Madhya Gujarat

આણંદની દિકરીએ યુએસના પણ સીમાડા સાચવ્યાં

પેટલાદ : આણંદ જીલ્લાના સોજિત્રા તાલુકાના ડભોઉ ગામનું પટેલ પરિવાર વર્ષોથી અમેરિકા સ્થાયી થયું છે. આ પરિવારની દિકરી છેલ્લા 21 વર્ષથી યુએસ નેવીમાં એન્જિનીયર જેવી મહત્વની જગ્યા ઉપર ફરજ બજાવે છે. ચરોતરની આ દિકરીની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાને લઈ હાલમાં તેણીને યુએસ પ્રેસિડેન્ટ દ્વારા પ્રતિષ્ઠિત સેવા ચંદ્રક આપવામાં આવ્યો હતો. ડભોઉની આ દિકરીનું યુએસના વ્હાઈટ હાઉસ‌ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. સોજીત્રાના ડભોઉ ખાતે કાકાની ખડકીમાં ઠાકોરપ્રસાદ મગનભાઈ પટેલ રહેતા હતા. વર્ષ 1951માં જન્મેલા ઠાકોરભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધા બાદ તેઓએ નડીયાદથી એમકોમ, એલએલબી કર્યું હતું.

વર્ષ 1970માં તેઓએ ડભોઉ છોડી કંજરી ખાતે રહી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ અભ્યાસ પૂર્ણ થયા બાદ ઠાકોરભાઈ મુંબઈ ખાતે જોબ કરતા હતા. પરંતુ એક વર્ષના ટૂંકા ગાળામાં જ તેઓ વડોદરા પરત આવી જોબ ઉપર લાગ્યા હતા. જે સમય દરમ્યાન તેઓના લગ્ન વર્ષ 1978માં થયા હતા. નાનપણથી જ અભ્યાસમાં રૂચિ અને પરિવાર માટે કંઈક કરવા ઈચ્છતા ઠાકોરભાઈ તેમની પત્નિ સાથે માર્ચ 1980માં સેન્ટ્રલ આફ્રિકાના ઝામ્બિયા ખાતે નોકરી અર્થે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓના સંઘર્ષનો પ્રારંભ થયો હતો. તેઓ એક કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા. આ કંપનીમાં તેઓ પોતાની મહેનત અને ધગશથી છેક જનરલ મેનેજર સુધી પહોંચ્યા હતા. આ સમય દરમ્યાન તેઓને સંતાનમાં ત્રણ બાળકો હતા. જેમાં સૌથી મોટી દિકરી સેજલ, પુત્ર દિપેન અને સૌથી નાની દીકરી પ્રતિક્ષા હતા.

ઠાકોરપ્રસાદ પટેલ ઝામ્બિયામાં 15 વર્ષ રહ્યા બાદ વર્ષ 1994માં પરિવાર સાથે અમેરિકા પહોંચ્યા હતા. જ્યાં બે વર્ષ જોબ કર્યા બાદ પોતાનો ઈન્ડિયન ગ્રોસરી સ્ટોર શરૂ કર્યો હતો. તેઓની મહેનત, સંઘર્ષના પરિણામ સ્વરૂપે પુત્રી સેજલ પટેલ ડેન્ટિસ્ટનો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટર તરીકે સેવાઓ આપે છે. પુત્ર દિપેન પટેલે એમબીએ પૂર્ણ કર્યા બાદ જ્હોન્સન એન્ડ જ્હોન્સનમાં જોબ કરે છે. જ્યારે સૌથી નાની દીકરી પ્રતિક્ષા પટેલ કે જે અભ્યાસમાં શરૂથી જ ખૂબ હોંશિયાર હતી. પ્રતિક્ષાએ બીએસસી કર્યા બાદ એમબીએ કર્યું હતું.

