પલક મુછાલ વીત્યાં થોડા વર્ષોમાં પાર્શ્વગાયિકા તરીકે ખૂબ જ નામવંત બની છે. ‘એક થા ટાઇગર’માં તેણે કે.કે. સાથે ‘લાપતા’ ગાયેલું, ‘આશિકી-2’માં તેણે અરિજીત સીંઘ સાથે ‘સૂન રહા હે’ ગાયેલું. (શ્રેયા ઘોષાલના સ્વરમાં છે તે જૂદું). આ ઉપરાંત અરિજીત સાથે જ આ ફિલ્મમાં ‘મેરી આશિકી…’ ગીતમાં પણ પલક જ હતી. સલમાન ખાનની ‘કીક’માં મિકા સીંઘ સાથે ‘જૂમ્મે કી રાત’ ગીત છે જેના પાંચ-છ રિમીકસ થયા છે. પલકે અંકિત તિવારી સાથે ‘ધૂમ ધામ’ ગીત ‘એકશન જેકસન’ માટે ગાયેલું. સુરજ બડજાત્યાની ‘પ્રેમ રતન ધન પાયો’માં જે ટાઇટલ ગીત છે તે પલકનું ગાયેલું છે.
છેલ્લાં 15.20 વર્ષોમાં પાર્શ્વ ગાયકોની જે યુવા પેઢી આવી છે તેમાં પલક એક છે. ઇન્દોરમાં જન્મેલી પલક માહેશ્વર મારવાડી છે. કલ્યાણજી આણંદજીએ તેમના લિટલ સ્ટાર ગ્રુપ વડે ગાયક-ગાયિકાઓની જે નવી પેઢી આવી છે તેમાં પલક મુછાલ પણ છે. ફકત ચાર વર્ષની હતી ત્યારથી તે આ ગ્રુપમાં ગાવાનું શીખતી હતી. તે ગાયિકા તરીકે પ્રભાવક બનતી ગઇ તેમ તેમ દેશભરમાં ચેરિટી શો કરવા માંડી. પલકને 17 જેટલી ભાષા આવડે છે એટલે હિન્દી, ગુજરાતી નહીં દક્ષિણની ભાષામાં પણ ગાઇ શકે છે. 2011થી તે હિન્દી ફિલ્મોમાં ગાતી થઇ અને આજે તેના ગાયેલાં અને લોકપ્રિય થયેલાં ગીતોની યાદી ઘણી મોટી છે.
હમણાં ‘સલામ વેંન્કી’માં તેણે મિથુન સાથે ‘યુ તેરે હુએ હમ’ ગાયેલું. મિથુન સાથે જ તેના હમણાં લગ્ન પણ થયાં છે. પલકના કયા ગીત વધારે લોકપ્રિય એ ગણવાં હોય તો ‘લાપતા’, ‘મેરી આશિકી’, ‘જુમ્મે કી રાત’, ‘તેરી મેરી કહાની’ (ગબ્બર ઇઝ બેક), ‘પ્રેમ રતન ધન પાયો’ જેવાં ઘણાં છે. હિમેશ રેશમીયા, જતિન પંડિત, પ્રીતમ, અમાન મલિક, અંકિત તિવારી, અમિત ત્રિવેદી વગેરે માટે તો તેણે ગીતો ગાયાં જ છે. તેના સંગીતકારોમાં ભપ્પી લહરી, રવીન્દ્ર જૈન, રાજેશ રોશન વગેરે પણ છે. પલક સ્વયં પણ કયારેક ગીત કમ્પોઝ કરે છે અને હમણાં જેને પરણી તો મિથુન ગાયક હોવા ઉપરાંત સંગીતકાર પણ છે. પલકે તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી, પંજાબી, ગુજરાતી, ભોજપુરી ભાષામાં પણ ગીતો ગાયાં છે.
મિથુનની સંગીતકાર તરીકેની ઓળખ ‘આશિકી-2’ના ‘તુમ હી હો’ ગીત વડે બની હતી. એ ગીત તેણે અરિજીત પાસે ગવડાવેલું. પલક, મિથુન પરણ્યા ત્યારે તેમના લગ્ન સમારંભમાં ઉદિત નારાયણ, સોનુ નિગમ, અરમાન મલિક સહિત અનેકો પધારેલા. હવે આ ગાયક સંગીતકાર દંપતીની નવી યાત્રા શરૂ થઇ છે. 2011માં તે બંને પ્રથમવાર ‘ટ્રાફિક’ ફિલ્મના રેકોર્ડિંગ વખતે મળેલા. પ્રેમ થયો પછી બંનેએ તેમનાં વડીલોને જણાવ્યું. પલક મારવાડી કુટુંબની એટલે થોડી સમસ્યા થઇ શકે પણ ના હવે તેઓ પરણી ચૂકયાં છે. હવે બંને કારકિર્દી અને લગ્નજીવનમાં સાથે સાથે આગળ વધશે.