અંકલેશ્વર,ભરૂચ: (Ankleshwar) બેનંબરિયા તત્ત્વોની બેફામ પ્રવૃત્તિઓએ અંકલેશ્વર રૂરલ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને (Police) દોડતી કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં અહીં ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા દારૂની (Alcohol) બે મોટી રેડ કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન અને અંક્લેશ્વર રૂરલમાં દારૂ ઘુસાડવાનાં મોટાં કાવતરાં નિષ્ફ્ળ કર્યાં છે. તો ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જીતાલી ગામમાં જુગારની ક્લબ (Gambling Club) ઉપર રેડ કરી સંચાલક સહિત 8ની ધરપકડ કરી છે.
આ બાકી હોય તેમ અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનમાં મોપેડ સવાર બે લુંટારુએ ચપ્પુની નોક ઉપર એક મહિલાનો મોબાઈલ અને નોકરિયાતની મોટરસાઇકલની લૂંટ ચલાવી પોલીસને પડકાર ફેંક્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્યની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ મોટા વિસ્તાર ઉપર નજર રાખતી હોવા છતાં વેપલાઓ તેમના ધ્યાન ઉપર આવી ગયા અને ત્રણ ગુના દાખલ થયા ત્યારે સ્થાનિક પોલીસ આ બેનંબરી વેપલાઓની માહિતી મેળવી ન શકી? આ પ્રશ્ન મૂંઝવણના કારણે અભ્યાસ માંગી રહી છે.
24 ક્લાક્માં બહારની એજન્સીઓ દ્વારા ઝડપાયેલા અને બનેલ મોટા ગુનાઓની વિગતોમાં અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. સેંગપુર ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચે 1300 બોટલ દારૂ સાથે એકની ધરપકડ કરી હતી. અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. હેઠળના જીતાલી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાતની ટીમે જુગારની ક્લબ ઝડપી પાડી 8ની ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પો.સ્ટે. હેઠળના હોટલ હિલ્ટન કમ્પાઉન્ડમાં પાર્ક કન્ટેનરમાંથી ક્રાઇમ બ્રાન્ચે અંદાજિત 4000 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. જ્યારે પાનોલી રૂરલ પો.સ્ટે. હેઠળના જીઆઇડીસી વિસ્તારમાં મહિલા સહિત બે વ્યક્તિને લૂંટી લુંટારુ ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બસ ડેપો પાસે ૭૩ મોબાઈલ અને બે લેપટોપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બસ ડેપો નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા ત્રણ ઈસમ પાસે રહેલા સ્પોર્ટ્સ બેગમાંથી શંકાસ્પદ ૭૩ મોબાઈલ અને બે લેપટોપ સહિત કુલ ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, જી.આઈ.ડી.સી. બસ ડેપો સામેના શોપિંગ નજીક ત્રણ ઈસમ સ્પોર્ટસ બેગમાં મોબાઈલ ફોન લઇ શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એ વેળા ડિસન્ટ હોટલની પાસે બાતમીવાળા ઈસમોને અટકાવી તેઓ પાસે રહેલી સ્પોર્ટસ બેગમાં તપાસ કરતાં બે બેગમાંથી ૭૦ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જ્યારે એક બેગમાંથી બે લેપટોપ મળી આવ્યાં હતાં. પોલીસે ત્રણેય ઈસમની મુદ્દામાલ અંગે પૂછપરછ કરતાં તેમણે ઉડાવ જવાબ આપતાં પોલીસે સુરતના વરાછા રોડ ઉપર આવેલા શ્રીજી એપાર્ટમેન્ટ ત્રિકમનગરમાં રહેતા મનોહરસિંહ નારાયણસિંહ પુરોહિત, અનીશ શિવવિલાસ તિવારી અને સુરેન્દ્ર પોખરાજ પ્રજાપતિને શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.