National

ચંદ્રબાબુ નાયડુ NDAમાં પાછા ફર્યા, આંધ્રપ્રદેશમાં BJP-TDP અને JSP વચ્ચે આ ફોર્મ્યુલા પર ડીલ ફાઇનલ

નવી દિલ્હી: (New Delhi) 2024ની ચૂંટણીમાં ભાજપે (BJP) NDA ગઠબંધન માટે 400થી વધુનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે પાર્ટી સતત પોતાના સમૂહને વિસ્તારવામાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને પવન કલ્યાણની જેએસપી સાથે ભાજપની ડીલ ફાઈનલ થઈ ગઈ છે. ટીડીપી સાંસદ કનકમેડલા રવિન્દ્ર કુમારે પુષ્ટિ કરી છે કે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એનડીએમાં જોડાઈ રહી છે. ભાજપે ટીડીપી-જનસેના સાથે ગઠબંધન કર્યું છે. આ ગઠબંધન બાદ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે આ ગઠબંધનથી આંધ્રપ્રદેશને ફાયદો થશે. ભાજપ-ટીડીપીનું એકસાથે આવવું એ દેશ અને રાજ્ય માટે ફાયદાકારક સ્થિતિ છે. ગૃહમંત્રી અમિત શાહે ચંદ્રબાબુ નાયડુ અને જનસેના પાર્ટી અધ્યક્ષ પવન કલ્યાણ સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપ આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ શક્યતાઓ ચકાસી રહી છે જેથી એનડીએને 400 બેઠકો મળી શકે અને એકલા પક્ષને 370 બેઠકો મળી શકે. આ માટે ભાજપ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી પોતાને મજબૂત કરી રહી છે. આ સંદર્ભમાં ભાજપ, ટીડીપી અને જનસેનાએ આંધ્રપ્રદેશમાં ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની બેઠક થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં નાયડુએ કહ્યું હતું કે આંધ્રપ્રદેશ ખરાબ રીતે નષ્ટ થઈ ગયું છે. ભાજપ અને ટીડીપીનું એકસાથે આવવાથી દેશ અને રાજ્યની જીત સુનિશ્ચિત થશે. તેમણે સત્તાધારી YSR કોંગ્રેસ પર પણ નિશાન સાધતા કહ્યું કે આંધ્ર પ્રદેશમાં અમારું ગઠબંધન ચૂંટણી જીતશે.

આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠકો છે. મળતી માહિતી મુજબ સીટ શેરિંગ ફોર્મ્યુલામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ભાજપ 6 સીટો પર, જનસેના પાર્ટી 2 સીટો પર અને ટીડીપી 17 સીટો પર ઉમેદવારો ઉભા રાખશે. આંધ્રપ્રદેશમાં યોજાનારી વિધાનસભા માટે બેઠકોની વહેંચણી અંગે પણ ચર્ચા થઈ છે. રાજ્યમાં વિધાનસભાની 175 બેઠકો છે. ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે 145 બેઠકો પર ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં ભાજપ અને જનસેના પાર્ટીને માત્ર 30 બેઠકો મળી રહી છે. મળતી માહિતી મુજબ બંને પક્ષો વચ્ચે 30 સીટોને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ વચ્ચેની વાતચીતના બીજા રાઉન્ડમાં આ સમજૂતી થઈ હતી. આ સાથે જ આંધ્રપ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે.

Most Popular

To Top