આણંદ: આણંદ તાલુકાના લાંભવેલ ગામમાં રહેતાં એક કોન્ટ્રાક્ટરને અજાણ્યાં શખ્સે ફોન કરી, પોતે કેન્દ્રીય મંત્રાલયમાં સેક્રેટરી હોવાની ઓળખ આપીને રૂપિયા ૭૦ લાખની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપો તો કોન્ટ્રાક્ટ તેમજ લાયસન્સ રદ્દ કરવાની ધમકીઓ આપી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ તાલુકાના લાંભવેલ ગામમાં આવેલ વૃંદારણ્યમ અમર કોલ્ડ સ્ટોરેજ સામે રહેતાં અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (ઉં.વ ૫૮) કન્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા છે. તેઓ ગત શુક્રવારના રોજ બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. તે વખતે તેમના મોબાઈલ ઉપર અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હતો.
જેમાં સામેપક્ષે વાત કરનાર શખ્સે પોતાનું નામ ચિરાગભાઈ દુડીયા હોવાનું અને તે ભુજ પી.ડબલ્યુ.ડીના ડેપ્યુટી એન્જિનિયર હોવાની ઓળખ આપી હતી અને તેણે અરવિંદભાઈને કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરા સાથે વાત કરવા જણાવ્યું હતું. અને અર્બન સેક્રેટરી MoHUA મનોજ જોષીનો મોબાઈલ નંબર મેસેજમાં મોકલી તેમની સાથે વાત કરવાની હોવાની જણાવ્યુ હતું. જેથી અરવિંદભાઈએ કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, ચિરાગભાઈ દુડીયાએ તમને જે મનોજ જોષી, અર્બન સેક્રેટરી MoHUA નો નંબર મોકલેલ છે તેમને તમારૂ કામ છે તો તમે વાત કરી લેજો તેમ જણાવ્યું હતું. જેથી અરવિંદભાઈએ તરત જ મેસેજમાં આવેલ મનોજ જોષી, અર્બન સેક્રેટરી MoHUA, દિલ્હીના નંબર ઉપર ફોન કર્યો હતો.
જેમાં સામેપક્ષે હિન્દી ભાષામાં વાત કરનાર શખ્સે તમારૂ પર્સનલ કામ છે, ફોન ઉપર વાત થઈ શકે તેમ નથી, હું સોમવારે દિલ્હી આવવાનો છું, એટલે તમે સોમવારે બપોરે અઢી વાગ્યે દિલ્હી ઓફિસે આવજો રૂબરૂ મળીશું તેવું જણાવ્યું હતું. જોકે, અરવિંદભાઈને સોમવારે બીજી જગ્યાએ એપોઈન્ટમેન્ટ હોવાથી તે દિવસે મળવાની ના પાડી હતી. જેથી સેક્રેટરીની ઓળખ આપનાર શખ્સે ફોન કટ કરી દીધો હતો. જોકે પાંચ મિનીટ બાદ મનોજ જોષીનો ફરીથી ફોન આવ્યો હતો અને મારે 70 લાખ રૂપિયાની અરજન્ટ જરૂર છે, તો બે-ત્રણ કલાકમાં ગમે તે રીતે સગવડ કરી આપવા અરવિંદભાઈને કહ્યું હતું. જેથી અરવિંદભાઈએ આટલી મોટી રકમ હાલ કેસમાં ન હોવાની તેમજ ખાત્રી કર્યા વગર આટલા બધાં રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
જેથી મનોજ જોષીએ જો તમે રૂપિયા નહીં આપો તો તમારો કોન્ટ્રાક્ટ તેમજ લાઈસન્સ રદ્દ કરાવી દેવાની ધમકીઓ આપી ફોન કટ કરી દીધો હતો. કેન્દ્રીય મંત્રાલયમાં સેક્રેટરી જેવા ઉંચા પદ ઉપર ફરજ બજાવતાં વ્યક્તિનું ખંડણીખોર જેવું વર્તન જોઈ અરવિંદભાઈને શંકા ઉપજી હતી. જેથી તેઓએ તાત્કાલિક કચ્છ જિલ્લાના કલેક્ટરને ફોન કરી, તમામ હકીકત વર્ણવી હતી. જે બાદ તે અજાણ્યાં ઈસમની તપાસ કરતાં તેણે મનોજ જોષી અર્બન સેક્રેટરી MoHUA, દિલ્હીનું ખોટું નામ ધારણ કરી, 70 લાખની ખંડણી માંગી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ફરીયાદને આધારે આણંદ રૂરલ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ઈ.પી.કો કલમ ૧૭૦, ૩૮૪, ૪૧9, ૫૧૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.