Dakshin Gujarat

અંકલેશ્વરમાં ઉદ્યોગોને વેન્ટિલેટર તો આપ્યા પણ ચલાવનાર તાલીમી સ્ટાફનો અભાવ

અંકલેશ્વર: અંકલેશ્વર પાનોલી સહિતના ઉદ્યોગો સરકારી કોવિડ હોસ્પિટલ ( covid hospital) તેમજ સરકારી તંત્રને વેન્ટિલેટર ( ventileter) સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. પરંતુ તેનો ઉપયોગ કરનાર તાલીમી સ્ટાફ જ નથી. તો વેન્ટિલેટર આપવાનો કોઈ અર્થ સરતો નથી.વેંતિલેટરની સુવિધા તો મળી ગઈ છે પણ તેને ચલાવવા માટે જે તાલીમી સ્ટાફની જરૂર હોય તે જ નથી ત્યારે આ વેન્ટિલેટરો માત્ર શોભાના ગાંઠિયા સમાન પડી રહેશે.


અંકલેશ્વરના અને આસપાસના વિસ્તારમાં આવેલા લગભગ ૨૦૦૦ જેટલા ઉદ્યોગો માટે ઘણા ઉદ્યોગપતિઓ કોરોના સંક્રમિત દર્દીઓ માટે વેન્ટિલેટરની સુવિધા આપી રહ્યા છે અથવા તો આપવાની તૈયારીમાં છે. પરંતુ મુખ્ય પ્રશ્ન હવે એ ઊભો થયો છે કે વેન્ટિલેટર દર્દીઓ માટે પ્રાણદાયક પૂરવાર થાય એ તાલીમી સ્ટાફ અત્યારે હોસ્પિટલમાં નથી. હોસ્પિટલમાં વેન્ટિલેટર હોવા છતાં જો એનો ઉપયોગ ના થાય તો એનો કોઈ અર્થ નથી.


આ સંદર્ભે એમ માંગ ઊઠી રહી છે કે ઉદ્યોગો જ જો પોતે એક કોવિડ કેર સેન્ટર ( covid care center) વેન્ટિલેટર તેમજ ઓક્સિજન (oxygen) ની સુવિધા સાથે ઊભું કરે તો એ વધુ યોગ્ય ગણાશે. અંકલેશ્વર જીઆઇડીસી તેમજ નોટિફાઈડ એરિયામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ સહિતની ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ધારે તો ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ મંડળ આ સુવિધા ઊભી કરી શકે એમ છે. સાથે જ લાખો કરોડોમાં ટર્ન ઓવર કરતા આટલા બધા ઉદ્યોગો પણ આગળ આવીને પોતાનો સહયોગ આપે તો કોરોનાવાયરસ હટાવવામાં અને મૃત્યુઆંક ઘટાડવામાં તકલીફ પડે એમ નથી.


જિલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે એ અત્યંત અનિવાર્ય છે. કોરોનાવાયરસ ( corona virus) ની લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે એવું સરકારી વૈજ્ઞાનિકો અને સરકારી આંકડા કહે છે, પરંતુ એને સદંતર નાબૂદ કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્રએ આ દિશામાં વિચારવાની આવશ્યકતા છે

Most Popular

To Top