આણંદ : આણંદ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુ પકડવાનું પડતું મુકતાં શહેરીજનો અને ખાસ કરીને વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયાં હતાં. હાલમાં જ રામનવમી દરમિયાન રખડતી ગાયો શોભાયાત્રામાં ઘુસી જતાં અફડા તફડી મચી હતી. બીજી તરફ પાંજરાપોળમાં જગ્યા ન હોવાનું જણાવતા પાલિકાએ સમગ્ર અભિયાન જ અભેરાયે ચડાવી દીધું છે. આણંદ શહેરમાં રખડતાં પશુની હડફેટે ચડતાં રાહદારી અને વાહન ચાલકોના વધતા કેસના પગલે પાલિકા તાત્કાલિક હરકતમાં આવી પશુ પકડવા અભિયાન શરૂ કર્યું હતું. જોકે, આ અભિયાન છેલ્લા કેટલાક સમયથી અભેરાયે ચડી ગયું છે. આ અંગે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, રખડતા પશુ પકડવા માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો હતો.
જે સંદર્ભે કોન્ટ્રાક્ટ પણ ત્રણ મહિના પહેલા આપી દીધો હતો. જે અંતર્ગત 160 જેટલી રખડતી ગાયને પકડી અજરપુરા પાંજરાપોળમાં મુકી દેવામાં આવી હતી. જોકે, પાંજરાપોળમાં ઢોરની સંખ્યા વધુ હોવાથી વધુ પશુ સ્વીકારવાની ના પાડી દીધી હતી. બીજી તરફ પાલિકા પાસે પણ તેનો કોઇ વિકલ્પ ન હોવાથી આખરે સમગ્ર અભિયાન જ અભેરાયે ચડાવી દીધું છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, પાલિકાએ ઢોર પકડવા માટે કોન્ટ્રાક્ટરને એક ઢોર દીઠ રૂ.2400 ચુકવવામાં આવે છે. પરંતુ આ ઢોર રાખવા ક્યાં ? તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. થોડા સમય પહેલા પાલિકા પ્લોટમાં 60 ઢોર રાખવામાં આવ્યાં હતાં. પરંતુ ઘાસચારાના અભાવે તેમને છોડી મુકવા પડ્યાં હતાં.