આંકલાવ : આણંદના આંકલાવ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દબાણ મામલે તંત્ર ધ્વારા ઢીલી નીતિ રીતિ રાખવામાં આવી હતી. પરંતુ આજે એકાએક જ વહીવટી તંત્ર વર્ષો જુના દબાણો હટાવવા માટે કામે લાગ્યું હતું. જેથી આ દબાણ હટાવ કામગીરી દરમિયાન ઘણા બધા દબાણ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આંકલાવ શહેરની મુખ્ય ગણાતી વીરકુવા ચોકડી પરના વર્ષો જુના દબાણ દૂર કરવાની ઝુંબેશ કેટલાય મહિનાથી ચર્ચાનો વિષય બનાવ પામી હતી. ચોકડી વિસ્તારમાં ઘણા વર્ષોથી ખડકાયેલ દબાણો અનેકવાર રજૂઆતો કરી દૂર કરવા જણાવવામાં આવ્યું હતું.તેમજ અનેકવાર તંત્ર દ્વારા પણ નોટીસ આપી દબાણો દૂર કરવા માટે જણવવામાં આવ્યું હતું. તેમ છતાં કોઈને કોઈ કારણોસર દબાણ હટાવવા બાબતે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નહોતી.
આજે ખાસ ઝુંબેશ હેઠળ દબાણ હટાવવા મામલે તંત્ર એ કડક વલણ અપનાવ્યું હતું. જેમાં દબાણકારોએ પોતપોતાના ગલ્લાઓ દૂર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સોમવારે વહેલી સવારથી જ પ્રાંત અધિકારી બોરસદ, આંકલાવ મામલતદાર તેમજ સિટીસર્વેની ટીમ અને નગરપાલિકાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જેસીબી ફેરવી તાલુકા પંચાયત કચેરીથી મામલતદાર કચેરીના ગેટ સુધી તમામ દબાણો દૂર કર્યા હતા.
આંકલાવની વિરકુવા ચોકડી પર છેલ્લા ઘણા સમયથી દબાણો દૂર કરવાને લઈને માંગ ઉઠી હતી. જેથી ખાસ ઝુંબેશ કરવામાં આવી હતી ત્યારે મોટાભાગના દબાણો તંત્ર દ્વારા જેસીબી ફેરવી દૂર કરવામાં આવ્યું હતું અને બીજા દબાણકારોને દબાણ દૂર કરવા નોટીસ આપવામાં આવી હતી ત્યારે દબાણકારોએ પોતા પોતાની રીતે દબાણ દૂર કર્યું હતું . તમામ દબાણ પર તંત્ર દ્વારા જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. સવારથી તંત્ર દ્વારા આંકલાવની વીરકુવા ચોકડી અને બસ સ્ટેશન જવાના ગેટ પાસે આવેલ એક હોટલ સહિત વિવિધ કાચી પાકી દુકાનો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. જેથી તમામ દબાણો ઘણા વર્ષો બાદ જમીન દોસ્ત થઇ ગયા હતા. દબાણ હટાવવાની કામગીરી મામલે આંકલાવ નગરજનોએ ખુબ જ પ્રશંસા વ્યક્ત કરી હતી.
ઉમેટા ચોકડી, આસોદર ચોકડીના દબાણો પણ હટાવવા માંગ
આંકલાવની આસોદર ચોકડી અને ઉમેટાં ચોકડી પર દબાણોના કારણ ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. ત્યારે તંત્ર દ્વારા આ જગ્યા પર ક્યારે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે . અત્રે ઉલ્લેખનીય છે કે આંકલાવના ઉમેટા ચોકડી અને આસોદર ચોકડી પર ખડકાયેલ દબાણો તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તો સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને પણ ઘણી જ રાહત થાય તેમ છે.