પરંતુ એરફોર્સ અને નેવીમાં જવાના ઝનૂન ધરાવતી પ્રતિક્ષાએ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો હતો. એન્જિનિયર બન્યા બાદ વર્ષ 2002માં પ્રતિક્ષાની યુએસ નેવીમાં પસંદગી થઈ હતી. યુએસ નેવીમાં એન્જિનિયર તરીકે શરૂ કરેલી કારકિર્દીમાં પ્રતિક્ષા પટેલ 22 વર્ષ બાદ આજે બીટ્સબર્ગ ખાતે લેફ્ટેનન્ટ કમાન્ડર તરીકે ફરજ બજાવે છે. તેઓની કારકીર્દી દરમ્યાન અનેક એવાર્ડ અને મેડલ પ્રાપ્ત કર્યા છે. તેઓની ફરજમાં ઉત્કૃષ્ટ કામગીરીને લઈ યુએસના વ્હાઈટ હાઉસ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ચરોતરના મૂળની દિકરી પ્રતિક્ષા પટેલને પ્રતિષ્ઠિત સેવા ચંદ્રક યુએસના પ્રેસિડેન્ટ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઉની દિકરી પ્રતિક્ષા પટેલનું યુએસના વ્હાઈટ હાઉસ ખાતે સન્માન થતાં ચરોતર સહિત તેમના પરિવાર અને ભારત દેશનું ગૌરવ વધ્યુ હોવાનું તેઓના પિતા ઠાકોરપ્રસાદ પટેલે જણાવ્યું હતું.

પ્રતિક્ષા પટેલને કારકિર્દીમાં દસથી વધુ મેડલ
યુએસ નેવીમાં 22 વર્ષની કારકિર્દી દરમ્યાન પ્રતિક્ષા પટેલને દસથી વધુ મેડલો મળ્યા છે. જેમાં નેવી કમ્મેન્ડેશન, નેવી એન્ડ મરીન કોર્પ્સ એચિવમેન્ટના ચાર મેડલ, યુદ્ધ કાર્યક્ષમતા રિબન, ગુડ કન્ડક્ટમાં બ્રોન્ઝ મેડલ, નેશનલ ડિફેન્સ સર્વિસ મેડલ, ગ્લોબલ વોર એન્ડ ટેરરિઝમ મેડલ વગેરે ચંદ્રકોનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રતિક્ષા પટેલને ધ મીલીટરી આઉટ સ્ટેન્ડીંગ વોલીયન્ટર સર્વિસ, સી સર્વિસ ડિપ્લોયમેન્ટ રિબન, નેવી રાયફલ ક્વોલિફિકેશન એક્સપર્ટ મેડલ, નેવી પિસ્ટલ ક્વોલિફિકેશન એક્સપર્ટ જેવા મેડલ પણ પ્રાપ્ત થયા છે.

બે દાયકામાં ક્લાર્કથી લેફ્ટેનન્ટ સુધીની સફર
એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રતિક્ષા પટેલે યુએસ નેવીમાં ડિસ્બર્સિંગ ખાતે સામાન્ય ક્લાર્ક તરીકે ભરતી થઈ હતી. નેવીમાં ફરજ દરમ્યાન તેણીએ પર્સનલ સપોર્ટ ડિટેચમેન્ટ વોશિંગ્ટન ખાતે અરજી કરતા સીમેન – ટુ – એડમિરલ પ્રોગ્રામમાં તેઓની પસંદગી થઈ હતી. પ્રતિક્ષા પટેલે વર્ષ 2002થી અત્યાર સુધીમાં પેસિફિક અને એટલાન્ટિક સમુદ્રમાં જહાજોના કાફલા સાથે ફરજ બજાવી છે. તેઓએ યુએસએસ જર્મન ટાઉન અને હાર્પર્સ ફેરી ઉપરના ઓપરેશન્સ ઈલેક્ટ્રોનિક ઓફિસર પદે પણ ફરજ બજાવી છે. આ ઉપરાંત યુએસએસ લેયટી ગલ્ફ ખાતે મુખ્ય પ્રોપલ્શન ઓફિસર અને સહાયક મુખ્ય ઈજનેર તરીકે સેવાઓ આપી છે. બાદમાં યુએસએસ ચાર્લસ્ટન ખાતે મુખ્ય ઈજનેર તરીકે જવાબદારી સંભાળ્યા બાદ હાલમાં તેઓ બીટ્સબર્ગ ખાતે મુખ્ય ઈજનેર લેફ્ટેનન્ટ કમાન્ડર તરીકે યુએસ નેવીમાં સેવાઓ આપી રહ્યા છે.

Most Popular

To Top