અંકલેશ્વર: (Ankleshwar) હાંસોટ રોડ પર મોદીનગર નજીક આવેલ કૃષ્ણનગરમાં પૂરના (Flood) પાણી ઓસર્યા બાદ પણ સાફ-સફાઈ (Cleaning) નહીં થતા સ્થાનિક મહિલાઓમાં રોષ ભભૂક્યો હતો. પૂરના પાણી ઓસરી જતાં અંકલેશ્વર પંથકના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોમાં રોગચાળાની દહેશત ઉભી થઈ છે.
નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મુકવામાં આવતા લોકોએ વિનાશક પૂરનો ભોગ બનવાનો વારો આવ્યો છે. જોકે હવે પૂરના પાણી ઓસરી જતાં અંકલેશ્વર પંથકના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી છે.
ત્યારે હવે પૂરના પાણી ઓસર્યા હોવાને 3થી વધુ દિવસ વીતી જવા છતાં પણ અંકલેશ્વર પાલિકા તંત્ર દ્વારા હાંસોટ રોડ પર મોદીનગર નજીક આવેલ કૃષ્ણનગરમાં સાફ-સફાઈ નહીં કરાતા સ્થાનિક મહિલાઓમાં પાલિકા પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં પાલિકા તંત્રના સત્તાધીશોને રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ વહેલી તકે કૃષ્ણનગરમાં સાફ-સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
અંકલેશ્વર, ભરૂચ અને ઝઘડિયાની 23 સરકારી શાળાઓને પણ પુરથી ભારે નુકશાન
નર્મદા નદીના પૂરે સરકારી 23 શાળાઓ અને ત્યાં શિક્ષણ લેતા હજારો બાળકોના ભાવિ ઉપર પણ પાણી ફેરવી દીધું હતું. પુરના સોમવારે 10 માં દિવસે આ શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થાય તેવી લોકોની માંગ છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કાંઠાના ગામોની સરકારી શાળાઓમાં પણ પુરના પાણીએ ભારે ખાનાખરાબી સર્જતાં શિક્ષણ કાર્ય ઠપ કરી દીધું હતું. ત્રણ તાલુકાની 23 શાળાની ઇમારત, વર્ગખંડો, ફર્નિચર, ફાઈલો, રેકોર્ડ, શિક્ષણ, રમત ગમત સહિતના સાધનો અને કોમ્યુટર સહિતની સામગ્રી પુરમાં તબાહ થઈ ગઈ છે.
જુના સક્કરપોર અને બોરભાઠા શાળા સોમવારથી શરૂ થઈ જશે- DEO
જિલ્લા વહીવટી અને શિક્ષણાધિકારી કચેરી દ્વારા યુદ્ધના ધોરણે આ શાળાઓમાં સફાઈ અભિયાન શરૂ કરાવ્યા બાદ વર્ગખંડો પૂર્વવત કરાયા હતા. સાથે જ વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો અને ચોપડાની વહેચણી કરવામાં આવી રહી છે. હવે DEO કિશન વસાવાના જણાવ્યા મુજબ બે શાળામાં જ સફાઈ સહિતની કામગીરી બાકી હોય જે જુના સક્કરપોર અને બોરભાઠા શાળા સોમવારથી શરૂ થઈ જશે.