અંકલેશ્વર: (Ankleshwar) મૂળ બિહાર અને હાલ ભરૂચના (Bharuch) હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં આવેલી નર્મદા સોસાયટીમાં રહેતા ગુડ્ડુકુમાર હરેન્દ્રપ્રસાદ પટેલ અને તેના રૂમ પાર્ટનર 32 વર્ષીય પ્રવીણકુમાર રાજેન્દ્ર સિંઘ અને કેશવકુમાર જાનહ સાથે અલગ અલગ મોટરસાઇકલ (Motorcycle) ઉપર અંકલેશ્વરથી ભરૂચ જવા નીકળ્યા હતા. દરમિયાન અંકલેશ્વર-ભરૂચ જૂના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પાલ્મ અને અક્ષર આઇકોન વચ્ચે બાઈક (Bike) નં.(જી.જે.16.બી.એ.6487) ઉપર પસાર થતી વેળા કેશવકુમાર જાનહ અને પ્રવીણકુમાર રાજેન્દ્ર સિંઘ સવાર હતા એ બાઈકનું ટાયર ફાટતાં ડિવાઇડર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનને ઇજા પહોંચતાં તેમને 108 સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રવીણકુમારનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મુડતથી બાઇકની ચોરી કરનારો ઝડપાયો
અનાવલ: મહુવાના મુડત ખાતેથી ચોરાયેલી બાઇક સાથે પોલીસે ચોરને ઝડપી પાડ્યો હતો. ગત તા.17/02/2023 ને શુક્રવારે વાલોડના મોરદેવી ગામે રહેતા રમેશ નાથુ પટેલ પોતાની બાઇક ન.(GJ-19-Q-9597) લઈ મહુવાના મુડત ગામે ખેતરે ગયા હતા. અને ખેતરમાં કામ પતાવી પરત ફર્યા એ દરમિયાન તેમની બાઇક ઘટના સ્થળેથી ગાયબ હતી. જેની ભાળ ન મળતાં મહુવા પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન મહુવા પોલીસ સ્ટાફ કાછલ ગામની સીમમાં તા.19/02/2023ના રોજ પોકેટ કોપની મદદથી વાહન ચેકિંગમાં હતો. એ વેળા કરચેલિયા તરફથી એક બાઇકચાલક મહુવા તરફ આવી રહ્યો હતો અને પોલીસને જોઈ નાસવા લાગતાં પોલીસે તેને કોર્ડન કરી અટકાવી પૂછતાછ કરતાં પોતાનું નામ નરેશ મંગુ મિસ્ત્રી (રહે., કરચેલિયા ટાંકી પાસે, તા.મહુવા) જણાવ્યું હતું. આ વાહન મુડત ગામેથી ચોરી કર્યુ હોવાની કબૂલાત કરી હતી. જેથી મહુવા પોલીસે બાઇક ચોરનાર યુવાનની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.
જોળવામાં પિસ્તોલ સાથે એક ઝડપાયો
પલસાણા: પલસાણાના જોળવા ગામે એક ઇસમ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઝાડ નીચે બેઠો છે. આ બાતમીના આધારે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો તેમજ પિસ્તોલ આપનાર ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના જોળવા ગામે શિવમસીંગ પાસે ગેરકાયદે દેશી હાથ બનાવટની પિસ્તોલ છે. જે હાલ પલસાણાના જોળવા ગામે કુબેર આર્કેડની બાજુમાં નીલકંઠ રેસિડેન્સીની સામે પ્લોટમાં ઝાડ નીચે બેઠો છે. આથી એસઓજીની ટીમે રેઇડ કરતાં ઝાડ નીચે બેઠેલા શિવમસીંગ રણજીતસીંગ રાજપૂત (ઉં.વ.૧૯) (૨હે.,જોળવા, ભરવાડની ચાલ, સાહિબા મિલની સામે, તા.પલસાણા, મૂળ રહે.,ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડી તેની અંગજડતી લેતાં કમરના ભાગ સંતાડેલી પિસ્તોલ કિંમત રૂ.૨૫ હજાર, ૧ કારતુસ તથા એક મોબાઇલ મળી આવી હતી. એસઓજી પોલીસે પિસ્તોલ તેમજ કારતુસ આપનાર છોટુ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.