અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) પાનોલી (Panoli) નજીકથી ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે 16 ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલીના તળાવ નજીકથી આજરોજ ગૌરક્ષકોની બાતમીના આધારે પાનોલી પોલીસે ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. અગ્નિવીર ફાઉન્ડેશનના નેહા પટેલના જણાવ્યા પ્રમાણે તેમને બાતમી મળી હતી કે ગૌવંશ ભરેલ ટેમ્પો પાનોલી નજીકથી પસાર થનાર છે જે બાતમીના આધારે તેઓ પાનોલી નજીક વોચમાં હતા. પાનોલી નજીક ટેમ્પો દેખાતા કોસંબા અને પાનોલી પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી 16 ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ગૌરક્ષકો અને પોલીસી દ્વારા પાનોલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવા માટેની તજવીજ આરંભી છે.
અંકલેશ્વર હાઇવે પરથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું
અંકલેશ્વર : ભરૂચ જીએનએફસીમાંથી હજીરા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચાડવાનું ટોલ્યુઇન અને બેન્ઝિન કેમિકલ ભરેલું ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડ્યું હતું. કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલના કમ્પાઉન્ડમાં કેમિકલ માફિયા અને ટેન્કર ચાલકની સાંઠગાઠ વડે વાલ્વના નટ બોલ્ટ ખોલી કેમિકલની ચોરી કરી રહ્યા હતા. પોલીસે કુલ રૂ.66.73 લાખનો મુદ્દામાલ સાથે 3 ઈસમની અટકાયત કરી અન્ય 2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાનોલી જીઆઇડીસી નજીક કાપોદ્રા ગામની હદમાં આવેલા પરિવાર હોટલના કંમ્પાઉન્ડમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવામાં આવી રહી છે. જે આધારે પોલીસે પરિવાર હોટલ કંમ્પાઉન્ડમાં સર્ચ કરતા બે ટેન્કરમાંથી હોટલના વોચમેનની મદદથી કીમમાં કેમિકલ માફિયા જોડે સાંઠગાંઠ કરી ટેન્કરનું સીલ ખુલ્યા વગર નટ બોલ્ટ ખોલી ટોલ્યુઇન અને બેન્ઝિન પાઇપ વડે કરબામાં કાઢતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી બને ટેન્કરના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. જ્યારે હોટલનો વોચમેન ફરાર થઇ ગયો હતો.
પોલીસ સ્થળ પરથી 2 ટેન્કર પૈકી એક ટેન્કરમાં રહેલા ટોલ્યુઇન 175 લીટર ચોરી કિંમત 14,000 ને અંદર રહેલા 12 લાખ રૂપિયાનો ટોલ્યુઇનનો જથ્થો તેમજ અન્ય એક ટેન્કરમાં 70 લીટર જ્વલનશીલ બેન્ઝીન કેમિકલ હતું. જેની કિંમત 18,900 તેમજ અંદર રહેલા 24,160 મેટ્રિક ટન બેન્ઝીનનો જથ્થો કિંમત રૂપિયા 20.26 લાખ તેમજ 2 ટેન્કર કિંમત રૂપિયા 24 લાખ અને 3 મોબાઇલ મળી કુલ રૂ.42,42,479 ના બંને કેમિકલ અને અને બેનર મળી કુલ રૂ. 66.73.879 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કેમિકલ ચોરી કરતાં ટેન્કરના ચાલક બ્રજેશ અશોક કુમાર પાલ, રામવિલાસ શાંતિલાલ યાદવ અને મોહંમદ યાકુબ મહંમદ ઈદ્રીશ ખાનની ધરપકડ કરી હતી. જ્યારે યાસીન નામનો પરિવાર હોટલનો વોચમેન અને કિમનો કેમિકલ માફિયા હિમતસિંગ મારવાડી ફરાર થઇ જતા બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતાં.