ક્રિકેટરોના દિકરા ક્રિકેટમાં ય મોટું નામ બનાવે એવું ઓછું જ બન્યુ છે. સુનીલ ગાવસ્કરે તેમના દિકરાનું નામ વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર રોહન કન્હાઈ પરથી રોહન રાખેલું પણ ક્રિકેટમાં તે ન કન્હાઈ પૂરવાર થયો ન ગાવસ્કર, સચીન તેંડૂલકરે દિકરાને ‘અર્જુન’ નામ આપ્યું પણ તે ય કોઈ તીર તાકી શકયો નથી. ક્રિકેટરોના સંતાનો ક્રિકેટ સિવાય ફિલ્મમાં ખાસ ટ્રાય નથી કરતા. કારણ કે જે નામ હોય તે તો પિતાનું હોય. એટલે સ્વતંત્ર રીતે જ આગળ વધવું પડે. એવું કોઇ એકે કર્યું હોય તો તે અંગદ બેદીએ કર્યું છે. બિશનસિંહ બેદીનો દિકરો છે પણ ફિલ્મ, ટીવી ક્ષેત્રે નામ પોતાનું છે.
આ અઠવાડિયે રજૂ થતી ‘આદિપુરુષ’માં તે રાવણ (સૈફ અલી ખાન)નો મોટો પુત્ર મેઘનાદ બન્યો છે. મેઘનાદ પણ મોટો યોદ્ધા હતો અને તેણે ઇન્દ્રને હરાવેલો એટલે તેનું નામ ઈન્દ્રજીત પણ હતું. ‘રામાયણમાં રામ પણ તેને મારી શકતા નથી કારણ તેને બ્રહ્માએ તેને કહેલું કે તારો વધ ફકત એજ કરી શકશે જે 12 વર્ષ સુધી ઉંઘ્યો ન હોય, સૂતો ન હોય. એવા તો માત્ર લક્ષ્મણ જ હતા જે વનવાસ દરમ્યાન 14 વર્ષ સુતા નહોતા. આખર તેના હાથે જ મેઘનાદનો અંત થાય છે. અંગદ તેને મળેલી ભૂમિકાથી ખૂબ ખુશ છે. અંગદ બેદી હવે પહેલા કરતાં સારી ભૂમિકા મેળવતો થયો છે.
‘લસ્ટ સ્ટોરીઝ-2’માં તો તે તમન્ના ભાટિયા સાથે મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે. આ ફિલ્મ પણ આ 29 જૂને જ રજૂ થવા તૈયાર છે. અંગદ કહી શકે કે મારા માટે જૂનમાં વરસાદ થવાનો છે. આર. બાલ્કીની ‘ઘૂમ 2’માં તો અમિતાભ, અભિષેક બચ્ચન શબાના આઝમી વગેરે સાથે તે દેખાશે. તેને મોટા સ્ટાર્સ વચ્ચે ખોવાય જવાનો ડર નથી. તે તો માને છે કે મોટા સ્ટાર્સવાળી ફિલ્મોમાં જ આપણી નોંધ લેવાતી હોય છે. વાત તેની ખોટી ય નથી. સલમાન ખાન સાથેની ટાઈગર ઝીંદા હે’ ઘણાને યાદ છે. અંગદને સારા દિગ્દર્શકો હંમેશ પસંદ કરતા રહ્યા છે ચાહે ‘ડિયર જિંદગી’ની ગૌરી શીંદે હોય યા ‘પિન્કી’ના અનિરુદ્ધ રોય ચૌધરી કે પછી ‘ગુંજન સકસેના’ના દિગ્દર્શક હોય.
અત્યારે તે એક ફિલ્મ એ કરી રહ્યો છે જેમાં તે અને નેહા ધૂપીયા છે. એ ફિલ્મ ચેતન ભગતની લખેલી છે. નેહા સાથે તે 2018માં પરણ્યો છે અને તેમને બે સંતાન છે. નેહા જયારે મિસ ઇન્ડીયા માટે જિમમાં તૈયારી કરતી હતી. ત્યારે અંગદે તેને પહેલી વાર જોયેલી. તેમની લવસ્ટોરી હવે મેરેજ સ્ટોરીમાં ફેરવાય ગઇ છે. બાકી લગ્ન પહેલાં તે 75 થી વધુ સ્ત્રી સાથે ડેટ કરી ચુકયાનું કહેવાય છે. અંગદ અત્યારે એ લિગલ અફેર નામની વેબસિરીઝમાં પણ આવી રહ્યો છે. જેમાં તેની સાથે બરખા સીંઘ છે. અગાઉ ઇન્સાઈડ એજ’માં અરવિંદ વશિષ્ઠ તરીકે તેણે પ્રભાવ પાડ્યો હતો. અંગદ બેદી એક સમયે સલમાન ખાનની બહેન અર્પિતા સાથે રિલેશનમાં હતો ને તો પણ સલમાને તેને તેની ફિલ્મમાં તક આપેલી. શુજીત સરકારની ‘પિન્કી’માં તે નેગેટિવ, ભૂમિકામાં ચમકયો હતો. સલમાન સાથેની ‘ટાઈગર-3’માં કેવી ભૂમિકા મળી છે તે જોવાનું રહેશે. પણ અંગદ એક સારી કારકીર્દી બનાવી શકયો છે એ નક્કી. •