનાવમાં આચાર્ય પોલીસ ફરિયાદથી બચી ગયો હતો.
અંકલેશ્વરની રબર કંપનીમાં છેતરપિંડીના મામલામાં આરોપીની અટકાયત
અંકલેશ્વર: અંકલેશ્વરની જી.આર.પી. કંપનીમાં રૂ.૩૫.૩૩ લાખની છેતરપિંડીના મામલામાં પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી. અંકલેશ્વરની ગુજરાત રબર પ્રોડક્ટ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચો માલ મોકલતા વેન્ડર સાથે મળી એક વર્ષમાં કંપની પાસેથી રૂ.૩૫.૩૩ લાખ ખંખેરી લીધા હોવાની ફરિયાદ જનરલ મેનેજરે નોંધાવી હતી. આ ઉચાપત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ હતી. એ દરમિયાન પોલીસે ભડકોદ્રા આઝાદનગરમાં રહેતા હિના ટાયર્સના બરકતુલ્લાહ અસગરઅલી ખાનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.