અંક્લેશ્વર: (Ankleshwar) ભરૂચ ગોલ્ડન બ્રિજ (Golden Bridge) ખાતે નર્મદા નદીની (Narmada River) જળ સપાટી ૪૦ ફૂટે પહોંચતા તોફાની બની છે અને અંકલેશ્વર તાલુકા અને શહેરમાં ભારે વિનાશ વેર્યો છે. શહેરમાં પૂરના પાણી ફરી વળતા ૫૮ જેટલી સોસાયટીઓમાં (Society) પૂરના પાણીએ જમાવટ કરી હતી અને મકાનોમાં પાણી ઘુસી જતા રહીશોને ઘરવખરી ખસેડવાનો પણ મોકો ન મળતા ઘરવખરી અને વાહનો ડૂબી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. જયારે એક શખ્સ ને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. નગર પાલિકા અને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી.
નર્મદા નદીના પૂરે ભારે તબાહી મચાવી હતી ત્યારે અંકલેશ્વર શહેરમાં ગત રાત્રીના ૯ વાગ્યા બાદ પૂરના પાણી તેજ ગતિએ આવી જતા સોસાયટીઓમાં ફરી વળ્યા હતા. તોફાની પાણી સોસાયટીમાં રહીશોના મકાનના પહેલા માળ સુધી ઘુસી ગયા હતા. પાણીના તેજ પ્રવાહના કારણે રહીશો ઘરવખરી અને પોતાના વાહનો ખસેડી ન શકતા પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાન થવા પામ્યું હતું, રાત્રી દરમ્યાન અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. જો કે રહીશો ઘરની બહાર પણ નીકળવા પામ્યા ન હતા.
શહેરની 58 જેટલી સોસાયટી ઘોડાપૂરના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. જોકે એક શખ્સને પોતાના મકાનમાં ઇન્વર્ટર નો કરંટ લાગતા સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નગરપાલિકા ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા પ્રેગનેન્ટ મહિલા તેમજ બીમાર દર્દીઓ અને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવ કામગીરી હાથ ધરી હતી.
અંકલેશ્વર ભરૂચનો જુના નેશનલ હાઇવે પરનો માર્ગ પૂરના પાણીમાં બિસ્માર બન્યો
ભરૂચ નર્મદા નદીના જળ સ્તરમાં તોફાની ગતિએ વધારો થતા અને નદીના પાણીનું લેવલ ૪૦ ફૂટ સુધી પહોંચી જતા પૂરના પાણી અંકલેશ્વર ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે પરના માર્ગ પર પણ ભરાયા હતા. જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ ૧૭મીની મોડી સાંજથી આ માર્ગ પરથી વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો હતો. આ માર્ગ તોફાની અને ધસમસતા પાણીના પ્રવાહમાં બિસ્માર બન્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
અંકલેશ્વરમાં પૂરગ્રસ્ત લોકોની વહારે આવી વિવિધ સંસ્થાઓ
નર્મદા નદીના પૂર પ્રકોપમાં ફસાયેલા પૂર ગ્રસ્ત લોકો માટે વિવિધ સંસ્થાઓએ મદદનો હાથ લંબાવ્યો હતો અને ફૂડ પેકેટ, પીવાના માટે પાણી સહિતની વ્યવસ્થા કરીને અસરગ્રસ્ત લોકો સુધી મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પણ યુદ્ધના ધોરણે અંદાજીત ૧૫૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરીને પૂર અસરગ્રસ્ત લોકોને પહોંચાડાયા હતા. સેવા સહાય ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રમુખ નાઝુ ફડવાલાના માગદર્શન દ્વારા ટ્રસ્ટના હોદ્દેદાર કૌશલ ગોસ્વામી, ઝાહીદ ફડવાલા, યુનુસ શેખ, વીપુલ ભાનુશાલી અને ટ્રસ્ટના અન્ય સદસ્યો દ્વારા સક્કરપારા, પાપડી, બીસ્કીટ અને પાણીની બોટલોનું જરુરીયાતમંદ લોકોને રાહાત કેમ્પમાં અને સ્થાનિક સોસાયટી વિસ્તારોમાં રાહત સામગ્રી પહોચાડી હતી.