આણંદ તા.1
આણંદ શહેરના સોજિત્રા રોડ પર આવેલી મારૂતિ સોલારીસ મોલમાં હાઇસ ગ્લોબલ કન્સલટન્સી પ્રા. લી.ના સંચાલકોએ લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યાં હતાં. બાદમાં વાયદાઓ કરી જે ઉઘરાણી કરે તો તેને અમુક ટકા રૂપિયા પાછા આપી સમાધાન કરી લેતો હતો. જોકે, અનેક લોકોને નાણા પણ પરત કર્યાં નહતાં. પ્રાથમિક તપાસમાં 20.60 લાખની છેતરપિંડી ખુલી હતી. આ અંગે એલસીબીએ સવા મહિના પહેલા તપાસ હાથ ધરી હતી. જે અંગે આખરે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચને 23મી ડિસેમ્બર,23ના રોજ બાતમી મળી હતી કે, આણંદ – સોજિત્રા રોડ પર આવેલી મારૂતિ સોલારાઇસ મોલમાં પેન્ટાલુનની ઉપર બીજા માળ ઉપર આવેલા હાઇસ ગ્લોબલ કન્સલટન્સી પ્રા. લી.ના માલીક મનિષ મનહર પટેલ વિઝા અંગેનું કામ કરે છે અને ખોટા ઓફર લેટર તથા ઓરીજીનલ ઓફર લેટરમાં છેડછાડ કરી લોકો સાથે ઠગાઇ કરે છે. આ બાતમી આધારે એલસીબીએ ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ઓફિસથી અંદરની બાજુમાં કર્મચારી કોમ્પ્યુટર પર કામ કરતાં હતાં. રિસેપ્શન પર જ મનિષ પટેલ મળી આવ્યો હતો. તેની સઘન પુછપરછ કરતાં તે મનિષ મનહર ભાઇલાલ પટેલ (ઉ.વ.42, રહે. હાલ અલર્ક સોસાયટી, બાકરોલ રોડ, આણંદ, મુળ રહે. ડાકોર) હોવાનું જણાવ્યું હતું. મનીષ પાસેથી પોલીસે મોબાઇલ જપ્ત કર્યો હતો. બાદમાં સ્ટાફની પુછપરછ કરતાં તે હેતકુમાર મહેશ પટેલ, સિદ્ધીબહેન જશવંત વાઘેલા, સોનીયા રમેશ ખ્રિસ્તી, રશ્મિકાબહેન અનિલ વાઘેલા, વિનય રણછોડ પ્રજાપતિ, કશ્યપ જગદીશ સોની, શ્રેયા જીગ્નેશ પટેલ હોવાનું જણાવ્યું હતું. એલસીબીની ટીમે કોમ્પ્યુટરના ડેટા ચેક કરતાં 4 કોમ્પ્યુટર જપ્ત કર્યાં હતાં. જેને સાયબર એક્સપર્ટ પાસે તપાસ કરાવતા અનેક બાબતોનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ઓફર લેટર, બેલેન્સ સર્ટીફિકેટ શંકાસ્પદ જણાયાં હતાં. આ ઘટનામાં કુલ રૂ.1,34,800નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જ નિધી જયંતકુમાર શાહ, શાહનવાઝ ઇકબાલ સૈયદના નામના બોગસ બેલેન્સ સર્ટિફિકેટ મળી આવ્યાં હતાં.
આમ, હાઇસ ગ્લોબલ કન્સલટન્સી પ્રા. લી.ના બન્ને ડિરેક્ટર મનિષ મનહર પટેલ તથા ભરત હરમાન પટેલ લોકોને સસ્તા ભાવે જુદા જુદા વિઝા આપવાની જાહેરાત આપી પીઆરની ફાઇલમાં 350 ડોલર (રૂ.22 હજાર)ની જગ્યાએ રૂ. દોઢ લાખથી પોણા બે લાખ સુધી લેવામાં આવતાં હતાં. આવા અંદાજે ત્રણ સો જેટલી ફાઇલ હશે. વિઝીટર વિઝામાં 60 હજારની ફી લઇ ફાઇલ સબ મીટ કરી આપતાં હતાં. જેની ખરી કિંમત રૂ.12 હજાર છે. જે આશરે રૂ.1200 જેટલી ફાઇલ છે. ફાઇલો રીજેક્ટ થાય ત્યારે અમુક ટકા રકમ કાપીને પરત આપતાં હતાં. આ રીતે બન્ને ડિરેક્ટર મળી લોકોને ભોળવી તેમની પાસેથી ફી તરીકે રકમ વસુલ કરતાં હતાં. આ લોકો બેંકોમાં એફડી તરીકે રોકાણ કરી વ્યાજ કમાતાં હતાં અને તેમના અંગત લાભ માટે રૂપિયા કમાવવાની તરકીબ અપનાવતાં હતાં. સબ વે ઓફર લેટરમાં જણાવેલા કોન્ટેક્ટ નંબર અને ઇમેઇલ પણ ખોટાં જણાયાં હતા. આ અંગે મનિષ મનહર પટેલ (રહે. અલર્ક પાર્ક, આણંદ મુળ રહે. ગંગાનગર સોસાયટી, ડાકોર), ભરત હરમાન પટેલ (રહે. સિસ્વા) અને કુલદીપ રાજેશ પરમાર (રહે. રાવડાપુરા, આણંદ) સામે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદની કન્સલટન્સીએ કરોડોની છેતરપિંડી આચરી
By
Posted on