વાંસદા: (Vansda) વાંસદા તાલુકાની આશરે 34 જેટલી આંગણવાડીઓને (Anganwadi) જર્જરિતનું પ્રમાણપત્ર (Certificate) હોવા છતાં માત્ર 24 આંગણવાડીઓ તોડી પાડવામાં આવી હતી. મનરેગા અને આઇ.સી.ડી.એસના સંયુક્તપણે આંગણવાડીની રકમ ફાળવવાના હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી તોડી પડાયેલી આંગણવાડીના પગલે બાળકો અત્યંત ઠંડીની સિઝનમાં ગ્રામજનોના ઘરના ઓટલા પર, શાળાના મધ્યાન ભોજન શેડમાં, આરોગ્યના સબ સેન્ટર અને ઉપકેન્દ્ર જેવી જગ્યાઓમાં ચાલી રહી છે.
- આંગણવાડીઓ તોડી પાડ્યા બાદ બાળકો ઓટલા પર બેસવા મજબુર
- વાંસદા તાલુકાની આંગણવાડીઓ તોડી પાડ્યા બાદ આઇ.સી.ડી.એસ.ની ગ્રાન્ટનું ગ્રહણ નડ્યું
- નાના ભૂલકાઓએ હાલાકી ભોગવવાનો વારો આવતા ધારાસભ્યએ મુલાકાત લીધી
ધારાસભ્ય અનંત પટેલે મોળાઆંબા ગામના સરપંચ ગુલાબભાઈની સાથે ગામની આંગણવાડીની મુલાકાત લેતા બેડા ફળિયાની આંગણવાડી તથા નિશાળ ફળિયાની આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી રહી હતી. આવી જ હાલતમાં આંગણવાડી ચોરવણી વિસ્તારમાં પણ જોવા મળી હતી. વાંસદા તાલુકાની આંગણવાડીમાં પણ આદિવાસી સમાજના નાના ભૂલકાઓ ભણવા માટે ઓટલા પર તેમજ જર્જરિત મધ્યાન ભોજનના શેડમાં બેસવા મજબૂર બન્યા છે.
જેમાં સરા, નવતાડ, પાલગભાણ, ચોરવણી, નિરપણ, ખાટાઆંબા, પીપલખેડ, ચાપલધરા તેમજ વાસકુઈના આંગણવાડી કેન્દ્રો 2021- 22 અંતર્ગત મનરેગામાં નામંજૂર થયા છે, તો આ આંગણવાડી કેન્દ્રો ક્યારે બનશે ? વાંસદા વિસ્તારની આશરે 24 આંગણવાડીઓ જર્જરિત હોવાથી તોડી પાડવામાં આવી છે. જે એક વર્ષથી નિર્માણ પામી નથી. આમ આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણની ભૂખ કેવી રીતે તૃપ્ત થશે. જેને લઇ આવનારા સમયમાં વાલીઓ સાથે આંદોલન કરતા અચકાશું નહીં. એવી ચીમકી ઉચ્ચારી હતી.
આહવા કોલેજનાં વિદ્યાર્થીઓની ઇન્ટર યુનિવર્સિટી હોકી ટીમમાં પસંદગી
સાપુતારા : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હોકી સિલેક્શનમાં આહવા-ડાંગની કોલેજના સેવુર માયાબેન ગૌત્તમભાઈ T.Y.B.A અને પવાર નેહાબેન અરુણભાઈ S.Y.B.A એ ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેઓની પસંદગી થવા પામી છે. આ વિદ્યાર્થીઓ માટે 26 ડિસેમ્બરનાં રોજ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપ જે.આર. નાગર રાજસ્થાન વિદ્યાપીઠ મુકામે રમતનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ કરાટે સ્પર્ધા એસ.ટી.જૈન સુરત મુકામે યોજાઇ હતી. જેમા 63 કી.ગ્રામ વેઇટ કેટેગરીમાં આહવા સરકારી કોલેજની ચૌધરી દિવ્યાબેન અનિલભાઈ T. Y. B. A ની વિદ્યાર્થીનીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓને પી.ટી.આઈ. મેસુરીયા હિતાક્ષી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો.યુ.કે.ગાંગુર્ડે તથા કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.